નીરવ મોદીના જામીન રોકવા CBI, EDની ટીમ લંડન જવા માટે રવાના

(એજન્સી) નવી દિલ્હી: ભારત સરકારે હવે ભાગેડુ હીરાના વેપારી અને પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીને ભારત લાવવા માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. નીરવ મોદીના જામીન રોકવા માટે એન્ફોર્સમેન્ટ ‌િડરેક્ટોરેટ (ઈડી) અને સીબીઆઇની ટીમ લંડન જવા રવાના થઇ ગઇ છે. લંડનની વેસ્ટમિસ્ટર કોર્ટમાં ૨૯ માર્ચે નીરવ મોદીની જામીનઅરજી પર સુનાવણી થનાર છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર નીરવ મોદીના જામીન રોકવા માટે સીબીઆઇ અને ઇડીની ટીમ શક્ય તમામ પ્રયાસ કરશે અને જરૂરી દસ્તાવેજો કોર્ટમાં રજૂ કરશે. સૂત્રોએ એવું પણ જણાવ્યું છે કે સીબીઆઇ અને ઇડીની ટીમો ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (સીપીએસ)ને આ મામલે મદદ કરશે. ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસને નીરવ મોદી વિરુદ્ધ કેટલાક મહત્ત્વના દસ્તાવેજ સોંપવામાં આવશે, જેનાથી ભારતના તેના પ્રત્યર્પણની પ્રક્રિયા આગળ વધશે. આ કેસમાં ભારતે અગાઉ પણ નીરવ મોદી વિરુદ્ધ જારી ઇડી અને સીબીઆઇની ચાર્જશીટ સુપરત કરી છે. આ દસ્તાવેજોમાં ભારતમાં નીરવ મોદી વિરુદ્ધ જારી કરાયેલા બિનજામીનપાત્ર વોરંટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે સીપીએસની મદદ માટે ભારતના જોઇન્ટ ડાયરેક્ટર કક્ષાના અધિકારીઓને મોકલવામાં આવ્યા છે. સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે આપણી પાસે નીરવ મોદીના જામીન રોકવા માટે મજબૂત પુરાવા અને દલીલો છે. નીરવ મોદીનો પાસપોર્ટ પણ આપણે પહેલાંથી જ રદ કરી નાખ્યો છે. તેમ છતાં તેણે કેટલાય દેશોનો પ્રવાસ કર્યો હતો. રેડ કોર્નર નોટિસ જારી કર્યા બાદ પણ નીરવ મોદી બ્રિટનનાં કેટલાંય શહેરોમાં ફરતો રહ્યો હતો. આ સંજોગોમાં જો તેને જામીન મળશે તો તે ભાગી જવાની તમામ કોશિશ કરશે. અમે આ જ આધારે નીરવ મોદીના જામીનનો વિરોધ કરીશું.

ભાગેડુ આર્થિક અપરાધી નીરવ મોદીને દેશમાં પરત લાવવા માટે ભારતીય એજન્સીઓ અને સરકાર એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ૧૯ માર્ચના રોજ નીરવ મોદીની જ્યારથી ધરપકડ થઇ છે ત્યારથી ભારત તેના પ્રત્યર્પણ માટે કોશિશ કરી રહ્યું છે. તેણે જામીન માટે અપીલ કરી હતી, પરંતુ લંડનની કોર્ટે તેની જામીનઅરજી ફગાવી દઇને તેની કસ્ટડી ૨૯ માર્ચ સુધી વધારી દીધી હતી.

અધિકારીઓએ સીપીએસને એવી પણ માહિતી આપી છે કે કોર્ટમાં ભારતે એવી અપીલ કરી છે કે નીરવ મોદીને ભાગેડુ અપરાધી જાહેર કરવામાં આવે. નીરવ મોદીએ પંજાબ નેશનલ બેન્કમાં રૂ. ૧૩ હજાર કરોડ કરતાં વધુ રકમનું કૌભાંડ આચર્યું છે. આ કૌભાંડમાં મેહુલ ચોક્સી સહિત અન્ય કેટલાય લોકો સામેલ છે.

You might also like