તોગડિયા સાંજે સંગિની બંગલોમાંથી નીકળ્યા હોવાના CCTV ફૂટેજ ક્રાઈમ બ્રાંચે જપ્ત કર્યા

અમદાવાદ, શુક્રવાર
વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ડો.પ્રવીણ તોગડિયાએ મીડિયા સમક્ષ આપેલાં નિવેદનો ખાેટાં હોવાનો ઘટસ્ફોટ ક્રાઇમ બ્રાંચે તેની તપાસમાં કર્યો છે. ડો. તોગડિયા જેના બંગલામાં રોકાયા હતા તે ઘનશ્યામભાઇ ચરણદાસના બંગલાના વધુ સીસીટીવી ફૂટેજ ક્રાઇમ બ્રાંચે કબજે કર્યા છે. જેમાં પ્રવીણ તોગડિયા સાંજે ઘનશ્યામભાઇના ઘરેથી ગાડીમાં બેસીને જતા હોવાનો ખુલાસો થયો છે.

આ પહેલાં પણ ક્રાઇમ બ્રાંચે આ મામલે ઘટસ્ફોટ કર્યો હતો પરંતુ ગઇ કાલે ક્રાઇમ બ્રાંચે સીસીટીવી ફૂટેજ કબજે કરતાં પ્રવીણ તોગડિયા ખોટું બોલી રહ્યા હોવાની વાત પર મોહર લાગાવી દીધી છે.

વિશ્વ હિંદુ પરિષદના આંતરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ડો.પ્રવીણ તોગડિયા વાસી ઉત્તરાયણના દિવસે સવારે ૧૦ વાગ્યાની આસપાસ ભેદી રીતે લાપતા થયા હતા અને રાતે અર્ધબેહોશ હાલતમાં કોતરપુર વિસ્તારમાંથી મળી આવ્યા હતા જ્યાં તેઓ શાહીબાગ વિસ્તારમાં આવેલી ચન્દ્રમણિ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા. ૧૬મીના રોજ તોગડિયાએ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. જેમાં તેમનું એન્કાઉન્ટરનું કાવતરું ઘડાઇ રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.

પ્રવીણ તોગડિયા આખો દિવસ રિક્ષામાં ફર્યા હોવાનું મીડિયા સમક્ષ કહ્યું હતું. ક્રાઇમ બ્રાંચે પ્રવીણ તોગડિયાએ આપેલા નિવેદન બાદ તપાસ કરતાં તે થલતેજ વિસ્તારમાં આવેલ સંગિની બંગલોમાં ઘનશ્યામ ચરણદાસના ઘેર રોકાયા હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. ક્રાઇમ બ્રાંચે કરેલા ખુલાસા બાદ પ્રવીણ તોગડિયાએ પોતાનું નિવેદન ફેરવી દીધું હતું અને બપોરે ત્રણ વાગે ઘનશ્યામ ચરણદાસના ઘરેથી નીકળ્યા હોવાનું મીડિયા સમક્ષ જણાવ્યું હતું.

જોકે ગઇ કાલે ક્રાઇમ બ્રાંચે પ્રવીણ તોગડિયાનું વધુ એક જુઠ્ઠાણું પકડી પાડ્યું હતું. રાતે ક્રાઇમ બ્રાંચની ટીમ સંગિની બંગલોમાં ઘનશ્યામ ચરણદાસ અને તેમના પરિવારનું નિવેદન લેવા માટે ગઇ હતી.

જોકે ક્રાઇમ બ્રાંચ પહોંચે તે પહેલાં ઘનશ્યામ ચરણદાસ તેમના પરિવાર સાથે બંગલો બંધ કરીને જતા રહ્યા હતા. ક્રાઇમ બ્રાંચે સંગિની બંગલોના સિક્યોરિટી ગાર્ડનાં નિવેદનો લીધાં હતાં અને સીસીટીવી કબજે કર્યા હતા. જેમાં તોગડિયા બપોરે નહીં પરંતુ સાંજે નીકળ્યા હોવાનું સામે આવ્યું હતું.

You might also like