કેન્દ્રએ રાજ્યોને કહ્યું: વીજળી બિલનું પેમેન્ટ હવે કેશમાં લેવાનું બંધ કરો

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે રાજ્યોને જણાવ્યું છે કે વીજળી બિલનું પેમેન્ટ હવે કેશમાં લેવાનું બંધ કરવામાં આવે અને આ માટે ડિજિટલ મોડ તરફ આગળ વધવામાં આવે. જો આવું થશે તો કેશલેસ ઈકોનોમી દિશામાં એક મોટી છલાંગ હશે, કારણ કે દર વર્ષે લાખો કરોડ રૂપિયાની વીજળીનો વપરાશ થાય છે.

વીજ સચિવ પી. કે. પૂજારીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય વીજ મંત્રાલયે, રાજ્યોની વિતરણ કંપનીઓને જણાવ્યું છે કે તેઓ એક મજબૂત ઓનલાઈન અને ડિજિટલ પેમેન્ટ મિકેનિઝમ તૈયાર કરે અને તેને વધુ સુદ્રઢ કરે. તેના પગલે શહેરી વિસ્તારોમાં કેશ પેમેન્ટ બંધ કરવાની શરૂઆત થઈ શકશે અને ધીમે ધીમે તમામ વીજ ગ્રાહકોને તેના દાયરા હેઠળ લેવામાં આવશે. સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઓથોરિટીના ડેટા અનુસાર એપ્રિલ ૨૦૧૬થી આ વર્ષે માર્ચ સુધી રાજ્યોને ૧,૧૩,૪૬૩.૧૦ કરોડ યુનિટ વીજળી સપ્લાય કરવામાં આવી છે.

જો પ્રતિ યુનિટ રૂ. ત્રણના ટેરિફને ધ્યાનમાં રાખીને ગણતરી કરવામાં આવે તો ડિજિટલ પેમેન્ટ મિકેનિઝમ અપનાવવાથી રૂ. ૩,૪૦,૩૮૯ કરોડ જનરેટ થઈ શકે છે. પૂજારીએ જણાવ્યું છે કે પાવર સેક્ટરમાં મની કલેકશન મુખ્યત્વે ડિસ્ટ્રિબ્યૂશન કંપનીઓ દ્વારા થાય છે. અમે રાજ્યોને જણાવ્યું છે કે ગ્રાહકો ઈ-પેમેન્ટસ દ્વારા પેમેન્ટ કરે તેવા ઉપાયો કરવામાં આવે. આવું નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડથી થઈ શકે છે.

વીજ મંત્રાલય આ સપ્તાહે કેશલેશ ઈલેક્ટ્રિસિટી બિલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટેની વિવિધ પદ્ધતિઓ પર ચર્ચા કરશે.
http://sambhaavnews.com/

You might also like