સેન્ટ્રલ એક્સાઈઝના સુપરિન્ટેન્ડેન્ટ, સર્કલ ઓફિસર લાંચ લેતાં ઝડપાયા

અમદાવાદ: વડોદરા અને સુરતમાં લાંચ-રુશવત વિરોધી બ્યૂરોએ સફળ છટકાં ગોઠવી સેન્ટ્રલ એક્સાઈઝના સુપરિન્ટેન્ડેન્ટ અને એક સર્કલ ઓફિસરને લાંચ લેતાં રંગેહાથ ઝડપી લઈ અા અંગે ગુના દાખલ કર્યા છે.  અા અંગેની વિગત એવી છે કે વડોદરામાં સ્ક્રેપનો વ્યવસાય કરતા લક્ષ્મણભાઈ ખત્રીને વાઘોડિયાની એક કંપનીમાંથી દસ ટન સ્ક્રેપનો જથ્થો બહાર કાઢવાનો હોઇ અા માટે સેન્ટ્રલ એક્સાઈઝ કસ્ટમ વિભાગમાંથી એનઓસી લેવાની હતી. અા એનઓસી અાપવા માટે સેન્ટ્રલ એક્સાઈઝ કસ્ટમ વિભાગના સુપરિન્ટેન્ડેન્ટ અાર. જે. ચૌહાણે રૂ. ૯ હજારની લાંચની માગણી કરી હતી. અા અંગે એસીબીમાં ફરિયાદ કરવામાં અાવતાં એસીબી દ્વારા છટકું ગોઠવી લાંચની રકમ લેવા અાવેલા એક્સાઈઝ સુપરિન્ટેન્ડેન્ટ ચૌહાણને લાંચની રકમ સ્વીકારતાં અાબાદ ઝડપી લેવાયા હતા. અા અધિકારી ભરૂચના રહીશ હોઈ તેમના નિવાસસ્થાને પણ પોલીસે તપાસ શરૂ કરી હતી.

અા ઉપરાંત સુરતના ઓલપાડના સર્કલ ઓફિસર ભગીરથ શાહે વડોલી ગામના રહીશ હિતેન્દ્રસિંહ વાસિયા પાસે રેવન્યૂ રેકર્ડમાં નામ ચઢાવવા માટે રૂ. દસ હજારની લાંચ માગી હતી. અા અંગે એસીબીમાં ફરિયાદ કરાવતાં એસીબીએ છટકું ગોઠવી સર્કલ ઓફિસર શાહને રૂ. દસ હજારની લાંચ લેતાં અાબાદ ઝડપી લીધા હતા. એસીબીએ ઉપરોક્ત બંને અધિકારીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

You might also like