કેન્દ્રનું બજેટ રાહતરૃપ છે કે આફતરૂપ?

રોજગારી માટેની તકો ઉત્પન્ન કરવાનો સરકારનો અગાઉનાં વર્ષોનો જુસ્સો પણ બજેટમાં જોવા મળતો નથી.

સામાન્ય રીતે દર વર્ષે બજેટ રજૂ થાય ત્યારે તેના વિશે દેશભરમાં ચર્ચાઓ થાય, લેખો લખાય, વિશ્લેષણો દ્વારા તેનું મૂલ્યાંકન થાય, એટલે લોકોને સમજાય કે આ બજેટ કેટલું રાહતરૃપ છે કે આફતરૃપ? આમ તો દેશની જનતાનો અનુભવ રહ્યો છે કે બજેટ રજૂ થાય ત્યારે ઘણી વાર જે રીતે ઉત્સાહવર્ધક હોય છે, તેવું વર્ષાન્તે સાબિત થતું હોતું નથી. આમ છતાં નાગરિકને તો તેને અપનાવ્યે અને નિભાવ્યે જ છૂટકો હોય છે.

કેન્દ્રનું આ વર્ષનું બજેટ એ આગામી લોકસભાની ચૂંટણી પહેલાંનું પૂર્ણ કક્ષાનું કહી શકાય એવું છેલ્લું બજેટ હતું. એટલે આમધારણા એવી હતી કે સરકાર આ વર્ષે ખાસ્સી એવી લોકપ્રિય બને તેવી જાહેરાતો કરી દેશે અને ગરીબ, ખેડૂત, મધ્યમ વર્ગ અને નાના વેપારીઓને રાજીના રેડ કરી દેશે, પરંતુ એવું બન્યું નથી. રોજગારી માટેની તકો ઉત્પન્ન કરવાનો સરકારનો અગાઉનાં વર્ષોનો જુસ્સો પણ બજેટમાં જોવા મળતો નથી. એટલું જ નહીં, સંક્ષિપ્તમાં કહેવું હોય તો સરકારે અગાઉ કરેલાં વચનો પૂરાં થઈ જાય, એ દિશામાં પણ બજેટ જણાતું નથી અને વિકાસની ગતિ તેજ બને એવા નક્કર સંકેત પણ આ બજેટ આપી શકતું નથી. સકારાત્મક દૃષ્ટિએ જ તેને મૂલવવાનું હોય તો એટલું જરૃર કહી શકાય કે સરકારે હવે લોકોને સમૃદ્ધ બનાવવાને બદલે સુખી બનાવવાની દિશા નક્કી કરી છે. આરોગ્ય જાળવણી, નોકરીને બદલે રોજગાર, કરકસર કરવાની સલાહ અને જે હોય તેમાં સંતોષ માની લેવાના વલણને જાહેર વક્તવ્યોમાં પ્રોત્સાહન, સરકારની આ દિશા એ હવેની વાસ્તવિકતાઓને કઈ રીતે પચાવવી તે સમજાવે છે!

આમ જોઈએ તો સરકારે આ બજેટમાં ખર્ચ પર નિયંત્રણ મૂકવાનો પ્રયત્ન કર્યો છે તે પ્રશંસનીય છે, પરંતુ મહેસૂલી જાવક પર વિશેષ ધ્યાન એટલે કેન્દ્રિત કરાયું છે કે દુનિયાભરની નાણાં સંસ્થાઓ મૂડીરોકાણ માટેનાં રેટિંગ કરતી વખતે આ આંકડાઓ પર વિશેષ ધ્યાન આપે છે. આનો એક અર્થ એ થાય કે વધુ તેજ ગતિથી વિકાસ કરવાની પ્રાથમિકતા આ બજેટમાં નથી અપાઈ. વિકાસની બાબતમાં ભારતની સરખામણી ચીન સાથે થાય છે. આજથી ચાર દસકા પહેલાંના સમય પર ધ્યાન દઈએ તો ત્યારે ચીનની આર્થિક સ્થિતિ, સામાજિક માળખું અને માળખાગત સુવિધાઓ ઘણી કંગાળ હતી, પરંતુ ત્યાર બાદ વિશ્વભરમાંથી તેણે આવકારેલા મૂડીરોકાણ પછી ચીન ઘણુ વિકસિત બની ગયું છે. ચીને ત્યારે મૂડીરોકાણ સામે થતાં મહેસૂલી નુકસાનની ચિંતા કરી નહોતી. અલબત્ત, ચીનની શાસન વ્યવસ્થા ચુસ્ત હોવા છતાં પ્રગતિની સાથે-સાથે તેણે ફુગાવાનું જોખમ પણ ઉઠાવવું પડ્યું છે અને ઉદ્યમી સમાજ તેમાંથી બહાર પણ આવતો રહ્યો છે.

