સાતમા પગારપંચની જાહેરાત બાદ ઓટો અને કન્ઝ્યુમર ગુડ્સ સેક્ટરમાં સુધારો જોવાશે!

અમદાવાદ : કેન્દ્ર સરકાર સાતમા પગારપંચની ટૂંક સમયમાં જાહેરાત કરે તેવી શક્યતા છે. મોટા ભાગના કેન્દ્રીય કર્મચારીઓને પગારમાં તથા પેન્શનધારકોના પેન્શનમાં એક અંદાજ મુજબ ૧૫થી ૨૦ ટકાનો વધારો થાય તેવી શક્યતા છે.

કેન્દ્ર સરકારના સાતમા પગારપંચના અમલની જાહેરાત બાદ દેશની વિવિધ રાજ્ય સરકારો દ્વારા પણ પગારપંચની ભલામણોનો અમલ કરે તેવી શક્યતાઓ છે ત્યારે બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ઓટોમોબાઇલ સેક્ટર તથા કન્ઝ્યુમર ગુડ્સ એટલે કે એસી, ટીવી, ફ્રીજ જેવી ઘરવપરાશની ચીજવસ્તુની કંપનીઓના શેરમાં સુધારાની ચાલ જોવાઇ શકે છે. પગાર વધારાના કારણથી રિયલ્ટી કંપનીના શેરમાં પણ સુધારો નોંધાઇ શકે છે. નાણાકીય પ્રવાહિતામાં દિવાળી સુધીમાં વધારો જોવાશે.

વિવિધ કાર તથા કન્ઝ્યુમર ગુડ્સની માગમાં વધારો થવાની શક્યતાઓ પાછળ કંપનીના શેરમાં સુધારો નોંધાઇ શકે છે. નોંધનીય છે કે બ્રેક્ઝિટ બાદ ઓટો સેક્ટરમાં કડાકો બોલાઇ ગયો હતો. આવા સંજોગોમાં ઓટો કંપનીના શેરમાં રોકાણ ફાયદેમંદ પુરવાર થઇ શકે છે તેવો મત જાણકારો દ્વારા વ્યક્ત કરાયો છે.

You might also like