સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી વધારી

નવી દિલ્હી: સરકારે છેલ્લા બે મહિનામાં ત્રીજી વખત પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો કર્યો હતો. પરંતુ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આ વધારાનો બોજ ગ્રાહકો પર નહીં નાખવાનો નિર્ણય લીધો છે.સરકારે લગભગ રૂ.૪૪૦૦ કરોડ કરતાં ઓછી રકમ ઊભી કરવા માટે આ વધારો કર્યો છે.  સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઈઝ એન્ડ કસ્ટમે એક યાદીમાં જણાવ્યું હતું કે ડીઝલમાં લિટર દીઠ રૂ.૨ અને પેટ્રોલમાં લિટર દીઠ ૩૭ પૈસા એક્સાઈઝ ડ્યૂટી વધારો કરવામાં આવ્યો છે. હવે બ્રાન્ડેડ ડીઝલ પર બેઝિક એક્સાઈઝ ડ્યૂટી લિટર દીઠ રૂ.૮.૧૯થી વધારીને રૂ.૧૦.૧૯ કરી દીધી છે. જ્યારે બ્રાન્ડેડ પેટ્રોલ પર બેઝિક એક્સાઈઝ ડ્યૂટી લિટર દીઠ રૂ.૮.૫૪થી વધારીને રૂ.૮.૯૧ કરવામાં આવી છે.

આ રીતે ડીઝલનાં ભાવમાં સ્પેશિયલ એક્સાઈઝ ડ્યૂટી (બેઝિક એક્સાઈઝ ડ્યૂટી સહિત) લિટર દીઠ રૂ.૧૩.૮૩ તથા પેટ્રોલના ભાવમાં સ્પેશિયલ એક્સાઈઝ ડ્યૂટી રૂ.૧૯.૭૩ લિટર દીઠ થઈ ગઈ છે. સરકારને આને લીધે ડીઝલ પર રૂ.૪,૩૦૦ કરોડ અને પેટ્રોલ પર રૂ.૮૦ કરોડની આવક ઊભી થશે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાનો લાભ ઉઠાવતા સરકારે મહેસૂલી ખાધ ઘટાડવા માટે ગઈ ૭મી નવેમ્બરથી અત્યાર સુધીમાં ત્રણ વખત પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો કર્યો છે. ૭મી નવેમ્બરે પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં લિટર દીઠ રૂ.૧.૬૦ તથા ડીઝલ પર લિટર દીઠ ૩૦ પૈસાનો વધારો કર્યો હતો. જ્યારે ગઈ ૧૬મી ડિસેમ્બરે તેમાં લિટર દીઠ અનુક્રમે ૩૦ પૈસા અને રૂ.૧.૧૭નો વધારો કરવામાં આવ્યો હતો.

સરકારે અગાઉ ૧૬મી ડિસેમ્બરે પેટ્રોલ અને ડીઝલમાં એક્સાઈઝ ડ્યૂટી વધારીને રૂ.૨,૫૦૦ કરોડ ઊભા કર્યા હતા.જ્યારે ૭મી નવેમ્બરે વધારો કરીને રૂ.૩,૨૦૦ કરોડ ઊભા કર્યા હતા. આમ કુલ ત્રણ વખતના વધારામાં સરકાર તેની બજેટ ખાધને પૂરવા માટે રૂ.૧૦,૦૦૦ કરોડથી વધુની રકમ ઊભી કરશે તેમ મનાય છે.

સરકારે આ અગાઉ નવેમ્બર ૨૦૧૪થી જાન્યુઆરી ૨૦૧૫ વચ્ચે ચાર વખતમાં પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં લિટર દીઠ રૂ.૭.૭૫નો અને ડીઝલમાં લિટર દીઠ રૃ.૬.૫૦નો વધારો કર્યો હતો. આ રીતે મોદી સરકાર સત્તા પર આવ્યા બાદ કુલ સાત વખતમાં પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટી લિટર દીઠ રૂ.૧૧.૦૨ તથા ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી લિટર દીઠ રૂ.૯.૯૭ વધારી દેવાઈ છે.  જ્યારે નવેમ્બર ૨૦૧૪થી જાન્યુઆરી ૨૦૧૫ વચ્ચે ચાર વખતમાં પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો કરીને રૂ.૨૦,૦૦૦ કરોડની આવક ઊભી કરી હતી.

You might also like