આ બજેટમાં ‘ગાંવ, ગરીબ, કિસાનલ્લ એમ જોઈએ તો ગ્રામ્ય જીવનના ઉત્કર્ષ પર ધ્યાન અપાયું છે, પરંતુ આવું પ્રથમ વખત થયું છે એવું નથી. આ વર્ષે નાણામંત્રી અરુણ જેટલીએ તેમના બજેટ પ્રવચનમાં કુલ ૨૭ વખત ‘ગરીબ’ શબ્દનું ઉચ્ચારણ કર્યું છે, છતાં ગરીબના ઉત્કર્ષ માટે કંઈક નવું લઈ આવ્યા હોય તેવું જરા પણ જણાતું નથી. પાકવીમાથી ખેડૂતોના પાકને રક્ષણ મળે તે સારી બાબત છે, પરંતુ ખેડૂતોની બમણી આવક કઈ રીતે થવાની છે, તે ખેડૂતોને હજુ સમજાતું નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એકધારી સલાહ અને તેમનું અભિયાન ‘વિકાસ‘ રહ્યું છે. તેમની વાત જે ૧૦૦ ટકા સાચી છે, એ છે કે વિકાસથી જ દેશ પ્રગતિ કરશે. લોકોની ઉન્નતિ થશે, જનસામાન્યનું જીવનધોરણ વધુ સુખમય બનશે અને વિકાસ જ નવયુવાનોને રોજગારી આપશે. વડાપ્રધાનની આ સાચી સલાહ સામે અર્થશાસ્ત્રના નિષ્ણાતો એમ કહે છે કે આ માટે દેશનો વિકાસ દર ઓછામાં ઓછો ૧૦થી ૧૨ ટકા હોવો જરૃરી છે. આ માટે ગંજાવર મૂડીરોકાણની જરૃર પડે, જે હજુ સુધી મહદ્અંશે યોજનાઓમાં અને કોન્ફરન્સ હૉલમાં જ સમજાય છે, પરંતુ પરિણામો પ્રાપ્ત થયાં નથી. એટલું જ નહીં, આ બજેટની પ્રકૃતિ જોતાં તે પ્રોત્સાહિત થયેલું જણાતું નથી. ગ્રામીણ વિકાસ માટે ૧૪ લાખ કરોડ રૃપિયાના ખર્ચની વાત છે અને અંદાજે ૧૦ કરોડ પરિવારોને રૃ. પાંચ લાખ સુધીના આરોગ્ય માટે વીમાની બાબત પ્રશંસનીય છે, પરંતુ તેને પરિવારની આવકના વિકલ્પમાં ખપાવી શકાય નહીં. એક વાત ચોક્કસ છે કે આ પહેલ ખૂબ સારી છે, કારણ કે સામાન્ય પરિવારોની જે પણ આવક હોય છે તેનો ઘણો મોટો હિસ્સો આરોગ્યની જાળવણી માટે કે દવાઓમાં જતો રહે છે. આના ઉપાય તરીકે કેન્દ્રની આ જાહેરાત ઘણી ઉપયોગી સાબિત થશે એ માનવું રહ્યું.

આપણો કૃષિ વિકાસ દર માંડ ર-૩ ટકા જેવો રહે છે. તેની સામે ગ્રામીણ પ્રદેશમાં કૃષિ આધારિત રોજગારી ઘણી સંતોષજનક છે, પરંતુ દેશમાં જે રીતે બેરોજગારીની સમસ્યા વિકરાળ બની ચૂકી છે તે અત્યંત અફસોસજનક છે. સરકાર જ્યારે વર્ષ ર૦રર સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવાની જાહેરાત કરે છે, ત્યારે શુદ્ધ ગણિતના બદલે વર્ષ ર૦૧૯ના ચૂંટણી ટાણે હિસાબ આપવાની નોબત ન આવે તે વલણ વધુ જણાય છે.

