સીબીઆઈના દરોડા પર કેજરીવાલના અને આપનાં પેટમાં તેલ કેમ રેડાયું?

રાજેન્દ્રકુમાર દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના મુખ્ય સચિવ છે અને તેમનું કાર્યાલય પણ મુખ્યપ્રધાનના કાર્યાલયમાં જ આવેલું છે. આ સંજોગોમાં જ્યારે સીબીઆઇને રાજેન્દ્રકુમાર સાથે સંબંધિત દસ્તાવેજોની તપાસ અને જપતી કરવાની હતી ત્યારે તેમની પાસે એ સિવાય કોઇ વિકલ્પ જ નહોતો કે તેમને મુખ્યપ્રધાનના કાર્યાલયમાં જવું પડયું અને ત્યાં દરોડાની કાર્યવાહી કરવી પડી. દરોડા દરમિયાન સામાન્ય રીતે લોકોની અવરજવર અટકાવી દેવામાં આવે છે. તેને આ રીતે જોવાને બદલે કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટી (આપ)એ દરોડાને મુખ્યપ્રધાન સામેની કાર્યવાહી તરીકે રજૂ કરવાની કોશિશ કરી.

કેજરીવાલે તુરત જ ટ્વિટર પર દાવો કર્યો કે મારા કાર્યાલય પર દરોડા પડયા છે. વડા પ્રધાન મોદી કાયર અને મનોરોગી છે. કેજરીવાલના આ ટ્વિટ બાદ તરત જ સીબીઆઇએ સ્પષ્ટતા કરી કે આ દરોડા કેજરીવાલના કાર્યાલય પર નહીં, પરંતુ તેમના મુખ્ય સચિવ રાજેન્દ્રકુમારને ત્યાં પાડવામાં આવ્યા છે. તેમ છતાં કેજરીવાલ પોતાની વાતને વળગી રહ્યા અને સીબીઆઇ જુઠ્ઠું બોલી રહી છે તેવો આક્ષેપ કર્યો. આમ કેજરીવાલે જાણી જોઇને પોતાના જ સચિવ રાજેન્દ્રકુમાર સામે ભ્રષ્ટાચારના આરોપમાં થયેલી કાર્યવાહીને સરકાર વિરુદ્ધ વિરોધ પક્ષનો વિવાદ બનાવી દીધો.

પોતાને ભ્રષ્ટાચાર વિરુદ્ધના મુખ્ય યોદ્ધા માનતા કેજરીવાલ પાસે એવી અપેક્ષા હતી કે તેઓ આ કાર્યવાહીને આવકારશે, પરંતુ બન્યું તેનાથી ઊંધુ અને આ રીતે કેજરીવાલે મોદી સામે રાજકીય ચાલ ચાલવાની ઇરાદાપૂર્વકની કોશિશ કરી છે અને તેના પરથી પુરવાર થઇ ગયું કે કેજરીવાલ પણ અન્ય રાજકારણીઓ જેવા જ છે. વાસ્તવમાં સીબીઆઇએ રાજેન્દ્રકુમારના ૩,૦૦૦ ટેલિફોન કોલ આંતરીને તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારની કાર્યવાહી કરી છે.

કેજરીવાલે સમજવું જોઇએ કે રાજેન્દ્રકુમારના ઘરે પાડવામાં આવેલા દરોડા દરમિયાન કેટલાક મહત્ત્વના દસ્તાવેજો ઉપરાંત ત્રણ લાખની કિંમતનું વિદેશી ચલણ પણ મળી આવ્યું હતું. સીબીઆઈએ રાજેન્દ્રકુમારના ઘરેથી સીલબંધ ૧૨ ‌લિટર વિદેશી દારૂની બોટલ પણ જપ્ત કરી હતી. જ્યારે ૭૫૦ એમ.એલ.ની ત્રણ ખુલ્લી બોટલ પણ સીબીઆઈને મળી હતી. રાજેન્દ્રકુમારના ઘરેથી ત્રણ સ્થાવર મિલકતોના દસ્તાવેજો ઉપરાંત રૂ. ૨.૫ લાખ રોકડા મળ્યા હતા.

આ ઉપરાંત તેમના સહઆરોપી કે. જે. નંદાના નિવાસેથી સીબીઆઈએ રૂ. ૧૦ લાખની રોકડ જપ્ત કરી હતી. સીબીઆઈએ રાજેન્દ્રકુમારના નિવાસસ્થાનેથી જે વિદેશી ચલણ જપ્ત કર્યું છે તેમાં ૪૩૨૦ ડોલર, ૨૩૩ યુરો, ૩૯૦ ફિલિપિન્સ કરન્સી, ૧૭૦૦ કમ્બોડિયન કરન્સી, ૭૮ સાઉથ આફ્રિકન કરન્સી અને ૨૦ થાઈ કરન્સીનો સમાવેશ થાય છે.

આમ તો કેજરીવાલના મુખ્ય સચિવ રાજેન્દ્રકુમાર લાંબા સમયથી સીબીઆઇના રડાર પર હતા. દરોડા પહેલાં સીબીઆઇ ૧પ આઇએએસ અધિકારીઓ ઉપરાંત દિલ્હી સરકારના ૩પ અધિકારીઓની પૂછપરછ કરી હતી.

રાજેન્દ્રકુમાર વિરુદ્ધ ફરિયાદ કરનાર આશિષ જોશી અગાઉ જ કેજરીવાલની નિકટ રહ્યા હતા. રાજેન્દ્રકુમાર પર એવો આક્ષેપ છે કે તેમણે હોદ્દાનો દુરુપયોગ કરીને દિલ્હી સરકારના કોન્ટ્રેકટ પોતાની જ બનાવેલી કંપનીઓને આપ્યા હતા. રાજેન્દ્રકુમાર દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના સૌથી વિશ્વાસપાત્ર અને માનીતા અધિકારીઓમાંના એક હતા.

કેજરીવાલે પોતાની ૪૯ દિવસની સરકારમાં પણ રાજેન્દ્રકુમારને જ પોતાના મુખ્ય સચિવ બનાવ્યા હતા. ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડત આપવાની ગુલબાંગો પોકારતા અરવિંદ કેજરીવાલ પોતાના જ મુખ્ય સચિવના ભ્રષ્ટાચાર સામેની કાર્યવાહી આડે ઢાલ બનીને બચાવ કરતાં તેમની પોલ ઉઘાડી પડી ગઇ છે એવું રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.

You might also like