તન્મયને જામીન ન મળવા જોઇએઃ પહલાજ નિહલાની

નવી દિલ્હી: કોમેડિયન તન્મય ભટ્ટ ફરી એક વાર વિવાદના વમળમાં ઘેરાયાે છે. બે મિનિટના સ્નેપચેટ વીડિયોમાં તન્મય ભટ્ટે ક્રિકેટના ભગવાન ગણાતા સચીન તેંડુલકર અને સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકર માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરતાં તન્મય ભટ્ટ પર ચોમેરથી રોષ અને આક્રોશ ભભૂકી ઊઠયો છે. હ્યુમરના નામે આ પ્રકારની ઘૃણાસ્પદ હરકત વિરુદ્ધ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ એફઆઇઆર દાખલ કરાવી છે.

સેન્સર બોર્ડના ચેરમેન પહલાજ નિહલાનીએ આ કેસમાં આ પ્રકારની વારંવાર ભૂલ કરનાર તન્મય ભટ્ટને જામીન ન મળવા જોઇએ એમ જણાવ્યું છે. અનુપમ ખેરે જણાવ્યું છે કે હું નવ વખત બેસ્ટ કોમિક એકટરનો વિનર રહી ચૂકયો છે. મને સેન્સ ઓફ હ્યુમરનો સારો અનુભવ છે, પરંતુ આ કોઇ હ્યુમર નથી. તે અત્યંત ભદ્દી અને અપમાનજનક મજાક છે. જોકે રાઇટર ચેતન ભગતે તેનાથી અલગ મત વ્યકત કરતાં જણાવ્યું કે જોક ખરાબ હોય તો પણ તેને બનાવનારની તમે ધરપકડ કરી શકો નહીં.

ગીતકાર જાવેદ અખ્તરે સ્ટેન્ડ અપ કોમેડિયન અને યુ ટયૂબ કોમેડી ચેનલ એઆઇબીના સભ્ય તન્મય ભટ્ટના વીડિયોને ઘૃણાસ્પદ અને હલકી કક્ષાનો ગણાવ્યો હતો. જાવેદ અખ્તરે એક ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે એઆઇબીનો આ વીડિયો ખૂબજ બેહુદો અને બદતમીઝ છે અને ખેદજનક વાત એ છે કે તેમાં કોઇ હ્યુમર નથી. તેમણે પણ આ વીડિયો જોયો છે. તેમને તેમાં ખૂબ જ ગંદકી દેખાય છે અને ગુસ્સો આવ્યો છે.

સચીન તેંડુલકરના પત્ની અંજલિ તેંડુલકરે ટ્વિટ કરીને આ વીડિયોને મહાન હસ્તીઓનો અનાદર કરતો હોવાનું જણાવીને કહ્યું છે કે તે ફની નથી. તેમણે જણાવ્યું હતું કે કોમેડિયને કોમેડી અને અપમાન વચ્ચેનો ભેદ પારખવો જોઇએ. શિવસેનાના નેતા નીલમ ગોહરેએ જણાવ્યું છે કે આ વીડિયો પાછળ જેમનો પણ હાથ છે તેેઓ માનસિક રીતે દેવાળિયા છે. જદયુના સાંસદ કે.સી. ત્યાગીએ જણાવ્યું છે કે સચીન અને લતાજી ભારતરત્ન છે. આવી કોમેન્ટ અને કોમેડીથી તેમનું અપમાન થયું છે.

બોલિવૂડ અભિનેતા રિતેશ દેશમુખે ટ્વિટ કરીને જણાવ્યું છે કે હું ખરેખર સ્તબ્ધ છું. કોઇની પણ બેઇજ્જતી ન તો કૂલ હોઇ શકે કે ન તો ફની. સેલીના જેટલીએ પણ લખ્યું છે કે મને આ વીડિયો જોઇને આઘાત લાગ્યો છે. તન્મય ભટ્ટે આ બંને મહાન હસ્તીઓની માફી માગવી જોઇએ. ભાજપે આ વીડિયો તાત્કાલિક ઇન્ટરનેટ પરથી હટાવી લેવાની માગણી કરી છે.

You might also like