કબ્રસ્તાનમાં માનવતા દફન!

અમદાવાદ: માણસ જ્યારે જીવતો હોય ત્યારે જાતિ અને ધર્મનો ભેદભાવ રાખવામાં આવે છે, પરંતુ માણસનાં મોત બાદ પણ એ ભેદભાવ દૂર ન થાય તેવી લોકોમાં માનસિકતા છે. તેનો જીવંત દાખલો ઘોડાસરના ૬૦ વર્ષીય ગ્રેસમભાઇ સોલંકીનો છે. હાર્ટએટેકથી મૃત્યુ પામેલા ગ્રેસમભાઇની લાશ દોઢ મહિનાથી કોલ્ડ સ્ટોરેજમાં માત્ર એટલા માટે પડી છે કે વટવાના ખ્રિસ્તી કબ્રસ્તાનમાં દફનાવવાની પરવાનગી કબ્રસ્તાનનાં સંચાલક આપતા નથી. તેનું કારણ માત્ર એટલું જ કે કબ્રસ્તાનનું સંચાલન કેથલિક સંપ્રદાયના લોકોનાં હાથમાં છે જ્યારે ગ્રેસમભાઇ મેથોડિસ્ટ પંથના હતા.

આજના દોડધામભર્યા યુગમાં માનવીએ પોતાની તમામ પ્રકારની સંવેદનાઓ લાગણીઓ ગુમાવી દીધી હોય તેવું જણાઇ રહ્યું છે. ઓડિશાનાં કાલાહાંડી ખાતે અકે પતિએ પોતાની પત્નીની લાશને ખભે ઊંચકી ૧૦ કિ.મી. સુધી ચાલવું પડયું હતું. સરકાર અથવા હોસ્પિટલના તંત્રએ તેને લાશને ગામમાં લઇ જવા શબવાહિની માટે મદદ ન કરી. આ ઘટના બાદ થોડા દિવસ અગાઉ જ રાજકોટ એસટી બસ સ્ટેશન પર એક દંપતી પોતાનાં પુત્રની લાશને ૧૦ કલાક સુધી લઇને બેસી રહ્યું હતું. તમામ મુસાફરો તેઓને જોઇ રહ્યાં હતાં પરંતુ ટિકિટ ભાડાનાં અથવા એમ્બ્યુલન્સનાં પૈસા માટે કોઇ મદદે આવ્યું નહોતું.

આવા માનવતા મરી પરવારી હોય તેવો એક કિસ્સો અમદાવાદમાં પણ બનવા પામ્યો છે. ઘોડાસર મણિનગરમાં રહેતા સામાજિક કાર્યકર મનોજભાઇ મેકવાને જણાવ્યું હતું કે વિસ્તારમાં આવેલા એક મ્યુનિ. ગાર્ડનમાં ગ્રેસમભાઇ સોલંકી (ઉ.વ.આશરે ૬૦ વર્ષ) સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા અને ત્યાં જ એકલવાયું જીવન ગુજારતાં હતા. તેઓના બે ભાઇ અને બહેન સાથે ૩પ વર્ષથી સંબંધ નથી. ગત ૩૦ જુલાઇ ર૦૧૬ના રોજ ર૦૦ નંબરની એએમટીએસ બસમાં ગ્રેસમભાઇ જતા હતા ત્યારે તેઓનું હાર્ટએટકથી મોત નીપજયું હતું.

વેજલપુર પોલીસે અકસ્માત મોત નોંધી પીએમ બાદ તેઓનાં કોઇ વાલી-વારસ ન મળતાં લાશને વી.એસ.ના કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દીધી હતી. પોલીસ તપાસમાં વાલી વારસ ન મળી આવતાં ગ્રેસમભાઇની દફન વિધિ માટે પોલીસ તેઓનો સંપર્ક કર્યો હતો. સામાજિક કાર્યકર હોવાથી પોલીસે મદદ માગતા ખિસ્તી ધર્મનાં મૃત્યુ પામેલા લોકોની દફન વિધિ માટે સરકાર દ્વારા જે કબ્રસ્તાન વટવા વિસ્તારમાં ફાળવ્યું છે ત્યાં દફનવિધિ કરવા અંગે જણાવ્યું હતું.

દફન વિધિ માટે જ્યારે તેઓ કબ્રસ્તાન ગયા ત્યારે ત્યાં હાજર ફાધર ચાર્લ્સે મૃતક ગ્રેસમભાઇ તેઓના પંથનાં નથી તેમ કહી દફન વિધિ માટે ના પાડી દીધી હતી. અમદાવાદ કલેકટર દ્વારા ખ્રિસ્તી ધર્મના તમામ પંથના મૃતકોનાં દફન વિધિનાં કબ્રસ્તાન અંગેનું જાહેરનામું હોવા છતાં ફાધરે ના પાડતાં પોલીસ અને તેઓ મૂઝવણમાં મુકાઇ ગયા છે. પોલીસ દ્વારા પણ વારંવાર રજૂઆત અને જાહેરનામું હોવા છતાં ફાધરની મન માનીને કારણે આજે એક વ્યક્તિની લાશ કોલ્ડ સ્ટોરેજમાં પડી રહી છે. ફાધર દ્વારા દફન વિધિ માટે રૂ.૧૦,૦૦૦ની પણ માગ કરાઇ હોવાનું મનોજભાઇએ જણાવ્યું હતું.

વટવાના કબ્રસ્તાનમાં ખ્રિસ્તી ધર્મના તમામ પંથના મૃતકોને દફનાવવા માટેની પરવાનગી હોવા છતાં કેથલિક પંથના કેટલાક લોકો દ્વારા ગ્રેસમ ભાઇની દફન વિધિ માટે ના પાડવામાં આવતાં હાલમાં તેઓની લાશ કોલ્ડ સ્ટોરેજમાં પડી રહી છે.

વેજલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ વિક્રમ દેસાઇ સાથે વાતચીત કરતાં તેઓએ જણાવ્યું હતું કે આ બાબતે અત્યારે અમે કાર્યવાહી કરી રહ્યા છે જોકે આજે લખાય છે ત્યાં સુધી પીએસઆઇ વિક્રમ દેસાઇ અને પીઆઇ એ.વી. પટેલનો સંપર્ક કરતાં તેઓનો સંપર્ક થઇ શકયો ન હતો.

મારે કોઇ વાત નથી કરવી, ફોન મૂકી દો
આ બાબતે જ્યારે સમભાવ મેટ્રોનાં પ્રતિનિધિએ ફાધર ચાર્લ્સનો પ્રતિભાવ જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેઓ મારે ફોન પર કોઇવાત નથી કરવી તમે ફોન મૂકી દો. હાલ હું મિટિંગમાં છું, મેં બધું પોલીસને જણાવી દીધું છે. કહી અને ફોન કાપી નાખ્યો હતો.

You might also like