કૅશલેસ ઈકોનોમીમાં વ્યવહારોની સુરક્ષા કેટલી?

નોટબંધી એટલે કે રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ના દરની ચલણી નોટોને ચલણમાંથી દૂર કરાઈ. ચલણના આ વિમુદ્રીકરણનો ધ્યેય જે હોય તે પરંતુ તેના કારણે કૅશલેસ વ્યવહારોને વેગ મળ્યો છે કે સરકાર દ્વારા વેગ અપાયો છે. એમાં પણ ઈ-વૉલેટ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન ક્ષેત્ર માટે તો ‘દોડવું હતું અને ઢાળ મળ્યો’ જેવી તક સર્જાઈ.

નોટબંધી પછી નાના ચલણના અભાવને કારણે છુટ્ટાની સમસ્યા સર્જાઈ જેથી અનેક લોકો ડિજિટલ ટ્રાન્જેક્શન તરફ વળ્યા. આ સ્થિતિથી ડિજિટલ ટ્રાન્જેક્શન ક્ષેત્રે અનેક તકોનું નિર્માણ થયું અને લોકોની સગવડમાં પણ વધારો થયો છે. બીજી તરફ આ સગવડ અને તકનો લાભ લેનારા કેટલાંક તકસાધુઓ પણ સક્રિય બન્યા છે. આવા તકસાધુઓ ડિજિટલ ફ્રોડ અને સાયબર ક્રાઈમ દ્વારા ઘણા લોકોનાં ખિસ્સાં ખંખેરી રહ્યા છે.

ભેજાંબાજો માટે પણ તકો સર્જાઈ !
ટેક્નોલોજી અને ઈન્ટરનેટના વ્યાપના કારણે ભારતમાં સાયબર ક્રાઈમના કિસ્સાઓમાં ધીમેધીમે વધારો તો નોંધાતો જ રહ્યો હતો, પરંતુ હવે વિમુદ્રીકરણના કારણે સાયબર ક્રાઈમની દુનિયા સાથે સંકળાયેલા ભેજાંબાજોને પણ મોકળું મેદાન મળ્યું છે. જાણે કે કૅશલેસ વ્યવહારોના પ્રોત્સાહનથી ભેજાંબાજો માટે પણ વધુ તકો સર્જાઈ છે.

અમદાવાદના જાણીતા સાયબર એક્સપર્ટ હિમાંશુ કિકાણી કહે છે, “ડિજિટલ પેમેન્ટમાં સૌથી મોટો પ્રશ્ન વિશ્વસનીયતાનો છે. નાણાં આપનાર કે સ્વીકારનાર વ્યક્તિ એકબીજાને ઓળખતી નથી હોતી તેથી ખતરો હંમેશાં રહેવાનો જ છે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપનીઓ સુરક્ષાના વિવિધ વિકલ્પો શોધતી રહે છે પરંતુ સામે ઘણાં ભેજાંબાજો તેનો ઉકેલ પણ મેળવી લેતા હોય છે.”

અશિક્ષિતોને કોણ શિખવાડશે?
સાયબર ક્રાઈમ અંગે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા મુજબ વર્ષ ર૦૧૪ની તુલનાએ વર્ષ ર૦૧પમાં સાયબર ક્રાઈમના કેસોમાં ૬.૬ ટકાનો વધારો નોંધાયો છે. વર્ષ ર૦૧૪માં સાયબર ક્રાઈમના ૯૬૦૦ કેસ નોંધાયા હતા. બિનસરકારી આંકડો લગભગ ૩ લાખથી વધારે હતો.

નેશનલ ક્રાઈમ  રેકોર્ડ બ્યૂરોના  મતે વર્ષ ર૦૧પમાં સાયબર ક્રાઈમમાં ગુજરાતમાં ૪૯ કેસો પાડોશીના, ૪૧ કેસ વેપાર-ધંધાના, ર૧ કેસ માનસિક વિકૃતિ ધરાવનારા અને ૧૮ કેસ હેકર્સ વિરુદ્ધ નોંધાયા હતા.

