ટાઈટલર સામેના કેસની તપાસ કરવા સીબીઆઈને કોર્ટનો આદેશ

નવી દિલ્હી: જગદિશ ટાઈટલરને આંચકા રૂપ એક ઘટનામાં ટ્રાયલ કોર્ટે ૧૯૮૪ના સિખ વિરોધી રમખાણોના કેસમાં તેમને ક્લિન ચીટ આપતા સીબીઆઈના ક્લોઝર રિપોર્ટને ફગાવી દીધો હતો.  એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે પાછળથી સીબીઆઈનો ક્લોઝર રિપોર્ટ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો અને આ કેસમાં વધુ તપાસ આગળ કરવા સીબીઆઈને આદેશ આપ્યો હતો. આ કેસમાં સીબીઆઈનો આ ત્રીજો ક્લોઝર રિપોર્ટ હતો અને તે ૨૪મી ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ દાખલ કરાયો હતો. અગાઉના બે ક્લોઝર રિપોર્ટ, જેમાં ટાઈટલરને ક્લિન ચીટ આપવામાં આવી હતી તેને પણ કોર્ટે ફગાવી દીધા હતા.

આ કેસ ૧લી નવેમ્બર, ૧૯૮૪ના રોજ ઉત્તર દિલ્હીમાં ગુરુદ્રારા પલ્બાનગશ ખાતે થયેલા રમખાણોને લગતો છે. તેમાં ત્રણ જણા માર્યા ગયા હતા. સીબીઆઈના ક્લોઝર રિપોર્ટને પડકારતા આ કેસના ફરિયાદી લખવિન્દર કૌરે વિરોધ અરજી દાખલ કરી હતી. રમખાણોમાં તેમના પતિ બાદલ સિંહનું મૃત્યુ થયું હતું. ગઈ ૩૦મી ઓક્ટોબરે ક્લોઝર રિપોર્ટ સ્વીકારવો કે નહીં તે બાબતે સીબીઆઈના વકિલ અને કૌરના ધારાશાસ્ત્રીની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.

૧૦મી નવેમ્બરે કૌરે સીબીઆઈના આખરી રિપોર્ટમાં જે સાક્ષીઓને ટાંક્યા હતા તેમના વિશે નવેસરથી માહિતી પૂરી પાડવા માટે કોર્ટની મંજૂરી અને સમય માટે અરજી દાખલ કરી હતી. સીબીઆઈએ તે સમયે કોર્ટને જણાવ્યું હતું કે નક્કર હકીકતો મેળવવા અને સાક્ષીઓની ભાળ મેળવવા માટે સમય મંજૂર કરવા માટે કેસની કાર્યવાહી મુલતવી રાખવામાં આવે તો તેને કોઈ વાંધો નથી. સીબીઆઈ પણ તે સાક્ષીઓને તપાસવા માગે છે કારણ કે તે આ કેસના યોગ્ય ચુકાદા માટે જરૂરી છે.

You might also like