સંજય દત્ત જેલમાંથી રૂ. ૪૪૦ લઈ ગુરુવારે બહાર આવશે

મુંબઈ: ફિલ્મ અભિનેતા સંજય દત્ત ગુરુવારે જ્યારે પુણેની યરવડા જેલમાંથી બહાર આવશે ત્યારે તેના ખિસ્સામાં પગારના ૪૪૦ રૂપિયા પણ હશે. અેક વરિષ્ઠ અધિકારીઅે જણાવ્યું કે જેલની સજા દરમિયાન સંજય દત્તે મહેનતાણા તરીકે જે કમાણી કરી છે, તેમાંથી તે માત્ર ૪૪૦ રૂપિયા જ બચાવી શક્યો છે. તે જ્યારે ગુરુવારે જેલમાંથી બહાર આવશે ત્યારે આ રકમ તેને સોંપી દેવામાં આવશે.

સંજય દત્તને જેલમાં કાગળની કેરીબેગ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું, જેના તેને રોજના ૫૦ રૂપિયા મળતા હતા. કેરીબેગ બનાવવા ઉપરાંત તેને રેડિયો જોકીનું કામ સોંપવામાં આવ્યું હતું. સંજય દત્ત જેલમાં દરરોજ સવારે સાડા પાંચ વાગ્યે ઊઠી જાય છે. ત્યારબાદ તે અન્ય કેદીઓ સાથે વ્યાયામ કરે છે અને બાદમાં તે રેડિયો જોકીનો રોલ કરે છે. યરવડા જેલમાં તેનો આંત‌િરક રેડિયો પણ છે. સંજય બોલિવૂડનો અભિનેતા હોવાથી તેની બોલવાની અલગ સ્ટાઈલ છે. તેથી તેને રેડિયો જોકી બનાવવામાં આવ્યો છે.

આ રોલમાં મસ્તીભર્યા સંવાદ બાદ તે કેદીઓને કઈ ફિલ્મનું ગીત સંભ‍ળાવવામાં આવશે તે અંગે જણાવે છે અને બાદમાં વિવિધ ફિલ્મોના ગીતની સીડી ચાલુ કરી દેવામાં આવે છે. આ ગીતની ધૂન વચ્ચે તમામ કેદીઓ નાચવા લાગે છે. આ ક્રમ ૨૫ ફ્રેબ્રુઆરી સુધી તેના છુટકારા સુધી ચાલશે. અત્રે ઉલ્લેખનીય છે કે ‌િફલ્મ લગે રહો મુન્નાભાઈમાં સંજય દત્તે રેડિયો જોકી વિદ્યા બાલન સાથે મળીને લોકોની પરેશાનીઓને દૂર કરી હતી. આ ફિલ્મમાં વિદ્યા બાલને રેડિયો જોકીનો રોલ નિભાવ્યો હતો, જેની લાંબી ટોનમાં ગુડ મોર્નિંગ મુંબઈ કહેવાના અંદાજથી પ્રભાવિત થઈ મુન્ના વિદ્યાને દિલ આપી બેઠો હતો.

મુંબઈમાં ૧૨ માર્ચ, ૧૯૯૩ના રોજ થયેલા સિ‌િરયલ બ્લાસ્ટ કેસમાં ગેરકાયદે હથિયાર રાખવાના આરોપસર પાંચ વર્ષની સજા કાપ્યા બાદ સંજય દત્ત ગુરુવારે જેલમાંથી મુકત થશે ત્યારે સવારે નવ કલાકે તે જ્યારે જેલમાંથી બહાર આવશે ત્યારે જેલ બહાર તેની પત્ની માન્યતા, બાળકો અને પરિવારના અન્ય સભ્યો તેને લેવા આવશે. અેક અધિકારીઅે નામ જાહેર નહિ કરવાની શરતે જણાવ્યું કે જેલ તંત્રઅે સુરક્ષાના કારણસર સંજય દત્તના પરિવાર તરફથી સ્વાગત સમારોહ યોજવાના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. કારણ જો આ પ્રકારે સમારોહ યોજવામાં આવે તો સંજય દત્તના ચાહકો અને મીડિયાકર્મીઓ પણ જેલમાં પહોંચી જવાની સંભાવના છે.

You might also like