નિષ્ણાતોના મતે ડિજિટલ પેમેન્ટ બાદ ઓનલાઈન છેતરપિંડીના કેસ  વધ્યા છે, કેમ કે શિક્ષિતોને જ સાયબર સિક્યુરિટી વિશે ખબર નથી, ત્યારે અશિક્ષિતોને આ વિશે કોણ શિખવાડશે? લોકોને ઈ-મેઇલ, ઈ-વૉલેટ અને ક્રેડિટ-ડેબિટ કાર્ડની સુરક્ષા માટેની કોઈ જાણકારી નથી. પરિણામે સાયબર ગઠિયાઓ મેદાન મારી જાય છે. તો ગુજરાત પોલીસમાં સાયબર નિષ્ણાતોની ભારે ખોટ છે. જેનો ભોગ અભણ જ નહીં શિક્ષિત લોકો પણ બની રહ્યા છે.

ઓનલાઈન ટ્રાન્જેક્શનમાં ખરાબ અનુભવ
અમદાવાદ હાઈકોર્ટમાં ફરજ બજાવતા એક ક્લાર્કને નોટબંધી પછી ઈ-વૉલેટથી ટ્રાન્જેક્શન કરવામાં ખરાબ અનુભવ થયો હતો. પોતાની સગવડ અને ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે તેમ વિચારીને નાની રકમના એક પેમેન્ટ માટે તેમણે પેટીએમ ઈ-વૉલેટમાં રૂ.૧૦૦૦ ડિપોઝીટ કરાવ્યા. એ પછી પેટીએમમાંથી રૂ.રર૦નું રિચાર્જ કરાવ્યું, છતાં તેમના ઈ-વૉલેટમાંથી પૂરેપૂરા રૂ.૧૦૦૦ ઊપડી ગયા. જોકે તેમને અનેક માથાકૂટ અને ફરિયાદ કરીને બાકીનાં નાણાં પરત તો મેળવી  લીધાં, પરંતુ એ પછી તેમણે તાત્કાલિક પેટીએમથી વ્યવહાર બંધ કરવાનોનિર્ણય કર્યો.

અમદાવાદની વાણી જાની નામની યુવતીને પણ આવો જ ખરાબ અનુભવ થયો હતો. વાણી તેના પેટીએમ ઈ-વૉલેટમાં રૂ.પ૦૦ જમા કરાવતી હતી, પરંતુ સર્વર ડાઉન હોવાના લીધે કોઈ કારણસર ઈ-વૉલેટમાં પૈસા જમા થયા નહીં અને બેંકમાંથી પૈસા ડેબિટ થઈ ગયા. વાણી કહે છે, “આ અંગે બેંકને ફરિયાદ કરવી કે પેટીએમને તે મૂંઝવણ અનુભવાઈ. આ અનુભવ પછી પેટીએમ ઉપરથી વિશ્વાસ ઊઠી ગયો છે. હવે પેટીએમને બદલે જરૂરી સમયે કાર્ડ સ્વાઇપકરાવું છું.”

આરોપીઓ સાયબર ક્રાઈમ સેલની પકડથી બહાર
સાયબર ક્રાઈમ કરનારા ભેજાંબાજોને પકડી પાડવા સરકારેે ખાસ સાયબર ક્રાઈમ ટેક્નિકલ સેલ ઊભો કર્યો છે, પરંતુ સાયબર ક્રાઈમ આચરનારાઓ પોલીસના હાથમાં આવતા નથી. રાજકોટ પોલીસ વિભાગના સાયબર ક્રાઈમ સેલના વડા પોલીસ ઈન્સ્પેક્ટર એન. એન. ઝાલા કહે છે, “નોટબંધી પછી સાયબર ક્રાઈમમાં સામાન્ય વધારો થયો છે. સામાન્ય દિવસોની સરખામણીએ દરરોજ બે-ત્રણ કેસ વધ્યા છે.