હા, નાણાપ્રધાને તેમના પહેલા બજેટ પ્રવચનમાં કોર્પોરેટ દરોમાં ઘટાડો કરવાનું જે વચન આપેલું તે હવે ૩૦માંથી રપ ટકા કરીને પૂરું કર્યું છે. આ વર્ષે તેમણે રપ૦ કરોડનાં ટર્નઓવર ધરાવતા ઉદ્યોગો માટે કોર્પોરેટ દર રપ ટકા કર્યો છે. જેમાં લગભગ મોટા ભાગના ઉદ્યોગો આવી જાય છે. સરકારની મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા કે સ્ટાર્ટઅપ ઇન્ડિયાનાં અભિયાનોને જોરદાર વેગ મળે એવું કહેવા માટે આ વર્ષના બજેટમાં કશું નથી. એવો મોટા ભાગના નવયુવાનો, ઉદ્યોગકારો અને પ્રોફેશનલ્સનો અભિપ્રાય સાવ વજૂદ વગરનો ન હોઈ શકે એ સ્પષ્ટ વાત છે.

ભારતની આર્થિક સ્થિતિ કે નાણાકીય બજેટના વિશ્લેષણ પર તો તજજ્ઞો અને અર્થશાસ્ત્રીઓ વચ્ચે પણ મત-મતાંતરો હોય છે ત્યારે સામાન્ય માણસને આંકડાઓની માયાજાળ વચ્ચે બજેટ કેટલું સમજાતું હશે એ પણ મોટો સવાલ છે. બજેટને સાચા અર્થમાં સમજવું હોય તો તેના પ્રાપ્ત થયેલાં પરિણામ જાણવા માટે એક વર્ષ સુધી રાહ જોવી પડે, પરંતુ અફસોસજનક એ છે કે આગલા બજેટની ફળશ્રુતિ પર વિગતવાર અભ્યાસના આંકડાઓ લોકજીભે ઓછા ચર્ચાય છે.

એક ખાસ પ્રકારે અને વિશેષ નજરે બજેટને નિહાળવું હોય તો જરા જુદી રીતે સમજવું પડે. આર્થિક ઉન્નતિ એ એક માર્ગ છે, જેમાં એવું વલણ હોય કે સપનાંઓ જુઓ, તમારામાં તાકાત હોય એટલા ઊંચા વિચારો સાથેનાં સપનાંઓ જુઓ, ભવ્ય જાહોજલાલીભર્યા જીવન માટેની સુખ-સુવિધાઓ પ્રાપ્ત કરવા માટે જરૃરી કમાણી કરો. બીજો માર્ગ એ છે કે કમાણી જેટલી થતી હોય તેમાંથી જ ગુજરાન ચલાવો, સંતોષનો ગુણ કેળવો, અપેક્ષાઓ પર લગામ લગાવો અને જરૃરી સુખને જ પ્રાથમિકતા આપો. આ બંને માર્ગ વચ્ચેનો તફાવત એ છે કે પ્રથમ છે એ સમયની સાથે આગળ વધી રહેલા ભૌતિક વિકાસ સાથેનું સમૃદ્ધિભર્યું જીવન અને બીજો માર્ગ અસ્તિત્વ ટકાવવા માટે ભૂતકાળની માફક વીતાવી દેવાનું જીવન. સરકારની ભૂમિકા બંને માર્ગમાં કેટલા પ્રમાણમાં હોવી જરૃરી છે તે સમજાય તેવી બાબત છે. કમાણી માટે તકો પૂરી પાડવાની મુખ્ય જવાબદારી સરકારની છે. મૂળ વિશ્લેષણાત્મક વાત એ કહેવી છે કે એવું લાગે છે કે સરકારે તેની નીતિમાં વળાંક લીધાનું જણાય છે.

આરંભનાં વર્ષોમાં મોદી સરકારે પ્રથમ પ્રકારનો માર્ગ અપનાવેલો, જેમાં કાલ્પનિક વાતો સંકલ્પ સ્વરૃપે રજૂ થતી હતી અને સરકારે પણ નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરી સંકલ્પસિદ્ધિ માટેની કવાયત આદરવા જરૃરી પ્રયાસ કર્યા, પરંતુ ધીમે ધીમે હવે વાસ્તવિકતાની ધરતી પર જે દૃશ્ય નજર સમક્ષ આવતું રહ્યું છે તેની સામે સરકારેે હળવેકથી લોકોને બીજા માર્ગની ‘ઉપયોગિતા’ અને ‘મહત્ત્વ’ વિશે સમજાવવા માંડ્યું છે.

પ્રભુને પ્રાર્થના કરવાની કે એવો દિવસ ન આવે, જેમાં સરકારી સ્તરેથી જ વૈરાગ્યના મહત્ત્વની વાતો થવા લાગે, જેમાં વગર પૈસે પણ ઋષિકાળના ભારતમાં લોકો કેવી રીતે જીવતા હતા તેનું મહિમામંડન હોય….! પ્રભો, સર્વનું કલ્યાણ કરો…!

——————————–.

You might also like