કેન્દ્ર હવે બેનામી સંપત્તિ અને લેવડદેવડ પર તવાઈ લાવશે

નવી દિલ્હી: સરકારના બેનામી લેવડદેવડ અને વ્યવહારો રોકવાના પ્રયાસરૂપે બેનામી ટ્રાન્ઝેક્શન પ્રોહિબિશન એક્ટમાં સુધારો કરીને બેનામી ટ્રાન્ઝેક્શન પ્રોહિબિશન અેમેન્ડમેન્ટ બિલ-૨૦૧૫માં સુધારો કરવાના પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ વિધેયકમાં સુધારાને રજૂ કરવા માટેના પ્રસ્તાવને મંજૂરી અપાઇ છે.

અહેવાલો અનુસાર આ સુધારા પાછળનો હેતુ આ વિધેયકની જોગવાઇને કાનૂની અને વહીવટી રીતે વધુ મજબૂત કરવાનો છે કે જેથી વિધેયક કાયદો બન્યા બાદ તેની જોગવાઇઓનો અમલ કરવામાં પડતી વ્યવહારુ મુશ્કેલીઓને દૂર કરી શકાય. આ વિધેયક પાછળનો હેતુ બેનામી લેવડદેવડ અને બિઝનેસને અસરકારક રીતે રોકવાનો તેમજ અયોગ્ય રીતે કાયદાનો ભંગ થતો અટકાવવાનો છે.

આ વિધેયક સરકારને નિર્ધારિત પ્રક્રિયા દ્વારા બેનામી સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર આપે છે, તેનાથી તમામ નાગરિકોમાં સમાનતા આવશે, જોકે તેમાં વધુમાં જણાવાયું છે કે જે લોકો બેનામી સંપત્તિની જાહેરાત હાલ અમલમાં મૂકવામાં આવેલી સ્વૈચ્છિક જાહેરાત યોજના હેઠળ કરી દેશે તેમને આ બેનામી સંપત્તિના કાયદામાંથી મુક્તિ આપવામાં આવશે.

આ ઉપરાંત કેન્દ્રીય કેબિનેટે ભારત અને મોઝામ્બિક વચ્ચે એરલાઇન સર્વિસ એગ્રીમેન્ટને પણ મંજૂરી આપી હતી. આ પગલાથી ભારત અને મોઝામ્બિક વચ્ચે એર કનેક્ટિવિટી વધશે. કેન્દ્રીય કેબિનેટે ભારત અને સ્વિસ કોન્ફેડરેશન વચ્ચે સ્કિલ ડેવલપમેન્ટ સમજૂતીને પણ મંજૂરી આપી છે. એક સત્તાવાર િનવેદનમાં જણાવ્યા અનુસાર કેન્દ્રીય સ્કિલ ડેવલપમેન્ટ પ્રધાન રાજીવ પ્રતાપ રુડીના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળની સ્વિટ્ઝર્લેન્ડ યાત્રા દરમિયાન આ સમજૂતી થઇ હતી, જેને કેબિનેટે મંજૂરીની મહોર મારી છે.

You might also like