જેમાં મોટાભાગે એટીએમ કાર્ડના નંબર મેળવી, ઓટીપી લઈને પૈસા ખાતામાંથી ઉપાડી લીધાના કેસ સામે આવ્યા છે તો એકાદ કેસ ઈ-વૉલેટમાંથી પૈસા ઊપડી ગયાનો આવ્યો છે. હવે ઈ-પેમેન્ટ સિવાય છૂટકો નથી એવું સમજી ઘણા નવા નિશાળિયા અખતરા કરવામાં હેકર્સનો ભોગ બને છે. નવું છે એટલે ભૂલ થાય તે સ્વાભાવિક છે પરંતુ શિક્ષિત લોકો પણ ભૂલ કરે છે. લોકોમાં જાગૃતિ નથી. આવું તમારી સાથે થાય તો તાત્કાલિક બેંકમાં જઈ ફરિયાદ નોંધાવી

પાસબુકમાં એન્ટ્રી કરાવી લેવી. એ પછી એક અરજી સાયબર સેલમાં આપવામાં આવે તો વધીને ર૪ કલાકમાં કેસનો ઉકેલ આવે છે. ઘણા મોટા લોકો પણ ચીટર ટોળકીના સાણસામાં આવી જાય છે પરંતુ પોતાની આબરુના ધજાગરા ન થાય તે માટે તે કોઈને કહેતા નથી અને ફરિયાદ કરવાનું ટાળે છે. ઘણા કેસમાં ઘરના જ ઘાતકી બને છે. એક કેસ એવો આવ્યો હતો કે એક ભાઈએ તેના જ નાના ભાઈને મોબાઈલમાં પેટીએમમાં એકાઉન્ટ ખોલાવી આપી વૉલેટમાં રૂ.૧૦૦૦ જમા કરાવવા પોતાનું ડેબિટ કાર્ડ અને પિન નંબર આપી દીધા. જેનો નાના ભાઈએ ગેરલાભ ઉઠાવી મોટાભાઈની જાણબહાર પોતાના માટે રૂ.૧૦ હજારની વસ્તુ મગાવી લીધી હતી. સાયબર ગુનેગારોનો તમે  શિકાર ન બનો તે માટે તમારા કાર્ડનો પિન, સીવીસી નંબર અને ઓટીપી ગુપ્ત રાખવા. લોભામણી અને લાલચુ સ્કીમમાં ન આવો તેની પણ તકેદારી રાખવી.”

રાજકોટ ક્રાઈમ સેલમાં ર૮ ડિસેમ્બર સુધીમાં એટીએમ નંબર, પિન અને ઓટીપી મેળવી નાણાકીય છેતરપિંડીના ૧૮પ કેસ નોંધાયા હતા. જેમાંથી રર કેસનો નિકાલ કરી પોલીસને  રૂ.૯૬ હજારથી વધુ નાણાં પરત મેળવવામાં સફળતા મળી છે. આ બધા ફ્રોડના કેસ દિલ્હી, બિહાર, ઝારખંડ બાજુથી થયાનું પ્રકાશમાં આવ્યું હતું. તો સોશિયલ મીડિયા મારફત લોભામણી સ્કીમમાં આવ્યા હોય તેવા ૬૭ કેસ નોંધાયા હતા. જેમાં સર્વરના માધ્યમથી ૧૮ કેસ ઉકેલાયા છે. જે ગુનેગારો સૌરાષ્ટ્રના જ અને પરિવારજનો જ હોવાનું માલૂમ પડ્યું હતું.

બેંક અધિકારી બોલું છું, તમારા ડેબિટ કાર્ડની મુદત પૂરી થઈ ગઈ છે. આવા ફોન હવે આવતા બંધ થઈ ગયા છે, કેમ કે નોટબંધી પછી દરેક એટીએમની બહાર લોકોની કતારો રહે છે. જેની વચ્ચે આવા ગુનેગારોને એટીએમમાંથી નાણાં ઉપાડવા માટે સમય મળતો  નથી. તો લોકો પણ તેના ખાતાની વિગતો મેળવતા રહે છે તેમ ઝાલાએઉમેર્યું હતું.

ગુનાઓમાં વધારો થવાની શક્યતા
એસોચેમના એક સંયુક્ત અભ્યાસ મુજબ ભારતમાં ઓનલાઈન પેમેન્ટ ગેટ-વે અને મોબાઈલ સંબંધિત છેતરપિંડીઓમાં ૬૦-૬પ ટકા સુધીનો વધારો આવતા એક વર્ષ દરમિયાન આવી શકે છે. મોબાઈલ ફોનને લગતા ગુનાઓમાં મોટો વધારો થવાની દહેશત આ અભ્યાસમાં વ્યક્ત કરવામાં આવી છે, કેમ કે ઓનલાઈન વ્યવહારોના આશરે ૪૦-૪પ ટકા વ્યવહારો મોબાઈલ ફોન મારફત થાય છે.

