અશોક ચવ્હાણ સામે કેસ ચલાવવા રાજ્યપાલની મંજૂરી

મુંબઈ: વિપક્ષ કોંગ્રેસને ભારે આંચકારૂપ એક ઘટનામાં મહારાષ્ટ્રના રાજ્યપાલ સી વિદ્યાસાગર રાવે કરોડો રૂપિયાના આદર્શ કૌભાંડ કેસમાં પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ પર કેસ ચલાવવા માટે સીબીઆઈને મંજૂરી આપી હતી. રાજ્યમાં ભાજપના નેતૃત્વ હેઠળની સરકારના આ કોંગ્રેસી નેતા સામે કાર્યવાહી કરવાની અરજી થઈ તેના થોડાક જ દિવસો બાદ આ મંજૂરી આપવામાં આવી છે.

રાજ્યપાલ કાર્યાલયના એક અધિકારીએ જણાવ્યું કે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી વિદ્યાસાગર રાવે આજે આદર્શ કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી કેસમાં સીબીઆઈને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ પર સીઆરપીસીની કમ ૧૯૭, ઈપીકોની કલમ ૧૨૦-બી અને ૪૨૦ (છેતરપિંડી) હેઠળ કેસ ચલાવવા માટે સીબીઆઈને મંજૂરી આપી હતી.

તેમણે જણાવ્યું કે ૮ ઓક્ટોબર, ૨૦૧૫ના રોજ મુંબઈમાં સીબીઆઈના જોઈન્ટ ડિરેક્ટરે ન્યાયમૂર્તિ પાટિલ પંચના તપાસ અહેવાલ અને ચવ્હાણ વિરુધ્ધ મળેલા કહેવાતા વાંધાજનક દસ્તાવેજોને આધારે સીઆરપીસીની કલમ ૧૯૭ હેઠળ ચવ્હાણ પર કેસ ચલાવવા માટે મંજૂરી માગી હતી. પંચે અહેવાલમાં ચાર પૂર્વ મંત્રીઓ- ચવ્હાણ, સ્વ. વિલાસરાવ દેશમુખ, સુશિલકુમાર શિંદે અને શિવાજીરાવ નિલાંગેકર-પાટિલ સહિત કેટલાક ઉચ્ચ અધિકારીઓને તેમની ભૂમિકા બદલ આ કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ મૂક્યો હતો.

તેમણે કહ્યું કે રાજ્યપાલે તાજેતરમાં જ મંત્રીમંડળની મદદ અને સલાહ માંગી હતી અને મંત્રીમંડળે મંજૂરી(સીબીઆઈને) આપવાની સલાહ આપી હતી. પંચની રચના જાન્યુઆરી,૨૦૧૧માં કરવામાં આવી હતી જોકે, તેના અહેવાલ અને તેની ભલામણોને તે વખતની કોંગ્રેસ-એનસીપીની સરકારે ડિસેમ્બર,૨૦૧૩માં ફગાવી દીધા હતા.

You might also like