‘સરકારી બાબુ’ ખુશઃ શેરબજારમાં રોકાણનાં ૨૬ વર્ષ જૂનાં નિયમમાં કેન્દ્રએ રાહત આપી

નવી દિલ્હીઃ બજેટમાં ધંધા-રોજગાર, ખેડૂતો અને શ્રમિકોને મોટી રાહત આપ્યા બાદ મોદી સરકારે સરકારી બાબુઓને રાહત આપવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે ૨૬ વર્ષ જૂના એ નિયમમાં ફેરફાર કર્યો છે, જે અંતર્ગત ગ્રૂપ-એ અને ‘બી’ વર્ગમાં આવતા સરકારી કર્મચારી શેરબજાર, ડિબેન્ચર અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રૂ. ૫૦,૦૦૦ સુધીનું જ રોકાણ કરી શકતા હતા. એનાથી વધારે રોકાણ કરવા બદલ ગ્રૂપ-એ અને ‘બી’ વર્ગના કર્મચારીઓએ કેન્દ્ર સરકારને એ રોકાણ અંગે જાણકારી આપવી પડતી હતી, પરંતુ હવે નવા નિયમ અંતર્ગત આવા કર્મચારીઓ પોતાના છ મહિનાનું બેઝિક વેતન શેરબજાર અથવા મ્યુચ્યુઅલ ફંડ વગેરેમાં રોકાણ કરી શકશે.

ગ્રૂપ-સી અને ડી માટે રૂ. ૨૫,૦૦૦ની લિમિટઃ
સરળ શબ્દોમાં કહેવામાં આવે તો નવા નિયમ અંતર્ગત ગ્રૂપ-એ અને ‘બી’ના કર્મચારીઓ તા. ૧ એપ્રિલથી ૩૧ માર્ચ (નાણાકીય વર્ષ) દરમિયાન પોતાના છ મહિનાના મૂળ વેતન જેટલું રોકાણ કરી શકશે. એ ઉપરાંત ગ્રૂપ-સી અને ‘ડી’ના કર્મચારીઓ માટે આ મર્યાદા રૂ. ૨૫ હજારની રહેશે. આ ફેરફાર એટલા માટે કરાયો છે, કારણ કે અલગ અલગ વેતન આયોગના જણાવ્યાં અનુસાર દરેક સ્તરના કર્મચારીની સેલરી અગાઉની સરખામણીએ ઘણી વધી ગઈ છે. જોકે રોકાણની મર્યાદા વધારવા છતાં અદિકારીઓએ શેરબજારમાં રોકાણ કરેલી રકમની જાણકારી તો સરકારને આપવી જ પડશે.

સરકારે જાહેરનામું બહાર પાડ્યું:
અહેવાલો અનુસાર સરકાર તરફથી બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે જો કોઈ અધિકારી પોતાની બે માસથી વધુની બેઝિક સેલેરીનું રોકાણ શેરબજારમાં કરે તો તેણે સંબંધિત વિભાગને જાણકારી આપવી પડશે. એ બધી જાણકારી એ કર્મચારી અથવા અધિકારીને સંબંધિત નાણાકીય વર્ષમાં ૩૧ જાન્યુઆરી સુધીમાં સબમિટ કરવી પડશે. કેન્દ્ર સરકારના નીચલા સ્તરના અધિકારી પોતાનું મૂળ વેતન ૧૮,૦૦૦ રૂપિયાથી વધારવાની માગણી કરી રહ્યા છે. સૂત્રોની વાત માનવામાં આવે તો ચૂંટણીની જાહેરાત પહેલાં સરકાર કર્મચારીઓની આ માગણી સ્વીકારી લેવાના મૂડમાં છે અને ટૂંક સમયમાં આ અંગેની જાહેરાત સરકાર દ્વારા કરાઈ શકે છે.

You might also like