૨૭મા દિવસે પણ એટીએમ કેશલેસઃ લોકોની દોડધામ જારી

અમદાવાદ: નોટબંધીના ર૭ દિવસ પછી આજે પણ નાણાં ઉપાડવાની ખેેંચ યથાવત્ રહી છે. પગારના પૈસા ખાતામાં જમા હોવા છતાં પણ રવિવારની રજામાં બેન્કો બંધ હોવા ઉપરાંત એટીએમ ખાલીખમ હોવાથી લોકો હેરાનગતિ ભોગવી રહ્યા હતા. આજ સવારથી બેન્કોની બહાર અને ચાલુુ એટીએમમાં લાંબી કતારો લાગી ગઇ છે. બેન્કો પાસે મર્યાદિત કેશ આવતી હોઇ એટીએમમાં પણ મર્યાદિત રકમ જ રિફીલ કરવામાં આવતાં મોટા ભાગના એટીએમમાં રૂપિયા ખૂૂટી પડ્યા હતા. આજે રવિવારની રજા બાદ આજે બેન્ક ઉઘડતાં પહેલાં વહેલી સવારથી લોકોએ પૈસા ઉપાડવા લાઇનો લગાવી છે. બેન્કમાં રૂપિયા જમા કરાવવા અને ઉપાડવા માટે કામ-ધંધો છોડીને લોકોને લાઇનમાં ઊભાં રહેવું પડે છે. આરબીઆઇ પાસેથી પૂરતા રૂપિયા નહીં મળતાં બેન્કો તમામ ખાતેદારો સચવાઇ રહે તે માટે રૂ.ર૪,૦૦૦ની ઉપાડની મર્યાદા હોવા છતાં મર્યાદિત રકમ ઉપાડ પેટે ખાતેદારોને આપી રહી છે. અત્યારે આ પરિસ્થિતિ વચ્ચે બેન્કોની હાલત કફોડી છે.

આનાથી ખરાબ હાલત અત્યારે કો.ઓપરેટિવ બેન્કના ખાતેદારોની છે. છતા રૂપિયે તેઓ ઉપાડ વગર ટળવળી રહ્યા છે. આજે આરબીઆઇ આ બેન્કોને રૂપિયા આપે તો પણ આવતી કાલ પહેલાં કો.ઓપરેટિવ બેન્કોનું કરન્સીનું ડિસ્ટ્રિબ્યુશનનું કામ થઇ શકે તેમ નથી. શહેરની તમામ કો.ઓપરેટિવ સેકટરની બેન્કોના ખાતેદારોનેે આજે રૂપિયા મળે તેવી કોઇ શકયતા નથી. શહેરના મોટા ભાગના એટીએમ મશીનોના શટર બંધ જોવા મળ્યા છે. તો કેટલાક આઉટ ઓફ સર્વિસ છે. બેન્કો દ્વારા ગઇ કાલે મોટા ભાગના કેશ ડિપોઝિટ મશીનો બંધ હાલતમાં હતા. સેલરી વીક હોઇ લોકો લોનના હપ્તા ભરવા માટે કેશ ડિપોઝિટ મશીનનો લાભ લઇ શક્યા નહોતા. જાણીતી બેન્કના કેશિયરે જણાવ્યું હતું કે ૮ નવેમ્બરથી અમે હંમેશાં સ્ટ્રેસમાં રહીએ છીએ. બે હજારની નોટ પાતળી હોવાના કારણે ગણતરીમાં ભૂલ પડે છે. જેના કારણે મોટા ભાગના કેશિયરોએ પાંચથી સાત હજાર ઘરના મૂકયા છે. આજે પણ શહેરમાં ગણ્યાગાંઠયા સ્થળે એટીએમ ચાલુ છે. લગ્ન સિઝન પુરજોશમાં ચાલુ છે. એટીએમમાંથી રૂપિયા નહીં મળતાં લોકો નિરાશ થઇને હવે કાર્ડથી ખરીદી કરી શકાય તેવી ગિફટ આપી રહ્યા છે.

home

You might also like