‘કેશ રિસાઈકલર’ એટીએમમાં નકલી નોટો અાપશે કે લેશે નહીં

નવી દિલ્હી: એટીએમમાંથી નકલી નોટો નીકળવાની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે હવે કેશ રિસાઈકલર લગાવાશે. અા મશીન નકલી નોટો અાપશે કે લેશે નહીં, અા મશીન કેશ ડિપો‌િઝટ અને કેશ બહાર નીકળવાની સાથે જ નકલી નોટ અોળખવાનું કામ પણ કરશે, એટલું જ નહીં એટીએમમાં ઝીરો કેશના કારણે લોકોને નિરાશ થઇને પરત ફરવું પડે છે, રિસાઈકલર તેનાથી પણ મુક્તિ અપાવશે.

રિઝર્વ બેન્કે અા મશીન લગાવવાના અાદેશ અાપ્યા છે. અારબીઅાઈ તેના માટે બેન્કને બે લાખ રૂપિયાનું ફંડ પણ અાપશે. કેન્દ્રીય બેન્કના નિર્દેશ બાદ બેન્ક હવે એટીએમના બદલે કેશ રિસાઈકલર લગાવી રહી છે. કાનપુરમાં યુનિયન બેન્ક અોફ ઇન્ડિયા, ભારતીય સ્ટેટ બેન્ક અને બેન્ક અોફ બરોડા તેમજ પંજાબ નેશનલ બેન્કે અત્યાર સુધીમાં ત્રણ ડઝન સ્થળ પર અા મશીન લગાવ્યાં છે, તેમાં બેન્ક અોફ બરોડાઅે ૧૯ અને યુનિયન બેન્કે ૧૪ રિસાઈકલર પોતાની શાખાઅોની બહાર સ્થાપિત કર્યાં છે.

અા ઉપરાંત બેન્કોઅે દિલ્હી, નોઇડા સહિત ઘણાં શહેરમાં પણ અા મશીન લગાવવાની શરૂઅાત કરી દીધી છે. બ્રાન્ચમાં લગાવાયેલાં અા રિસાઈકલર બેન્કમાં ગ્રાહકોની ભીડ ઘટાડશે. ગ્રાહકો એટીએમકાર્ડના ઉપયોગ વગર માત્ર ખાતા નંબરથી જ કેશ જમા કરાવી શકશે. રોકડ જમા કરાવ્યા બાદ રિસાઈકલરનાં સેન્સર નકલી નોટ અોળખીને તમને પરત અાપી દેશે.

જો રિસાઈકલર નકલી નોટ લઈ પણ લેશે તો તેને અલગ કેસેટમાં નાખી દેશે અને અા પૈસા ગ્રાહકના ખાતામાં જમા નહીં થાય, પરંતુ તેના એકાઉન્ટમાં નકલી નોટ નોંધાઈ જશે. અા મશીનમાંથી પૈસા ઉપાડવા માટે એટીએમકાર્ડ જરૂરી હશે. ખાતાધારકો કેશ ઉપાડવાની મર્યાદા મુજબ રકમ કાઢી શકશે. યુનિયન બેન્કના મંડળ પ્રમુખ રવિકુમાર ગુપ્તાઅે જણાવ્યું કે કેશ રિસાઈકલર ગ્રાહક સુવિધાનું ક્રાંતિકારી પગલું છે. વેપારીઅો માટે તે ખૂબ ફાયદાકારક સાબિત થશે.

http://sambhaavnews.com/

You might also like