પાક દળોએ ફરી યુદ્ધવિરામનો ભંગ કર્યોઃ LOC પર મોર્ટાર ઝીંક્યા

શ્રીનગર: પાકિસ્તાને ફરી એક વાર વાસ્તવિક અંકુશરેખા પર (એલઓસી) ગોળીબાર અને મોર્ટારમારો ચલાવીને યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. ઉત્તર કાશ્મીરના ઉરી સેક્ટર (બારામુલ્લા)માં પાકિસ્તાની દળોએ અંકુશરેખા પરના વિસ્તારોમાં યુદ્ધવિરામનો ભંગ કરીને મોર્ટારમારો અને ગોળીબાર કર્યા હતા. છેલ્લા એક અઠવાડિયામાં ઉરી સેક્ટરમાં પાક. દળોના ગોળીબારની આ બીજી ઘટના છે.

પાકિસ્તાની દળોએ કરેલા ગોળીબાર અને માર્ટારમારાનો જવાબ આપતાં ભારતીય દળોએ પણ પાકિસ્તાની લશ્કરની ચોકીઓ અને બંકરોને નિશાન બનાવ્યાં હતાં. સંબંધિત અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉરી સેક્ટરમાં પાકિસ્તાનના ગોળીબારને ઘૂસણખોરોને સુરક્ષાકવચ આપવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે. ઘૂસણખોર આતંકીઓને ભારતીય સરહદમાં ઘુસાડવા માટે તેમને કવચ આપવા પાકિસ્તાની દળો ગોળીબાર કરી રહ્યાં છે.

પાકિસ્તાનના આ ઈરાદાને ધ્યાનમાં રાખીને ઉરી સેક્ટરના તમામ અગ્રહરોળના સરહદી વિસ્તારોમાં તકેદારીનાં પગલાંરૂપે પેટ્રોલિંગ સઘન બનાવીને તમામ અગ્રહરોળની લશ્કરી ચોકીઓને એલર્ટ કરવામાં આવી છે. તમામ ફિલ્ડ કમાન્ડરોને ઘૂસણખોરોને દેખો ત્યાં ઠારના આદેશ આપવામાં આવ્યા છે. ઉરી સેક્ટરથી મળેલી માહિતી અનુસાર પાકિસ્તાની દળોએ સાંજે ૪.૩૦ વાગ્યાની આસપાસ ભારતના સરહદી ગામ લચ્છીપુરાને નિશાન બનાવ્યું હતું.

પાકિસ્તાની સૈનિકોએ ભારતીય ચોકીઓ અને બંકરો પર મોર્ટારના ગોળા ઝીંકીને ગ્રામજનો પર ફાયરિંગ કર્યું હતું.
પાકિસ્તાની દળોના ગોળીબારના કારણે સ્થાનિક લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. શરૂઆતમાં ભારતીય જવાનોએ સંયમ જાળવ્યો હતો, પરંતુ ગોળીબારની તીવ્રતા વધતાં ભારતીય દળોએ પણ વળતો ગોળીબાર કરીને પાકિસ્તાની સ્થળોને નિશાન બનાવ્યાં હતાં. લગભગ એક કલાક સુધી બંને દેશો વચ્ચે ભીષણ ગોળીબાર ચાલુ રહ્યો હતો. ત્યાર બાદ પાકિસ્તાની બંદૂકો શાંત થઈ જતાં ભારતીય જવાનોએ વળતો જવાબ આપવાનું બંધ કરી દીધું હતું.

You might also like