સેન્ટ લોર્ન હોટલ સાથે મુંબઈની કંપની દ્વારા ૪૭.૨૭ લાખની છેતરપિંડી

અમદાવાદ: શહેરના આશ્રમરોડ પર આવેલી જી.એચ.કે. હોસ્પિટાલિટી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના નેજા હેઠળ ચાલતી સેન્ટ લોર્ન હોટલના ડાયરકેટરે મુંબઇની રોયલ ઓર્ચિડ ગ્રૂપ્ર વિરુદ્ધમાં 47.27 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ દાખલ કરાવી છે.

પ્રો કબડ્ડી વર્લ્ડ કપ વખતે સ્પોર્ટસ ચેનલની ટીમની હોટલમાં રહેવા સહિત વ્યવસ્થા ઓર્ચિડ ગ્રૂપ દ્વારા કરવામાં આવી હતી જેનું પેમેન્ટ જી.એચ.કે હોસ્પિટાલિટી દ્વારા વસૂલ કરવાનું હતું. જોકે બોગસ દસ્તાવેજો ઊભા કરીને રોયલ ઓર્ચિડ ગ્રૂપના કર્મચારીઓએ બારોબાર પેમેન્ટ લઇ લીધું હોવાની ફરિયાદ થઇ છે.

થલતેજ વિસ્તારમાં આવેલ વૃદાવન બંગલો વિભાગમાં 2માં રહેતા અને આશ્રમરોડ પર આવેલી સેન્ટ લોર્ન હોટલમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા રાજેશભાઇ ગોપીચંદ કારિયાએ વાડજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ કરી છે. સપ્ટેમ્બર – ઓક્ટોબર 2016ના રોજ શહેરના કાંકરિયા ખાતે પ્રો કબડ્ડી વલ્ડ કપનું આયોજન કરવામાં આવેલ હતું.

તે સમયે સ્ટાર ઇન્ડિયા તેમજ સ્ટાર સ્પોર્ટસની બ્રોડ કાસ્ટિંગ ટીમ તેમજ સપોર્ટિંગ ટીમના લોકો આશ્રમરોડ ખાતે આવેલી સેન્ટ લોર્ન હોટલમાં રોકાયા હતા. જે વ્યવસ્થા રોયલ ઓર્ચિડ ગ્રૂપના આસિ. ડાયરેક્ટર ઓફ સેલ્સના યોગેશ જાદવ તથા સેલ્સ ડિપાર્ટમેન્ટના આસિ. વાઇસ પ્રેસિડન્ટ મોમિતા મુખર્જી દ્વારા કરવામાં આવી હતી.

જે બાબતે તારીખ 3-10-2016ના રોજ રોયલ ઓર્ચિડ ગ્રૂપના યોગશ જાદવ હોટલના (યુએફસી) વિકાસ ખન્ના ડ્રાફ્ટ એગ્રીમેન્ટની સોફ્ટ કોપી ઇ-મેઇલ દ્વારા મોકલી આપેલ હતી. જેમાં ચારથી પાંચ શરત લખવામાં આવી હતી. જે પૈકી એગ્રીમેન્ટ તથા કોન્ટ્રાક્ટ જી.એચ.કે. હોસ્પિટાલિટી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના નામે થવી જોઇએ, તમામ પેમેન્ટ જી.એચ.કે.હોસ્પિટાલિટીના ખાતામાં થવું જોઇએ. તેવી શરતો રાખવામાં આવી હતી તેમ છતાંય યોગેશ જાદવ તથા મોમિતા મુખર્જી તેમજ અન્ય લોકોએ જી.એચ.કે. હોસ્પિટાલિટી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના નામના બદલે રોયલ ઓર્ચિડ હોટલ્સ લિમિટેડના ખોટા દસ્તાવેજો બનાવીને સ્ટાર ઇન્ડિયાની ઓફિસથી 47.27 લાખ રૂપિયા મેળવી લઇને છેતરપિંડી આચરી હતી. વાડજ પોલીસે આ મામલે છેતરપિંડી વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલે જી.એચ.કે.હોસ્પિટાલિટીનો કોન્ટ્રાક્ટ હોવા છતાંય રોયલ ઓર્ચિડ ગ્રૂપે પેમેન્ટ લઇ લેવાનું સામે આવ્યું છે.
http://sambhaavnews.com/

You might also like