સીસીઆઈ બજારમાં સ્થાપિત ટેલીકોમ કંપનીઓની અયોગ્ય કામગીરીની તપાસ કરશે

નવી દિલ્હીઃ 11 મે (પીટીઆઈ) કોમ્પિટિશન કમિશને નવી ટેલીકોમ કંપની રિલાયન્સ જિઓનાં પ્રવેશને અટકાવવાનાં પ્રયાસોનાં આરોપ બદલ મોટી ટેલીકોમ કંપનીઓ સામે વિસ્તૃત તપાસનો આદેશ આપ્યો છે. ભારતી એરટેલ,વોડાફોન, આઇડિયા સેલ્યુશન અને ટેલીકોમ ઉદ્યોગ સંસ્થા સીઓએઆઈ (સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા) સામે ફરિયાદ દાખલ થયા પછી નિયમનકારે આ નિર્ણય લીધો છે. નિયમનકારે વર્ષોથી કાર્યરત ટેલીકોમ કંપનીઓ સામે અનુચિત વ્યાવસાયિક કામગીરીનાં આરોપોની તપાસ કરવાનો નિર્ણય લીધો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, નિયમનકાર સીઓએઆઈની સંપૂર્ણ વર્તણૂંકની ચકાસણી પણ કરશે, ખાસ કરીને તેનાં ત્રણ મુખ્ય સભ્યો સામે સ્પર્ધાવિરોધી કામગીરી કરવાનાં આરોપોની.

ડિરેક્ટર જનરલ (ડીજી) દ્વારા રિલાયન્સ જિઓનાં પ્રવેશને નિયંત્રિત કરવાનાં પ્રયાસોનાં આરોપોની ચકાસણી પર કેન્દ્રિત છે તેવું અધિકારીએ ઉમેર્યું હતું. ડીજી કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (સીસીઆઈ)ની તપાસ શાખા છે. નિયમનકારને જે કેસોમાં સ્પર્ધાત્મક નિયમોનાં ઉલ્લંઘનનાં પ્રથમદર્શી પુરાવા જણાય તેને વિસ્તૃત તપાસ માટે ડીજીને સુપરત કરવામાં આવે છે. સીસીઆઈનાં તપાસનાં આદેશ પર એરટેલનાં પ્રવક્તાએ કહ્યું હતું કે, “અમને હજુ સુધી આ પ્રકારની કોઈ જાણકારી મળી નથી એટલે ટિપ્પણી ન કરી શકી. અમે સ્પષ્ટ જણાવી દીધું છે કે અમે રેકોર્ડ ટાઇમમાં રિલાયન્સ જિઓને મોટી સંખ્યામાં પીઓઆઇ (પોઇન્ટ ઓફ ઇન્ટરકનેક્શન્સ) આપ્યા છે.” આ અંગે વોડાફોન, આઇડિયા સેલ્યુલર અને રિલાયન્સ જિઓને મોકલેલા ઇ-મેલ પર સ્પષ્ટ જવાબ મળ્યો નહોતો.

સીઓએઆઈનાં ડિરેક્ટર જનરલ રંજન મેથ્યૂઝે કહ્યું હતું કે, “ઓર્ડર પ્રકાશિત થયો ન હોવાથી અમે જોયો નથી છતાં અમે આ પ્રકારનાં સમાચારથી નિરાશ થયા છીએ. અમારું માનવું છે કે સીઓએઆઈ અને તેનાં સભ્યો આ બાબતમાં સંપૂર્ણ સાથસહકાર આપીશું અને છેવટે સત્ય બહાર આવશે.” ગયા વર્ષે અબજોપતિ મુકેશ અંબાણીનાં સાહસ રિલાયન્સ જિઓએ ભારતીય ટેલીકોમ બજારમાં સપૂર્ણપણે નવી ઓફર રજૂ કરીને ખળભળાટ મચાવી દીધો હતો અને ત્યારથી દાયકાઓથી ભારતીય બજારમાં દબદબો ધરાવતી ટેલીકોમ કંપનીઓ સાથે તેનો સંઘર્ષ ચાલી રહ્યો છે. ભારતીય ટેલીકોમ બજાર 1.2 અબજ સબસ્ક્રાઇબર્સ સાથે દુનિયાનું બીજું સૌથી મોટું બજાર છે.

રિલાયન્સ જિઓએ આ કંપનીઓ પર પર્યાપ્ત નેટવર્ક કનેક્ટિવિટી ન પ્રદાન કરવાનો આરોપ મૂક્યો છે, જેનાં પગલે તેનાં નેટવર્ક પર કોલ ફેઇલ્યર્સ થાય છે. જોકે વોડાફોન, એરટેલ જેવી કંપનીઓએ દાવો કર્યો છે કે, જિઓએ તેનાં મોબાઇલ નેટવર્ક પર ફ્રી ટ્રાફિકની “સુનામી” લાવી દીધી છે. બંને પક્ષો વચ્ચે ફ્રી વોઇસ અને ડેટા ઓફર અને કસ્ટમાઇઝ રિટેન્શન પ્લાન જેવા અન્ય મુદ્દાઓને લઈને પણ સંઘર્ષ ચાલી રહ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, નિયમનકારનું તારણ છે કે બજારમાં દબદબો ધરાવતી ટેલીકોમ કંપનીઓએ રિલાયન્સ જિઓને ઇન્ટરકનેક્શન પોઇન્ટ આપવાનો ઇનકાર કરવા સીઓએઆઈનાં પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હતો. સીઓએઆઈની ભૂમિકા સ્પર્ધાવિરોધી સમજૂતીઓ સાથે સંબંધિત સ્પર્ધા કાયદાની જોગવાઈ 3નાં સંદર્ભમાં ચકાસવી પડશે. ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ જિઓએ ગયા વર્ષે સીઓએઆઈ તેમજ ભારતી એરટેલ, વોડાફોન અને આઇડિયા સેલ્યુલર સામે બિન-સ્પર્ધાત્મક કામગીરી કરવાની બે ફરિયાદ કરી હતી. આ ફરિયાદો પર હજુ નિર્ણય લેવાયો નથી.

http://sambhaavnews.com/

You might also like