બોપલનું સ્મશાન સત્તાધીશોની ઉપેક્ષાથી મરણ પથારી પર!

અમદાવાદ: શહેરનાં કેટલાંક સ્મશાનની હાલત ઘણી દયનીય છે. અમદાવાદના બોપલમાં આવેલ મુક્તિધામ (સ્મશાનગૃહ) યોગ્ય જાળવણી અને સંચાલનના અભાવે બિસ્માર બની ગયું છે. સ્મશાનમાં ઝાડી-ઝાંખરાં, તૂટેલાં બાંકડા, લાઈટ નથી તેમજ પાણી અને સ્વચ્છતાના અભાવે મુક્તિધામ મરણ પથારીએ હોય તેવું લાગી રહ્યું છે. નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની સાફસફાઈ નથી કરાતી તેના કારણે ઝાડી-ઝાંખરાં અને કચરાના ઢગ જોવા મળે છે તેમજ સ્મશાનગૃહ ફરતે કોઈ પણ જગ્યાએ સ્ટ્રીટ લાઈટ કે પાણીની વ્યવસ્થા જ નથી. સ્થાનિકોની માગણી છે કે નગરપાલિકા અહીંયાં સ્મશાનગૃહની યોગ્ય જાણવણી કરે તેવી માગ છે.

બોપલ ગામમાં આવેલ મુક્તિધામ (સ્મશાનગૃહ) આવેલું છે અને રાતના સમયે કોઈ અંતિમસંસ્કાર માટે આવે તો સ્મશાનમાં લાઈટ જ નથી. સ્મશાનગૃહમાં મૃતદેહની અંતિમ સંસ્કારવિધિ કરવા માટે આવે તે જગ્યાએ ગંદકી જોવા મળે છે. નગરપાલિકાએ સ્મશાનગૃહમાં સાફસફાઈ માટે કોઈ ધ્યાન આપ્યું નથી. સ્મશાનગૃહમાં કોઈ જગ્યાએ સ્ટ્રીટલાઇટની પણ સુવિધા નથી. પીવાના પાણીની ટાંકી પણ નથી. સ્મશાનગૃહમાં લાઈટના અભાવે રાતના અંધારામાં લોકો અંતિમ સંસ્કાર કરે છે. સ્મશાનગૃહના બગીચામાં જંગલી ઘાસ ઊગી નીકળ્યું છે.

સ્મશાનગૃહમાં બેસવા માટે કોઈ જગ્યા નથી. બાંકડા બધા તૂટેલી હાલતમાં છે. પાણી ક્યારેક આવે તો ક્યારેક ના આવે અને નગરપાલિકાને ઘણી વાર રજૂઆત કરવામાં આવે, પણ કોઈ જોવા પણ નથી આવતું તેમજ સ્મશાનગૃહની યોગ્ય જાળવણી કરવામાં આવે તેવી નગરજનોમાં માગણી ઊઠી છે.

આ અંગે નગરપાલિકાના પ્રમુખ બિપિન શેલારે જણાવ્યું કે બોપલમાં સ્મશાનગૃહ તે 700 વર્ષ જૂનું છે અને તે પટેલ તથા ઠાકોર સમાજનું છે, સ્મશાનગૃહની હાલત સારી નથી, પરંતુ અમે થોડા દિવસમાં વ્યવસ્થા કરી દઈશું.

બોપલ મુક્તિધામમાં પ્રવેશતાં ગંદકી જોવા મળશે. તંત્ર દ્વારા યોગ્ય જાળવણીના અભાવે ઝાડી-ઝાંખરાં ઊગી નીકળ્યાં છે અને કચરાના ઢગ ખડકાયેલા છે. સ્મશાનગૃહની બાજુમાં મંદિર છે. અમે અહીંયાં મંદિરમાં બેસીએ છીએ તે બધા લોકો ભેગા થઈને સ્મશાનમાં ગૃહમાં લાઈટ નખાવી છે પણ નગરપાલિકા સ્મશાનગૃહ માટે કોઈ સુવિધા કરતી નથી.
બીજલ ઠાકોર, બોપલ

ગયા વર્ષે ઇલેક્શન વખત નકશો લઈને આવ્યા હતા કે અહીંયાં સરસ સ્મશાનગૃહ બનવી દઇશું અને બધાંને સારી સુવિધા મળશે તેવા વાયદા કર્યા હતા. અહીં રાતે અંધારામાં અંતિમ સંસ્કારવિધિ માટે લોકોને ઘણી મુશ્કેલી પડે છે. તંત્રને જે સુવિધા આપવી જોઈએ તે આપી શકતા નથી.
શરેજી બારૈયા, બોપલ

http://sambhaavnews.com/

You might also like