લાખો-કરોડોનું કેશ પેમેન્ટ કરનારા હરખાયા, લેનાર માથે હાથ દઈ રડ્યા!

અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગઇ કાલે રાત્રે પ૦૦ અને ૧૦૦૦ની નોટ આજથી બંધ થવાની જાહેરાત થતાં જ કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ થયો છે. દરરોજ કરોડો રૂપિયાના કાળા નાણાં અને બિનહિસાબી નાણાકીય વ્યવહારોની લેવડ-દેવડ થતી હોય છે તેમાં અચાનક જ આ રીતે જાહેરાત થતાં પ્રોપર્ટી ડીલરો-બિલ્ડરો તેમજ લાખોનો વ્યવહાર કરતા લોકોને રોવાનો વારો આવ્યો છે.

આંગ‌િડયા પેઢીમાં જે પૈસા હોય છે, તે પૈસાનો પણ કઇ રીતે નિકાલ કરવાે તેની ચિંતામાં લોકો ડૂબી ગયા છે. નરેન્દ્ર મોદીની જાહેરાત પહેલાં જે લોકોએ લાખો-કરોડો રૂપિયા ચૂકવ્યા છે તેઓ પોતાની જાતને નસીબદાર ગણાવે છે જ્યારે જે વ્યક્તિએ પૈસા લીધા છે તેઓએ હવે માથે હાથ દઇ રોવાનો વારો આવ્યો છે. જાહેરાત થતાંની સાથે જ કેટલાક લોકોને ખુશી થઇ છે કે જેઓએ પ૦૦ અને ૧૦૦૦ના દરની નોટ લાખોની કિંમતમાં હતી તેને ચૂકવી દીધી છે. જ્યારે પેમેન્ટ લેવાવાળાને હવે નોટોને વટાવવી કેમ તે અંગેના વિચારથી જ પરસેવો છૂટ્યો છે.

રૂ.એક કરોડનો ફલેટ ખરીદો તો અંદાજે રૂ.૬૦ લાખનો જ દસ્તાવેજ થાય છે, બાકીના પૈસા બ્લેક મની તરીકે જતા હોય. હવે આ પૈસાનો રોકડમાં વ્યવહાર થતો હોઇ બિલ્ડરોને પણ રોવાનો વારો આવ્યો છે. જેઓએ કોઇ પાસેથી વિશ્વાસ ઉપર ઉછીના પૈસા લીધા હોય છે તેઓની પણ હાલત ખરાબ થઇ ગઇ છે. પૈસાને હવે કઇ રીતે વ્હાઇટ કરવા તેની ચિંતામાં ડૂબી ગયા છે. વડા પ્રધાન મોદીની જાહેરાત અગાઉ સાંજે જેમણે લાખો રૂપિયાનો વહીવટ કરી નાખ્યો છે તેઓનું નસીબ બદલાઇ ગયું અને તેઓને રાત્રે આરામથી ઊંઘ આવી હતી જ્યારે લાખો રૂપિયાનું પેમેન્ટ લેનાર આખી રાત સૂઇ શક્યા ન હોવાનું બનવા પામ્યું છે.

જમીન, પ્રોપર્ટીના સોદામાં કરોડો રૂપિયામાં રોકડના વ્યવહાર થતા હોય છે ત્યારે પ૦૦-૧૦૦૦ના દરની નોટ બંધ થતાં કયાંક ખુશી અને ક્યાંક ગમનો માહોલ સર્જાયો છે.

You might also like