વ્યાપમ કૌભાંડમાં MPના મુખ્યમંત્રી શિવરાજસિંહને CBIની ક્લીન‌િચટ

મધ્ય પ્રદેશના ચર્ચાસ્પદ ભરતી ગોટાળા વ્યાપમ કૌભાંડમાં મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણને સીબીઆઈ દ્વારા ક્લીન‌િચટ આપવામાં આવી છે. સીબીઆઈએ આ કૌભાંડમાં પોતાની ચાર્જશીટ દાખલ કરી દીધી છે અને તેમાં હાર્ડ ડિસ્ક મામલામાં શિવરાજનો કોઈ ઉલ્લેખ નથી. સીબીઆઈએ પોતાની તપાસમાં કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહના એ આરોપોને ફગાવી દીધા છે, જેમાં દિગ્વિજયસિંહે એવો આક્ષેપ કર્યો હતો કે શિવરાજસિંહ ચૌહાણને બચાવવા હાર્ડ ડિસ્કમાં ચેડાં કરવામાં આવ્યાં છે.

આ આક્ષેપો બાદ અદાલતે આ કૌભાંડની તપાસ સીબીઆઈને સોંપી હતી. સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં મંગળવારે વ્યાપમ કૌભાંડમાં ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં ૪૯૦ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે, સાથે જ સીબીઆઈએ પોતાના તપાસ રિપોર્ટમાં જણાવ્યું છે કે તપાસ સંસ્થાઓ દ્વારા જપ્ત કરાયેલી હાર્ડ ડિસ્ક સાથે કોઈ પણ પ્રકારનાં ચેડાં થયાં નથી. સીબીઆઈએ હાર્ડ ડિસ્કની ફોરેન્સિક તપાસ પણ કરાવી હતી.

ચાર્જશીટમાં સીબીઆઈએ જણાવ્યું છે કે મધ્યપ્રદેશ વ્યાવસાયિક પરીક્ષા મંડળના એક અધિકારી નીતિન મહિન્દ્રા પાસેથી પ્રાપ્ત થયેલી હાર્ડ ડિસ્ક ડ્રાઈવની મધ્ય પ્રદેશ પોલીસ દ્વારા કરાવવામાં આવેલી ફોરેન્સિક તપાસના વિશ્લેષણ પરથી સ્પષ્ટ થયું છે કે એમાં એવી કોઈ ફાઈલ સ્ટોર નથી કે જેમાં સીએમના અક્ષર હતા.

You might also like