સેન્ટ્રલ એડ્વાન્સ રૂલિંગ ઓથોરિટી બનાવવાની કવાયત

અમદાવાદ: મહારાષ્ટ્ર સહિત કેટલાંક રાજ્યોની એડ્વાન્સ રૂલિંગ ઓથોરિટીએ જીએસટી ટેક્સ વિવાદ સંદર્ભે ચુકાદા આવ્યા છે તેના કારણે વધુ મુશ્કેલી ઊભી થઇ છે. જીએસટીની સમાન ટેક્સ સંબંધી મુશ્કેલી જુદા જુદા ચુકાદાના કારણે જીએસટીના અમલ અને ખાસ કરીને ટેક્સના દરનો ગૂંચવાડો ઊભો થયા પછી ઓથોરિટી ફોર એડ્વાન્સ રૂલિંગની રચના કરવાની જરૂરી બની છે.

સરકાર દ્વારા જીએસટી માટે ઓથોરિટી ફોર એડ્વાન્સ રૂલિંગની રચના કરવાની વિચારણા શરૂ થઇ ગઇ છે. નોંધનીય છે કે તાજેતરમાં સોલાર પ્લાન્ટ કેસમાં કર્ણાટક અને મહારાષ્ટ્રમાં એડ્વાન્સ રૂલિંગ ઓથોરિટીએ અલગ અલગ ચુકાદા આપ્યા હતા. પ્રાપ્ત થતી માહિતી મુજબ આ ઓથોરિટી મુદ્દા આધારિત રહેશે, જેમાં રાજ્ય અને કેન્દ્ર બંનેનું પ્રતિનિધિત્વ રહેશે.

જીએસટીમાં ટેક્સ બાબતે સમાન મુદ્દે જુદાં જુદાં રાજ્યોમાં એકથી વધુ અપીલ ફાઇલ કરવામાં આવશે તો આ ઓથોરિટી દ્વારા તેની સુનાવણી કરવામાં આવશે. કેન્દ્રીય એડ્વાન્સ રૂલિંગ ઓથોરિટી કાયદાકીય ઓથોરિટી રહેશે. તે કોઇ પણ જીએસટી ટ્રાન્ઝેક્શન અંગે આકારણીદારની સંભવિત ટેક્સ જવાબદારીનું માર્ગદર્શન આપશે.

કેન્દ્રીય ઓથોરિટી ફોર એડ્વાન્સ રૂલિંગ્સનો ચુકાદો જે તે કેસ મુજબ રહેશે. ટેક્સ નિષ્ણાતો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ જીએસટીના પગલે પાંચ વર્ષ સુધી રાજ્યોને થતી ટેક્સની આ‍કમાં નુકસાનીની ભરપાઇ કરવાની જવાબદારી કેન્દ્રની છે. આવા સંજોગોમાં હજુ એક વર્ષ પણ અમલને પૂરું થયું નથી ત્યાં જુદાં જુદાં રાજ્યો વચ્ચે જુદા જુદા ચુકાદાના પગલે આવક ઉપર પણ માઠી અસર થવાની ભીતિ સેવાઇ રહી છે.

You might also like