માલ્યા કેસમાં UPAના નાણાપ્રધાન અને અધિકારીઓને ઝપટમાં લેવાનો CBIનો પ્લાન

નવી દિલ્હી: સીબીઆઇએ યુપીએ સરકારના નાણાપ્રધાન અને નાણાં મંત્રાલયના ટોચના અધિકારીઓ સહિત મોટાં માથાંઓને ઝપટમાં લેવા વિજય માલ્યાનો કેસ ફરીથી ખોલ્યો છે.

યુપીએ સરકાર દરમિયાન કિંગફિશર એરલાઇન્સને સરકારી બેન્કો દ્વારા આપવામાં આવેલી લોનના વિતરણમાં યુપીએ સરકારના નાણાપ્રધાન અને નાણાં મંત્રાલયના ટોચના અધિકારીઓની સંડોવણી પર નવેસરથી ચાર્જશીટ ફાઇલ કરવાના ઇરાદાથી તપાસ શરૂ કરી છે.

એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર સીબીઆઇએ નાણાં મંત્રાલયનો સત્તાવાર સંપર્ક કર્યો છે અને પોતાનો કેસ વધુ મજબૂત કરવા વિધિવત્ રીતે સંબંધિત દસ્તાવેજો પણ મેળવ્યા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ફાઇલો હાલ અધિકારીઓની વધુ પૂછપરછ માટે ચકાસવામાં આવી રહી છે. માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું કે કેટલાક અધિકારીઓની પૂછપરછ પણ કરવામાં આવી છે. સીબીઆઇની તપાસ માટે કિંગફિશર એરલાઇન્સના માલિક વિજય માલ્યાના નિવાસસ્થાન પર દરોડાની કાર્યવાહી દરમિયાન હાથ લાગેલા પત્રવ્યવહાર અને ઇ-મેઇલની આપલેના દસ્તાવેજો ચાવીરૂપ છે.

દરમિયાન લંડનમાં ભાગેડુ લિકર બેરન વિજય માલ્યાની નાણાપ્રધાન અરુણ જેટલી સાથે મુલાકાતના દાવા અંગે શરૂ થયેલા હંગામા વચ્ચે સીબીઆઇએ માલ્યા વિરુદ્ધ જારી કરાયેલ ર૦૧પની લુકઆઉટ નોટિસ અને સકર્યુલરમાં ફેરફાર કર્યો તે એક એરર ઓફ જજમેન્ટ હતી અને આમ સીબીઆઇએ લુકઆઉટ નોટિસમાં ફેરફાર કરવાની બાબતમાં ભૂલ થઇ હોવાનો એકરાર કર્યો છે. એ સમયે નોટિસને કસ્ટડીથી બદલીને માલ્યાની મૂવમેન્ટ અંગે માત્ર માહિતી આપીને તેમાં ફેરફાર કરાયો હતો.

You might also like