આમાં ક્યાંથી દેશ કેશલેસ બને!

નોટબંધી બાદ વડા પ્રધાન સહિત ભાજપના નેતાઓ સૌ કોઈ કૅશલેસ ઈકોનોમીની ગુલબાંગો હાંકી રહ્યા છે. પણ તેનો અમલ એટલો આસાન નથી. અમદાવાદના ઓટોરિક્ષાચાલક ઈન્દ્રેશભાઈ ત્રિવેદી પોતાની રિક્ષામાં સ્વાઈપ મશીન વસાવવા માગે છે. આ માટે તેઓ શ્યામલ ચાર રસ્તા પર પોતાનું એકાઉન્ટ ધરાવતી પંજાબ નેશનલ બેંકમાં ગયા. જ્યાં મેનેજરે તેમને એમ કહીને સ્વાઈપ મશીન આપવાનો ઈનકાર કરી દીધો કે તેઓ વેપારી કે બિઝનેસમેન નથી.

ઈન્દ્રેશભાઈએ વધુ દલીલ કરતાં મેનેજરે બિનજરૂરી એવા કેટલાક પુરાવા, દસ્તાવેજોની માગણી કરી ધક્કા ખવડાવવા શરૂ કર્યા. અંતે કંટાળીને તેમણે રિક્ષામાં સ્વાઈપ મશીન વસાવવાનું માંડી વાળ્યું. આ સ્થિતિ નાનો ધંધો ધરાવતા અનેક ભારતીયોની છે. જેમને બેંકો રૂપિયા આપવા છતાં સર્વિસ આપવા રાજી નથી. વડા પ્રધાનના કૅશલેસ ઈકોનોમીના મિશનના સમર્થક ઈન્દ્રેશભાઈ જેવી વ્યક્તિની બેંકોને જરૂર નથી. આમ પણ બેંકોનાં બ્રેડ-બટર બિઝનેસમેનો અને વેપારીઓમાંથી આવતાં હોવાથી સામાન્ય માણસ તેમના માટે બોજારૂપ છે.

નોટબંધી બાદ દેશભરમાં ખૂણેખાંચરે આવા અનેક બનાવો બન્યા હશે. ત્યારે સવાલ એ થાય કે સામાન્ય માણસ બેંકિંગ સિસ્ટમ સાથે જોડાશે નહીં, તેમને સુવિધાઓ મળશે નહીં, તો દેશ કેવી રીતે કૅશલેસ બનશે? બેંકો સરકારને ગાંઠતી નથી ત્યારે ફક્ત જાહેરાતો કરવાથી દેશ કૅશલેસ થોડો બની જવાનો!
http://sambhaavnews.com/

You might also like