ફિલ્મની સેન્સર કોપી હવે સરકારી કચેરીથી સલામત!

થોડા સમય પહેલાં ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ’ના કારણે મોટો વિવાદ થયો હતો. રાજ્ય સરકારના માહિતી ને પ્રસારણ વિભાગને મોકલવામાં આવેલી આ ફિલ્મની સેન્સર કોપી કોઇએ યુટ્યુબ પર અપલોડ કરી દીધી હતી અને મોટો હોબાળો થયો હતો. જોકે હવે આવી ઘટના ન બને તે માટે થઇને માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા ફિલ્મના પ્રોડ્યુસરને સેન્સર અને કરમુક્તિ માટે અલગથી પ્રિવ્યૂ-શોનું આયોજન કરવાનું કહેવામાં આવ્યું છે.

નવી ફિલ્મની મંજૂરી લેવા અને કરમુક્તિ મેળવવા પ્રોડ્યુસરે હવે પહેલાંની માફક ફિલ્મની કોપી વિભાગમાં જમા કરાવવાની રહેશે નહીં. તેના બદલે તેણે અધિકારીઓ માટે એક શોનું આયોજન કરીને ફિલ્મ પ્રદર્શિત કરવાની રહેશે. જોકે આમ કર્યા બાદ પણ સરકારના રૅકૉર્ડ માટે ફિલ્મની એક નકલ વિભાગમાં જમા કરાવવાની રહેશે, પરંતુ તે નકલ સીલબંધ કવરમાં જમા કરાવવાની રહેશે. જેથી છેલ્લો દિવસવાળી ન થાય.

વિભાગના ઇન્ચાર્જ અધિકારી નલિન ઉપાધ્યાય કહે છે, “અમે ફિલ્મ સબમિટ કરવાની બાબતે થોડા ફેરફાર કર્યા છે. હવે પ્રોડ્યુસર ઇચ્છે તો કોઇ થિયેટરમાં કે માહિતી કમિશનરની ઓફિસમાં ફિલ્મનો પ્રિવ્યૂ-શો રાખી શકે છે. ઉપરાંત હવે પ્રોડ્યુસરે સીલબંધ કવરમાં ફિલ્મની નકલ વિભાગમાં સરકારના રૅકૉર્ડ માટે જમા કરાવવાની રહેશે. અમે સંપૂર્ણ પ્રકારની કાળજી રાખીએ છીએ છતાં જો કોઇને શંકા હોય તો તેઓ અલગથી શોનું આયોજન કરી શકે છે.”

You might also like