CBIએ રાષ્ટ્રીય સુરક્ષા સામે તમને ખતરો કેમ ગણાવ્યાં?

અમદાવાદ: વર્ષ ર૦૦રમાં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલાં રમખાણો દરમિયાનના ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડ કેસના પીડિતોને ન્યાય અપાવવા માટે મેદાને પડેલાં સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સીધું નામ લીધા વિના તેમના પર નિશાન તાકતાં જણાવ્યું હતું કે દેશનું મીડિયા અત્યારે એક વ્યકિતથી ડરે છે અને હાલના સંજોગોમાં મીડિયા અમારી સંસ્થાની વિરુદ્ધ છે.

વી ટીવી ન્યૂઝ ચેનલના ‘ઓફ ધ રેકોર્ડ’ કાર્યક્રમમાં સિટીઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસ સંસ્થાનાં તિસ્તા સેતલવાડે ધારદાર અને નિર્ભિક સવાલોનો સામનો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગત ગુરુવારે ડેઝિગ્નેટેડ કોર્ટે ગુુલબર્ગ હત્યાકાંડમાં કુલ ૬૬માંથી ૩૬ આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા હતા જ્યારે ર૪ આરોપીઓને કસૂરવાર ઠેરવ્યા હતા. ગુલબર્ગ હત્યાકાંડમાં ૬૯ વ્યકિતઓએ જીવ ગુમાવ્યા હતા. પીડિતોનાં પરિવારજનોને ન્યાય અપાવવા માટે તિસ્તા સેતલવાડે ર૦૦રથી કાનૂની જંગ શરૂ કર્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે આ કેસનો ચુકાદો જાહેર થયો ત્યારે તિસ્તા હાજર રહ્યાં ન હતાં.

‘સુપ્રીમ કોર્ટમાં તમારી કેટલી આસ્થા છે?’ તેવા સવાલ પર લાંબી ચર્ચા કરતાં વી ટીવી ન્યૂઝના પોલિટિકલ એડિટર સુધીર એસ. રાવલે એવાં ચોટદાર ઉદાહરણો આપ્યાં હતાં, જેનાથી ફલિત થતું હતું કે તિસ્તાને જે અનુકૂળ આવે છે તે જ સાચું, બાકી બધું જ ખોટું. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (‌સીટ)ના વડા રાઘવન વિરુદ્ધ પણ તિસ્તાએ નિવેદનો આપ્યાં છે. કોઇ કેસ કે વ્યકિત વિરુદ્ધમાં જાય ત્યારે તેની સામે આક્ષેપો કરવાની રીત અંગે બોલતાં તિસ્તાએ જણાવ્યું કે અમારી સંસ્થાએ રાઘવનના હાથ નીચે અમારા જણાવેલા બે અધિકારીઓ નીમવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે રાઘવનના વડપણ હેઠળની સીટની રચના ર૬ મે, ર૦૦૮ના રોજ કરી હતી. અમારી સંસ્થાએ રજનીશ રાય, એ. કે. શર્મા અને નીરજા ગોટરુને સીટમાં સમાવવા જણાવ્યું હતું, પરંતુ આ ત્રણેય અધિકારીઓનાં નામ રિજેક્ટ કરી દેવામાં આવ્યાં હતાં.

નરેન્દ્ર મોદીને ‘માસ મર્ડરર’ તરીકે ચીતરવા છતાં પ્રજાએ તિસ્તાની નહીં પણ મોદીની વાતમાં ભરોસો મૂકીને તેમને વડા પ્રધાન બનાવ્યા અે અંગે શું કહેવું છે? તેનો જવાબ આપતાં તિસ્તાએ કહ્યું હતું કે મારે જે કંઇ કોમેન્ટ કરવી છે તે હું કોર્ટમાં જ કરીશ.

‘ઓફ ધ રેકોર્ડ’માં પૂછવામાં આવેલા ધારદાર પ્રશ્નો સામે તિસ્તા એક તબક્કે ઉશ્કેરાઇ ગયાં હતાં અને સંવાદ ગરમ બની ગયો હતો. તપાસ એજન્સી સીબીઆઇએ કોર્ટમાં જણાવ્યું છે કે તમે રાષ્ટ્રીય સુરક્ષા સામે ખતરો છો આ અંગે પ્રતિભાવ પૂછતાં તિસ્તા છેડાઇ ગયાં હતાં અને તેમણે રોષ પણ વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગુલબર્ગ સોસાયટીના પીડિતો માટે એકઠા કરવામાં આવેલા ફંડની છેતરપિંડીના કેસમાં તિસ્તા અને તેમના પતિ જાવેેદ આનંદ ઉપર ધરપકડની તલવાર લટકી રહી છે. મેઘાણીનગર ખાતેની ગુલબર્ગ સોસાયટીમાં મ્યુઝિયમ બનાવવાની વાત કરીને તેના માટે મળેલું ફંડ કથિત રીતે ઓળવી જવાના કેસમાં તિસ્તા અને તેમના પતિએ સુપ્રીમ કોર્ટમાંથી ધરપકડ સામે રાહત મેળવી છે.

તિસ્તા સેતલવાડની આ સ્ફોટક મુલાકાત ‘ઓફ ધ રેકોર્ડ’ કાર્યક્રમમાં વી ટીવી ન્યૂઝના પોલિટિકલ એડિટર સુધીર એસ. રાવલે લીધી છે. આ કાર્યક્રમનું પ્રસારણ આજે રાત્રે ૮-૦૦ કલાકે અને આવતી કાલે રવિવારે બપોરે ૧ર-૩૦ કલાકે વી ટીવી ન્યૂઝ ચેનલ પર થશે.

You might also like