સેન્સર બોર્ડે અનામત પર બનેલી ગુજરાતી ફિલ્મમાં ૧૦૦ કટ સૂચવ્યા

નવી દિલ્હી: ‘ઊડતા પંજાબ’ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે સેન્સર બોર્ડે એક ગુજરાતી ફિલ્મમાં ૧૦૦ કટ મૂકવા જણાવ્યું છે. આ મામલો ગુજરાતી ફિલ્મ ‘સળગતો સવાલ અનામત’નો છે. આ ફિલ્મમાં અનામતના મુદ્દાને ઉઠાવવામાં આવ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી)એ ગત સપ્તાહે આ ફિલ્મના નિર્માતાને ૧૦૦ કટ મૂકવા અભિપ્રાય આપ્યો હતો. બોર્ડે ફિલ્મ નિર્માતાને ભાવનાત્મક વિષય પસંદ કરવાના ઈરાદા સામે પણ સવાલ ઉઠાવ્યો છે એટલું જ નહીં પટેલ અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલને ફિલ્મમાં હીરોની જેમ ટ્રિટ કરવા સામે વાંધો ઉઠાવ્યો છે.

ગુજરાતી ફિલ્મના સહનિર્માતા જયપ્રતાપસિંહ ચૌહાણના જણાવ્યા અનુસાર તેમણે તુરત જ સેન્સર બોર્ડના આ નિર્ણયની વિરુદ્ધ સેન્સર બોર્ડની િરવ્યૂ કમિટી સમક્ષ અપીલ દાખલ કરી દીધી છે. આ અપીલની મંગળવારે સુનાવણી છે. મામૂલી બજેટમાં બનેલી આ ફિલ્મ ૧૭ જૂને રિલીઝ થનાર હતી. એ જ િદવસે ‘ઊડતા પંજાબ’ ફિલ્મ પણ રિલીઝ થનાર છે. ગુજરાતી ફિલ્મના ડાયરેક્ટર રાજેશ ગોહિલે જણાવ્યું છે કે હવે આ ફિલ્મના રિલીઝમાં વિલંબ થશે.

સેન્સર બોર્ડે ફિલ્મના પ્રત્યેક સીનમાંથી પાટીદાર કે પટેલ શબ્દ હટાવી દેવા જણાવ્યું છે એટલું જ નહીં પટેલ આંદોલનની યાદ અપાવતું કન્ટેન્ટ પણ દૂર કરવા જણાવ્યું છે. બી.આર. આંબેડકરનો રેફરન્સ પણ હટાવી લેવા સેન્સર બોર્ડે જણાવ્યું છે. ફિલ્મના ડાયરેક્ટર રાજેશ ગોહિલે જણાવ્યું છે કે આ અભિવ્યક્તિની સ્વતંત્રતા અને સર્જનાત્મકતા પર પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ છે. અમે સેન્સર બોર્ડને જણાવ્યું હતું કે આ ફિલ્મ સંપૂર્ણપણે હાર્દિક પટેલ પર આધારિત નથી, પરંતુ સેન્સર બોર્ડે એવી દલીલ કરી હતી કે ફિલ્મનો હીરો જેલ જનાર પટેલ લીડર જેવો દેખાય છે.

You might also like