બાપુનગરમાં લુખ્ખાં તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયાે

અમદાવાદ, બુધવાર
શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનાખોરીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે આ વાતની ખાતરી પુરાવતો એક વીડિયો વાઇરલ થયો છે. બાપુનગર વિસ્તારમાં આવેલ હરદાસનગરમાં સામાન્ય બાબતે લુખ્ખાં તત્ત્વોએ ધોળા દિવસે જાહેરમાં છરીઓ બતાવીને લોકોની દુકાનો બંધ કરાવતાં રીતસરનો આતંક મચાવ્યો હતો.

આ ઘટનાને ત્રણ દિવસ થઇ ગયા તેમ છતાંય પોલીસ હજુ સુધી તમામ આરોપીઓને પકડી શકી નથી. લુખ્ખાં તત્ત્વોએ મચાવેલા આતંકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

બાપુનગર વિસ્તારમાં આવેલ હરદાસનગરમાં રહેતી ગૌરીબહેન ઉર્ફે ડોલી દશરથભાઇ ઠાકોરે બાપુનગર પોલીસ સ્ટેશનમાં કેટલાક લોકો વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે તારીખ ૧૮ ફેબ્રુઆરીના રોજ ગૌરીબહેન પકોડીની લારી પાસે ઊભાં હતાં તે સમયે બાઇક પર ચાર યુવકો બૂમો પાડતા પાડતા આવ્યા હતા. હરદાસનગરની ચાલીના લુખ્ખાઓ ક્યાં છે…અને સંજય ઉર્ફે જોલો ક્યાં છે તેમ કહીને યુવકોએ બીભસ્ત ગાળો બોલવાની શરૂ કરી હતી અને હાથમાં છરી લઇને લોકોની દુકાનો બંધ કરાવી હતી.

દરમિયાનમાં ગૌરીબહેન અને પકોડીની લારી ધરાવતા યુવકને પણ ગાળો બોલીને જતા રહ્યા હતા. યુવકોએ બે છરી કાઢીને રીતસરનો આંતક મચાવીને લોકોની દુકાનો ટપોટપ બંધ કરાવી દીધી હતી. આ મામલે ગૌરીબહેને બાપુનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો. યુવકોએ મચાવેલા આતંક સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયાે હતાે.

પોલીસ સીસીટીવી ફૂટેજ કબજે કરીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનાને ત્રણ દિવસ થઇ ગયા તેમ છતાંય હજુ સુધી આરોપીઓ પકડાયા નથી ત્યારે યુવકોએ મચાવેલા આતંકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

You might also like