CBSE શાળાઓમાં હવે માત્ર NCERTનાં જ પુસ્તકો ચાલશે

નવી દિલ્હી: શૈક્ષણિક સત્ર ૨૦૧૭-૧૮થી સીબીએસઈની તમામ સ્કૂલોમાં એનસીઈઆરટીનાં જ પાઠ્યપુસ્તકો અભ્યાસક્રમમાં ચલાવવાં પડશે તેવો નિર્ણય કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકરના વડપણ હેઠળની એક સમીક્ષા બેઠકમાં લેવામાં આવ્યો હતો.

સરકારના આ નિર્ણયથી લાખો વાલીઓને રાહત મળશે, કારણ કે સીબીએસઈની સ્કૂલો તેમને ખાનગી પ્રકાશકોનાં પુસ્તકો ખરીદવા માટે ફરજ પાડતી હોય છે. ખાનગી પ્રકાશકોનાં પુસ્તકોના ભાવ એનસીઈઆરટીની તુલનાએ ૩૦૦થી ૬૦૦ ગણા વધુ હોય છે.

એચઆરડી મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે એનસીઈઆરટી પર્યાપ્ત સંખ્યામાં માર્ચના અંત સુધીમાં દેશભરમાં પુસ્તકો ઉપલબ્ધ કરાવવાની સૂચના આપવામાં આવી છે કે જેથી શૈક્ષણિક સત્ર ૨૦૧૭-૧૮ માટે એપ્રિલ સુધીની સમયમર્યાદા સમાપ્ત થઈ શકે. તમામ સીબીએસઈ સ્કૂલોએ ૨૨ ફેબ્રુઆરી, ૨૦૧૭ સુધીમાં સીબીએસઈની વેબસાઈટ પર ડિમાન્ડ ઓનલાઈન રજૂ કરવી પડશે.

એચઆરડી મંત્રાલયે આ નિર્ણય શાળાઓ અને વાલીઓની ફરિયાદ પર કર્યો છે. તેમની ફરિયાદ હતી કે એનસીઈઆરટીનાં પુસ્તકો સમયસર ઉપલબ્ધ થતાં નથી અને એક વાલીએ એવી પણ ફરિયાદ કરી હતી કે સીબીએસઈની શાળાઓ ખાનગી પ્રકાશકોનાં મોંઘા પુસ્તકો વેચી રહી છે.

CBSEની શાળાઓમાં વર્ગને અનુરૂપ દફતરનું વજન નિર્ધારિત
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન (સીબીએસઇ)ની શાળાઓમાં વિદ્યાર્થીઓને હવે વજનદાર દફતરથી ટૂંક સમયમાં છુટકારો મળી શકે છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય આ માટે નવા માપદંડ તૈયાર કરી રહ્યું છે. નવા નિયમો અનુસાર દફતરનું વજન લઘુતમ રાખવાનો પ્રયાસ કરવામાં આવશે, એવી જાહેરાત માનવ સંસાધન‌ વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકરે આજે અત્રે એક કાર્યક્રમ દરમિયાન કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે બાળકોના દફતરનો બોજ વધી રહ્યો છે અને હું તેને હવે ઘટાડવા જઇ રહ્યો છું. વજનદાર દફતર લઇ જવું જરૂરી નથી. સરકાર સીબીએસઇ સ્કૂલો માટે એક માપદંડ તૈયાર કરી રહી છે કે જેથી બાળકોને દરરોજ તમામ પુસ્તકો અને નોટબુકસને લઇ જવી ન પડે.

હવે મંત્રાલય એવા પ્રયાસો કરી રહ્યું છે કે દફતરના વજનની એક મર્યાદા નક્કી કરવામાં આવે. સેન્ટ્રલ સ્કૂલોમાં દફતર માટે વજન નિર્ધારિત છે અને મહદંશે તેનો અમલ પણ કરવામાં આવી રહ્યો છે. આ માટે નિર્ધારિત માપદંડ અનુસાર ધો.ર સુુધી બે કિલો, ધો.૪ સુધી ત્રણ કિલો, ધો.૭ સુધી ચાર કિલો અને તેનાથી ઉપરના ધોરણો માટે છ કિલો વજન નિર્ધારિત છે. આ ફોર્મ્યુલામાં થોડા ઘણા સુધારા સાથે હવે દફતરનું વજન નિર્ધારિત કરતી ફોર્મ્યુલાનો અમલ તમામ સીબીએસઇ સ્કૂલો માટે ફરજિયાત કરવામાં આવશે.

પ્રોજેકટ વર્ક સ્કૂલમાં જ કરવું પડશે
જાવડેકરે એવું પણ જણાવ્યું હતું કે બાળકોને સ્કૂલ દ્વારા આપવામાં આવતા પ્રોજેકટ વર્કના નિયમોમાં પણ ફેરફાર કરવામા આવી રહ્યો છે. સામાન્ય રીતે ઘરમાં માતા-પિતા કે વડીલો બાળકોના પ્રોજેકટ કાર્ય કરતા હોય છે. હવે વાસ્તવમાં પ્રોજેકટ કાર્ય સ્કૂલમાં જ કરાવવામાં આવશે.

http://sambhaavnews.com/

You might also like