મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન સામે સીબીઆઈ તપાસ શરૂ

નવી દિલ્હી: પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણી પૂર્વે સીબીઆઇએ દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા અને આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ તપાસ શરૂ કરી દીધી છે. મનીષ સિસોદિયા પર અરવિંદ કેજરીવાલની સોશિયલ મીડિયા કેમ્પેન ‘ટોક ટુ એકે’માં નિયમોના ઉલ્લંઘન અને ગેરરીતિઓ બદલ તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન સામે પોતાની પુત્રી સૌમ્યા જૈનને દિલ્હી સરકારની મહોલ્લા ક્લિનિક યોજનાના સલાહકાર તરીકે નિમણૂક કરવામાં ગેરરીતિઓના મામલે સીબીઆઇએ તેમની વિરુદ્ધ પ્રાથમિક તપાસ શરૂ કરી દીધી છે.

સીબીઆઇની તપાસ શરૂ થતાં જ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ ટ્વિટર પર પોતાની હૈયાવરાળ ઠાલવવાનું શરૂ કરી દીધું છે. કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ‘મોદીજી, હું આટલા માટે આપને કાયર ગણાવું છું. ગોવા અને પંજાબમાં હારી રહ્યા છો એટલે સીબીઆઇની ગેમ શરૂ કરી દીધી?, મોદીજી, તમારી પાસે હવે કોઇ કામ રહ્યું નથી એટલે અમારી પાછળ પડી ગયા છો’ જ્યારે મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ‘સ્વાગત છે મોદીજી, હવે આવી જાવ મેદાનમાં. આવતી કાલે સવારે તમારી સીબીઆઇની મારા ઘરે અને ઓફિસમાં રાહ જોઇશ. દેખતે હૈ કિતના જોર હૈ આપકે બાજુએ કા‌િતલ મેં’.

મનીષ સિસોદિયા વિરુદ્ધ એવો આક્ષેપ છે કે પાર્ટીએ ‘ટોક ટુ એકે’ પ્રોગ્રામ માટે રૂ.૧.પ૮ કરોડ ફેસબુક, યુ-ટ્યૂબ અને ગૂૂગલ પર એડ્ આપવા પાછળ ખર્ચ્યા હતા. આપ સરકારે આ એડ્ કેમ્પેન માટે એક ઇવેન્ટ કંપનીને ઓપન ટેન્ડર જારી કર્યા વગર કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ અંગે દિલ્હી સરકાર કોઇ ખુલાસો કરી શકી નહોતી અને ત્યાર બાદ તત્કાલીન ઉપરાજ્યપાલ નજીબ જંગે પહેલાં એસીબીને અને ત્યાર બાદ સીબીઆઇને તપાસ સોંપી દીધી હતી.

આ રીતે દિલ્હી સરકારે સરકારી નાણાંનો દુરુપયોગ બીજાં રાજ્યમાં આમ આદમી પાર્ટીના પ્રચાર માટે કર્યો હતો. જ્યારે આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને પોતાની પુત્રી સૌમ્યા જૈનને દિલ્હી સ્ટેટ હેલ્થ મિશનમાં મિશન ડાયરેક્ટર બનાવી હતી. સત્યેન્દ્ર જૈને પોતાના જ વિભાગમાં પોતાની પુત્રીની નિમણૂક કરતાં ભાજપ અને કોંગ્રેસે ભારે ઊહાપોહ મચાવ્યો હતો અને તત્કાલીન ઉપરાજ્યપાલની મંજૂરીથી આ મામલાની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે પંજાબમાં આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહી છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પંજાબમાં આપના સ્ટાર પ્રચારક તરીકે ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. દિલ્હીમાં તેમની ગેરહાજરીને લઇને ભાજપ તેમને નિશાન બનાવી રહ્યું છે.
http://sambhaavnews.com/

You might also like