હરિયાણાના પૂર્વ CM હૂડાના નિવાસ સહિત ૨૦ સ્થળોએ CBIના દરોડા

ચંડીગઢ: સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ હરિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રસિંહ હૂડાના નિવાસસ્થાન સહિત ૨૦ જેટલાં સ્થળોએ આજે સવારે દરોડા પાડ્યા હતા. આ દરોડાની કાર્યવાહી માનેસર પ્લોટ ફાળવણી કેસમાં હાથ ધરવામાં આવી હતી.

સીબીઆઈએ હૂડાના રોહતક, દિલ્હી, માનેશ્વર, ચંડીગઢ સહિતનાં સ્થળોએ દરોડા પાડ્યા હતા. સીબીઆઈએ ગુરુગ્રામ, પંચકુલામાં પણ આવેલા હૂડાના સ્થળો પર દરોડાના કાર્યવાહી હાથ ધરી હતી. આમ, હવે માનેસર જમીન ફાળવણી કેસમાં ભૂપેન્દ્રસિંહ હૂડાની મુશ્કેલીઓ વધી ગઈ છે.

હૂડાના રોહતક સ્થિત નિવાસસ્થાન પર સીબીઆઈના દરોડામાં ડઝનથી વધુ અધિકારીઓ જોડાયા હતા. કેટલાંય સ્થળોએ સીબીઆઈએ એકસાથે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. આજે સવારે જ્યારે હૂડાના રોહતક સ્થિત નિવાસસ્થાન પર દરોડા પાડવામાં આવ્યા ત્યારે તેઓ પોતાના નિવાસસ્થાને હાજર હતા કે કેમ તે અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. આ ઉપરાંત દરોડાની કાર્યવાહીમાં હૂડાના નિવાસસ્થાન સહિત અન્ય સ્થળોએ દરોડા દરમિયાન કોઈ વાંધાજનક દસ્તાવેજો કે સામગ્રી મળી આવી હોવાના હજુ અહેવાલો પ્રાપ્ત થયા નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે ઔદ્યોગિક પ્લોટ ફાળવણીના મામલામાં હરિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન હૂડાના નિવાસસ્થાન અને તેમની સાથે નિકટતા ધરાવતા લોકોનાં સ્થળો પર દરોડાની કાર્યવાહી હાલ જારી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ૨૦ સ્થળોએ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. સપ્ટેમ્બર-૨૦૧૫માં સીબીઆઈએ હૂડા વિરુદ્ધ માનેસર પ્લાન્ટ માટે જમીનની ફાળવણીમાં કરવામાં આવેલા ગોટાળા અને ગેરીરીતિઓમાં કેસ દાખલ કર્યો હતો.

You might also like