સીબીઅાઈને પાંચ દિવસમાં ૧૧ લપડાક

અમદાવાદ: દેશની ટોચની અને પ્રતિષ્ઠિત તપાસ એજન્સી સીબીઆઇ હંમેશાં વિવાદમાં રહી છે. સીબીઆઇએ અનેક મોટા કેસો ઉકેલ્યા છે તો ઘણા બધા કેસોમાં પછડાય પણ ખાધી છે. અમદાવાદની ખાસ સીબીઆઇ કોર્ટોએ ગત મહિને ડિસેમ્બરમાં અધિકારીઓ સામેના ૧૧ કેસના ચુકાદા સીબીઆઇ માટે લપડાક સમાન નીવડયા છે. અલગ અલગ કોર્ટ દ્વારા આ ૧૨ પૈકી ૧૧ કેસમાં આરોપીઓને નિદોષ છોડી મુકાયા છે અને સીબીઆઇની તપાસ પર કોર્ટ દ્વારા આકરી ટીકા કરવામાં આવી છે.

અમદાવાદની મીરજાપુર ગ્રામ્ય કોર્ટમાં સીબીઆઇની નવ ખાસ કોર્ટ આવેલી છે. જે પૈૈકી ચાર કોર્ટે ગત ડિસેમ્બરમાં આપેલા ૧૧ ચુકાદાએ સીબીઆઇની વિશ્વસનીયતા સામે સવાલ ઊભા કર્યા છે. ઇન્કમટેકસ ઓફિસર, બીએસએનએલના ઓફિસર, બેન્કના મેનેજર, કસ્ટમ ઇન્સ્પેકટર જેવા સરકારી અધિકારીઓ સહિત ૩પ જેટલા આરોપીઓને સીબીઆઇ કોર્ટે નિર્દોષ છોડી મૂકયા છે. આ તમામ કેસોમાં સીબીઆઇના સરકારી વકીલ, સીબીઆઇના તપાસનીશ અધિકારીઓ અલગ અલગ હતા. ડિસેમ્બરમાં અાવેલા ૧૨ ચુકાદા પૈકી એક કેસમાં અારોપીને છ માસની સજા થઈ છે. સીબીઆઇ દેશભરમાંથી અનેક હાઇપ્રોફાઇલ ચકચારી કેસોની તપાસ કરી છે. જેમાં અનેક કેસોમાં સીબીઆઇએ કરેલી કામગીરી સામે રાજકીય આક્ષેપો થતા રહે છે. સુપ્રીમ કોર્ટથી લઇને હાઇકોર્ટ અને લોઅર કોર્ટે પણ સીબીઆઇની તપાસ પર અનેક વખત સવાલ ઊભા કર્યા છે.

અમદાવાદની સીબીઆઇ કોર્ટના જજ યુ.ટી. દેસાઇ, જજ એલ. એસ. પીરજાદા, જજ પી. જી. ગોકાણી અને જજ એચ.આઇ.ભટ્ટે દસ કેસમાં સીબીઆઇને ઝાટકી છે. ડિસેમ્બરમાં અપાયેલા ચુકાદાઓમાં કોર્ટે સીબીઆઇની તપાસને અધૂરી તથા કેટલાક કેસમાં પાયાવિહોણી ગણાવી છે. કોર્ટે એવી પણ ટિપ્પણી કરી છે કે સીબીઆઇ ફરિયાદ પુરવાર કરવામાં નિષ્ફળ નીવડી છે. ઉલ્લેખનીય છે કે ૩૦ ડિસેમ્બરે પાંચ ચુકાદા અાવ્યા હતા. બાકીના સાત ચુકાદા ચાર દિવસમાં અાવ્યા હતા. અામ સીબીઅાઈને ડિસેમ્બરના પાંચ જ દિવસમાં ૧૧ લપડાક પડી છે.

આ અંગે એડવોકેટ આર. ઝેડ. શેખે જણાવ્યું છે કે સીબીઆઇ કોર્ટમાં એક સાથે આટલા બધા કેસોના ચુકાદા કયારેય આવ્યા નથી. તમામ કેસોમાં સીબીઆઇ કોર્ટે આરોપીઓને નિર્દોષ છોડી મૂકયા છે. એડવોકેટ આર. જી. આહુજાએ જણાવ્યું છે કે સીબીઆઇની તમામ કોર્ટમાં ૪પ૦ જેટલા કેસ પેન્ડિંગ છે જેમાં ર૦૧પમાં ૩૦ જેટલા કેસના ચુકાદા આવ્યા છે. ૮૦ ટકા કેસમાં આરોપીઓને સીબીઆઇ કોર્ટે નિર્દોષ છોડી મૂકયા છે.

સુપ્રીમ કોર્ટે સીબીઅાઈને ‘પાંજરાનો પોપટ’ કહી હતી

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના પ્રિન્સિપાલ સેક્રેટરીની ઓફિસમાં સીબીઆઇએ તાજેતરમાં પાડેલા દરોડાનો વિવાદ હજુ શમ્યો નથી. દેશભરમાં તેના રાજકીય પ્રત્યાઘાતો પડ્યા હતા. કેન્દ્રમાં જે પક્ષની સરકાર હોય તેની સામે વિપક્ષો સીબીઆઇના રાજકીય દુરુપયોગનો આક્ષેપ કરતા હોય છે. ૨૦૧૩માં કેન્દ્રમાં યુપીએ સરકાર હતી ત્યારે કોલ કૌભાંડના કેસની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સીબીઆઇને ‘પાંજરામાં પુરાયેલા પોપટ’ ગણાવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ રીતે સંકેત કર્યો હતો કે સીબીઆઇ કહેવાય છે તેવી સ્વતંત્ર નથી અને તે કેન્દ્ર સરકારના ઇશારે કામ કરે છે. દેશમાં મોટી ઘટના બને ત્યારે અથવા તો વિવાદને ટાળવા માટે રાજ્ય સરકારો સીબીઆઇને કેસ સોંપતી હોય છે. નાગરિકોની રજૂઆતના આધારે પણ કોર્ટ સીબીઆઇને તપાસ સોંપતી હોય છે, જોકે સીબીઆઇની કામગીરી સામે હંમેશાં વિવાદો ઊઠતા રહ્યા છે.

સીબીઆઇએ ચમરબંધીઓને સંડોવતા અનેક કેસો ઉકેલીને સજા કરાવી છે. બીજી બાજુ ઘણા બધા હાઇપ્રોફાઇલ કેસમાં નિષ્ફળતાએ તેને નામોશી પણ અપાવી છે. સીબીઆઇ દ્વારા થતા કેસોમાં સફળતાનો રેશિયો પણ ચર્ચાસ્પદ રહ્યો છે. ૨૦૧૩ના વર્ષમાં સીબીઆઇએ કરેલા કેસો પૈકી ૧૨૨૫ કેસની ટ્રાયલ દેશની વિિવધ કોર્ટોમાં ચાલી તી. તે પૈકી ૧૦૭૦ કેસોનો નિવેડો આવ્યો હતો. આ કેસો પૈકી ૬૮ ટકા કેસોમાં આરોપીઓને સજા થઇ હતી. ભ્રષ્ટાચારના કેસોમાં જોકે સીબીઆઇની સફળતાનો આંકડો નીચો રહ્યો છે.

You might also like