કેન્દ્રીય કર્મીઓને પંચની ભલામણ કરતાં પણ વધુ પગાર મળશે

નવી દિલ્હી: જો બધું સમુંસૂતરું પાર પડશે તો ૩૦ લાખ કેન્દ્રીય કર્મચારીઓને ૭મા પગારપંચની ભલામણ કરતાં પણ વધુ પગાર મળી શકશે. સરકારે આ ભલામણો પર વિચારણા દરમિયાન એક વાતનો નિર્ણય કર્યો છે કે કેન્દ્રીય કર્મચારીઓને પગારપંચની ભલામણો કરતાં વધુ પગારની આવશ્યકતા છે.

જો નાણાં મંત્રાલય તરફથી નાણાં ભંડોળ ઉપલબ્ધ કરાવવાની કોઈ મુશ્કેલી નહીં પડે તો કેન્દ્રીય કર્મચારીઓના મૂળ પગારમાં લઘુતમ વધારો ૨.૫૭ ટકાથી વધીને ૨.૯ ટકા થઈ શકે છે. આગામી એક પખવાડિયામાં કેન્દ્રીય કેબિનેટ બદલાયેલી ફોર્મ્યુલા સાથે પગારપંચની ભલામણો લાગુ કરવાના પ્રસ્તાવ પર મંજૂરીની મહોર મારી શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પગારપંચની ભલામણોને લઈને વડા પ્રધાન કાર્યાલયમાં કેબિનેટ સચિવ સાથે એક મહત્ત્વની બેઠક થઈ હતી. આ બેઠક બાદ આખરી રિપોર્ટ નાણાં મંત્રાલયને મોકલી દેવામાં આવ્યો છે અને મંત્રાલયને આગામી બે સપ્તાહમાં કેબિનેટ નોંધ તૈયાર કરીને કેબિનેટ સમક્ષ રજૂ કરવા જણાવાયું છે અને હવે કેબિનેટ આ અંગે નિર્ણય લેશે.
પગારપંચે પોતાની ભલામણોમાં પેમેટ્રિક્સ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓના મૂળ પગારમાં ૨.૫૭ ટકાથી ૨.૭૨ ટકા વધારો કરવાની દરખાસ્ત રજૂ કરી છે. આ દરખાસ્ત અનુસાર કર્મચારીઓ લઘુતમ માસિક પગાર રૂ. ૧૮,૦૦૦ અને મહત્તમ પગાર રૂ. ૨,૫૦,૦૦૦ થશે, જોકે બેઠક બાદ પગારમાં ૨.૯ ટકા લઘુતમ અને ૩.૨ ટકા મહત્તમ વધારાની ભલામણ કરવામાં આવી છે. આવું થવાથી પેમેટ્રિક્સ અનુસાર લઘુતમ માસિક પગાર વધીને રૂ. ૨૩,૦૦૦ અને મહત્તમ પગાર વધીને રૂ. ૩,૨૫,૦૦૦ થઈ જશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પંચની ભલામણોનો અમલ કરવાથી કેન્દ્ર સરકારની તિજોરી પર રૂ. એક લાખ કરોડથી વધુ આર્થિક બોજ પડશે. જો નવી ભલામણોનો સ્વીકાર કરવામાં આવશે તો સરકારી તિજોરી પર હજુ વધુ બોજ પડશે. સરકારના આ નિર્ણયનો લાભ ૪૭ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને ૫૨ લાખ નિવૃત્ત કર્મચારીઓને મળશે.

You might also like