કાશ્મીરની સુરક્ષા મામલે કેન્દ્ર સરકારે હવે અસરકારક રણનીતિ ઘડવી પડશે

કાશ્મીરમાં રમજાન માસમાં સિઝફાયર પર વિરામ રખાવવાના પોતાના વ્યૂહમાં કેન્દ્ર સરકાર નિષ્ફળ ગઇ હોવાના સંકેત જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિ અટકાવવા માટે આપણે સ્થાનિક અને વૈશ્ર્વિક સ્તરે બધું જ કરી ચૂકયા છીએ. તેમ છતાં નથી પાકિસ્તાનનાં વલણમાં સુધારો કે નથી આતંકવાદીઓના વર્તનમાં સુધારો. સુધારો માત્ર ચીનના પ્રમુખમાં જોવા મળ્યો છે.

એ પાકિસ્તાન સરકારને એવી સલાહ આપે છે કે, જમાત-ઉલ- દાવા (જેયુડી)ના અધ્યક્ષ અને મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ એવા હાફીઝ સઇદને તડીપાર કરે! કારણ કે પાકિસ્તાન પર દિવસે દિવસે આંતરરાષ્ટ્રીય દબાણ વધતું રહ્યું છે. ત્યારે હવે એવુ લાગી રહ્યુ છે કે કાશ્મીરની સુરક્ષા મામલે કેન્દ્ર સરકારે અસરકારક રણનીતિ ઘડવાની આવશ્યકતા છે.

કાશ્મીર બાબતે અને કાશ્મીરમાં વસતા લોકોના રક્ષણની બાબતે આપણે કોઇ નીતિ નથી ઘડી શકયા કે નથી અમલમાં મૂકી શકયા. પાક આશ્રિત આતંકવાદી સંગઠનો અને પાકિસ્તાની લશ્કરે કલ્પના ન કરી શકાય તેવું અને કેટલુંયે નુકસાન આપણને પહોચાડયું છે.

કાશ્મીરમાં ઘુસી આવીને આતંકવાદીઓ સીધો બોંબમારો નથી કરતા પરંતુ ત્યાંના યુવાનોમાં ભારત વિરોધી માનસ ઘડવાનું ઝેરીલું કામ કરે છે. જે આતંકવાદીઓના હુમલાઓ કરતા પણ વધુ લોહીયાળ બની જાય છે.

સુરક્ષા જવાનો આતંકવાદીઓને જયારે ઘેરી લે છે ત્યારે આ યુવાનો તેમનું રક્ષણ કરવા ઊભા રહી જાય છે. જેમાંના કેટલાક કયારેક માર્યા જાય છે. ત્યારે કાશ્મીરમાં નાગરિકો માર્યા ગયા હોવાની હવા ફેલાવીને પ્રજાને ગેરમાર્ગે દોરવામાં આવે છે.બહુ થયું હવે!

આવું સરકારને પણ લાગે છે, લશ્કરને પણ લાગે છે, પણ આપણે જે કંઇ પગલાં લઇએ છીએ, એ પર્યાપ્ત સાબિત નથી થતાં.શાંતિમંત્રણાઓ થાય છે, તેમ તેમ પાકિસ્તાની લશ્કર અને આતંકવાદી જૂથો વધારે અશાંતિ ફેલાવે છે ને હવે અસહ્ય બનતું જાય છે. કયારેક એવું પણ લાગે છે કે, કેન્દ્ર સરકારે કાશ્મીર બાબતે હાથ હેઠા કરી દીધા છે. કહો કે અપરોક્ષ રીતે હાર માની લીધી છે. કાશ્મીર પ્રશ્ને કે સુરક્ષા મુદ્દે એક પણ પગલું અસરકારક સાબિત નથી થયું?

કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરમાં રમજાન મહિનો ચાલતો હોવાથી શરતી સિઝફાયર જાહેર કર્યું છે. તો શું આપણે યુદ્ધ છેડી દીધું છે? સીમા પારથી ભલે તોપમારો ચાલુ રહે, આપણે વળતો જવાબ કે પ્રહાર કરવાનો નહીં? ૧૫ વર્ષથી સીઝફાયર લાગુ છે. પણ પાકિસ્તાન સતત તેનો ભંગ કરતું રહે છે.

આ વર્ષના પહેલા ચાર મહિનામાં લાઇન ઓફ કંટ્રોલ પર બંને દેશોએ, અન્ય વર્ષોમાં નથી કર્યું એટલું ફાયરિંગ કર્યું છે. તો એક વાર, સત્તાવાર રીતે યુદ્ધ છેડી ન શકાય? તેના સિવાય કોઇ અન્ય ઉપાય નથી.

કેન્દ્રએ બદલાની નીતિ અપનાવ્યા સિવાય પાક. લશ્કર અને આતંકની આગ બુઝાય તેમ નથી. વ્યૂહરચના ઘડવી જ પડશે.એલઓસી પર પાકિસ્તાન દ્વારા કરાતી આતંકવાદીઓની ઘૂસણખોરી એ લાંબો કે દૂરનો ઈતિહાસ નથી. એ ૨૦૦૩ના સિઝફાયર કરાર પછીની જ વાત છે.

પાકિસ્તાન અલગતાવાદી આતંકવાદી જૂથોને પીઠબળ પૂરું પાડે છે તેનો ઇતિહાસ સાક્ષી છેે. વિશ્વસાક્ષી છે. એમ કરીે પાકિસ્તાન વ્યૂહાત્મક લાભ મેળવી લે છે. ૨૦૧૬ બાદ ખીણ વિસ્તારોમાં કેન્દ્ર સરકારની નીતિ વધારે સખત રહી છે. બુરહાન વાનીના મૃત્યુ પછી મિલિટરીએ નવજીવનનો ચમકારો બતાવ્યો. કેન્દ્ર સરકારે ઓપરેશન ઓલ આઉટ જાહેર કરીને પાકિસ્તાનનો જેમને ટેકો છે તેવા લશ્કર-એ-તોયબા જેવા જૂથોના નેતાઓ પર લક્ષ્ય કેન્દ્રીત કર્યું.

૨૦૧૭માં તે મુજબ ૨૧૩ આતંકવાદીઓનો સલામતી દળે ખાતમો બોલાવ્યો જે અગાઉના વર્ષો કરતાં વધારે ગણાય છે. હવે ભારતે કાશ્મીરમાં આક્રમકતા સહેજે ઓછી કરવાની જરૂર નથી.

શસ્ત્રવિરામ રમજાન પૂરતો ઠીક છે. બીજી તરફ આતંકવાદીઓને સહકાર આપનારા કાશ્મીરીઓને ચેતવણી આપવામાં આવી. જેની જોઇએ તેટલી અસર થઇ નથી.

લશ્કરના ઓપરેશનમાં એવા નાગરિકોનો પણ ભોગ લેવાયો, પણ સરવાળે એ શખત પગલાં લેવાનો વ્યૂહ યોગ્ય સાબિત ન થયો. હાલમાં કાશ્મીરની અંદર અને સરહદ પર ચરુ ઉકળતો જ રહ્યો છે. આતંકવાદીના મૃત્યુના વિરોધમાં મોરચાઓ કાઢવાનું પ્રમાણ ૨૦૧૮ દરમિયાન પણ વધી ગયું છે.

You might also like