નેશનલ હેરાલ્ડ કેસની તપાસ સરકાર CBIને સોંપે તેવી શક્યતા

અંબાલા: હરિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડાની કંપનીને પ્લોટ ફાળવવાના કેસની તપાસ સરકાર સીબીઆઈને સોંપે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે આ કેસ સીબીઆઈને સોંપવાની તૈયારી કરી લીધી છે, જ્યારે પૂર્વ મુખ્યપ્રધાન હુડાએ આ કેસ અંગે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે.

હુડાએ ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું છે કે તેમના પર રાજકીય કિન્નાખોરીથી કેસ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ભાજપ સરકાર બદલો લેવાની ભાવનાવાળી સરકાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિજિલન્સ બ્યૂરોએ તાજેતરમાં હુડાની પૂર્વ સરકાર અને ચાર અધિકારી સામે એફઆઈઆર દાખલ કરી છે.

આ કેસ 2005નો છે, જેમાં કંપનીને પંચકુલામાં પ્લોટ ફાળવવામાં આવ્યો હતો, જેમાં આરોપ થયો છે કે કંપનીને ફાયદો કરાવવા નિયમની અવગણના કરવામાં આવી હતી. તે સમયે કોંગ્રેસની સરકાર હતી અને મુખ્યપ્રધાનના નાતે હુડા હરિયાણા અર્બન ડેવલપમેન્ટ ઓથો‌રિટી (હુડા)ના મુખ્ય વહીવટકર્તા પણ હતા ત્યારે હવે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે તેવી સંભાવના છે.

દરમિયાન કેબિનેટ પ્રધાન અનિલ વિજે નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસને આડે હાથ લેતાં જણાવ્યું કે તમામ નિયમોની અવગણના કરી કોંગ્રેસે કાયદા વિભાગ અને અધિકારીઓની સલાહ લીધા વિના સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પ્લોટની ફાળવણી કરી હતી. નવાઈની વાત એ છે કે આમાં પ્લોટની ફરી ફાળવણી કરી નહિ શકાય તેમ લખવામાં આવ્યું છે.

You might also like