૫૦૦ કરોડનું સીશોર ચીટફંડ કૌભાંડઃ BJDના MLAની ધરપકડ

ભુવનેશ્વર: સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશને (સીબીઆઈ) સીશોર ચીટફંડ કેસમાં ઓડિશામાં સત્તારૂઢ બીજુ જનતા દળના (બીજેડી) ધારાસભ્ય પ્રભાત બિસ્વાલની ધરપકડ કરી છે. આ મામલામાં સીબીઆઈએ પ્રભાત બિસ્વાલ અને તેનાં પત્ની પર સીશોર ગ્રૂપમાંથી રૂ. ૨૯ લાખની હેરાફેરી કરી હોવાનો આરોપ મૂક્યો છે.

આ મામલો ૨૦૧૧માં જાજપુરમાં જમીન આપવા સાથે સંકળાયેલ નાણાંની હેરાફેરીનો છે. પાછળથી પ્રભાત બિસ્વાલ અને તેમનાં પત્ની આ નાણાંની અવેજમાં કોઈ દસ્તાવેજ કે સેલડીડ રજૂ કરવામાં નિષ્ફળ રહ્યાં હતાં. સીશોર ગ્રૂપ એક પોન્ઝી સ્કીમ લાવ્યું હતું. આ ચીટફંડ ગોટાળાને લઈને પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે હોબાળો અને ઊહાપોહ મચી ગયો હતો.

આ ઉપરાંત સીબીઆઈએ પ્રભાત બિસ્વાલ પર સીશોર ગ્રૂપ પાસેથી મોટો ફાયદો લીધાનો પણ આરોપ મૂક્યો છે. ખાસ કરીને કંપનીને કટકમાં, જગતપુર ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં બિઝનેસ કરવાની મંજૂરી અપાવવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. સીબીઆઈ ૫૦૦ કરોડના કહેવાતા સીશોર ચીટફંડ કૌભાંડમાં અગાઉ પણ ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે.

સીબીઆઈની આ કાર્યવાહીના પગલે ઓડિશામાં શાસક બીજુ જનતા દળને ફટકો પડ્યો છે. સીબીઆઈ અગાઉ પક્ષના ધારાસભ્ય પ્રાવત ત્રિપાઠીની પણ ધરપકડ કરી ચૂકી છે, કે જેઓ એટી ગ્રૂપ ચીટફંડ કૌભાંડમાં સંડોવાયેલા હતા. એ જ રીતે નવા દિગંત પોન્ઝી કૌભાંડમાં પક્ષના સંસદ સભ્ય રામચંદ્ર હંસદાહની પણ ધરપકડ થઈ ચૂકી છે.

સીશોર ગ્રૂપે શાસક બીજેડી માટે મહત્તમ ક્ષોભજનક સ્થિતિ ઊભી કરી છે, કારણ કે આ કૌભાંડમાં બીજેડીના અનેક ધારાસભ્યોના નામો સંભળાઈ રહ્યાં છે. રાજ્ય સરકારે ૨૦૦૯થી ૨૦૧૧ વચ્ચે ઓડિશામાં ખાનગી જાહેર ભાગીદારી (પીપીપી)ના ધોરણે શ્રેણીબદ્ધ પ્રોજેક્ટ અમલમાં મૂકવા સીશોર ગ્રૂપને કામગીરી સોંપી હતી.

You might also like