બીજી તરફ છેલ્લાં ત્રણ વર્ષોમાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડ અંગેની છેતરપિંડીઓમાં છ ગણો વધારો થયો છે. ફેસબૂક જેવી સોશિયલ મીડિયા વેબસાઈટો પર મોર્ફ કરેલ પિક્ચર મૂકવા જેવા કિસ્સાઓ કરતાં વધુ કિસ્સા ઓનલાઈન બૅકિંગ અને ક્રેડિટ-ડેબિટ કાર્ડ અંગેના બને છે, જે ભારે ચિંતાનો વિષય છે. ભારતમાંં મોબાઈલ ફોન દ્વારા છેતરપિંડીઓ સાયબર ગુનાઓમાં ર૧ ટકા, ઈ-મેઇલ આઈડીની વિગતોની તફડંચી ૧૮ ટકા અને પરેશાન કરતા ફોન કૉલ્સ અને મેસેજ ૧ર ટકા જેટલા છે.

યુનાઈટેડ સ્ટેટસ ઓફ અમેરિકા (યુએસએ)ની સાયબર ક્રાઈમ વિશે સંશોધન કરતી કંપની  ફાયર આઈએ પણ કૅશલેસ વ્યવહારને ખતરો ગણાવ્યો છે. નોટબંધી પછી દરરોજ  પેટીએમ મારફત સાત મિલિયન ટ્રાન્ઝેક્શન થકી રૂ. ૧.રપ બિલિયનના વ્યવહાર થયા છે. પે-યુ મનીના માધ્યમથી દરરોજ ૧.ર મિલિયનથી ર.પ મિલિયનની ચુકવણી થઈ છે.

આટલા મોટા વ્યવહાર ઉપર ભેજાંબાજ હેકર્સની નજર હોય જ છે. આવી ઘણી ટોળકીઓ નાણાં પડાવવા એકથી વધુ ફેક એકાઉન્ટ બનાવીને એટેક કરે છે.

જાણકારી વગર કૅશલેસ ટ્રાન્જેક્શન ખતરા સમાન
અમદાવાદના સુભાષબ્રિજ નજીક રહેતા વેપારી વિદ્યાનંદ દોષને એક ગઠિયાએ બેંક મેનેજર તરીકે ઓળખ આપી રૂ.૩૯૦૦૦ની ઠગાઈ કરી હતી. એક વ્યક્તિએ કેનેરા બેંકના મેનેજર તરીકે ઓળખ આપી કહ્યું, “તમારું ડેબિટ કાર્ડ બ્લોક થઈ ગયું છે, તમારો પાસવર્ડ અને આધાર કાર્ડનો નંબર આપો.” વિદ્યાનંદે પાસવર્ડ અને આધાર કાર્ડ નંબર આપી દીધા. થોડા સમય બાદ પેટીએમ પર રૂ.૩૯ હજારનું ટ્રાન્ઝેક્શન થયાનો મેસેજ આવ્યો ત્યારે ખબર પડી કે તેમની સાથે છેતરપિંડી આચરાઈ છે. એ પછી તેમણે આ અંગેની ફરિયાદનોંધાવી હતી.

રાજકોટના સાયબર સિક્યોરિટી એક્સપર્ટ ડૉ. રતીશ કક્કડ કહે છે, “પૂરતી જાણકારી વિના લોકો એક ગાડરિયા પ્રવાહની જેમ કૅશલેસ ટ્રાન્ઝેક્શન તરફ વળ્યા છે તે આગામી દિવસોમાં ભારે જોખમી પુરવાર થઈ શકે છે. મોબાઈલ ધરાવતા લોકોમાંથી ૯૮ ટકા લોકો મોબાઈલ બેંકિંગ સુરક્ષિત કઈ રીતે કરી શકાય તે જાણતા નથી. ઈન્ટરનેટ બેંકિંગ પણ કઈ રીતે સુરક્ષિત કરી શકાય તે મોટા ભાગના યુઝર્સ જાણતા નથી ત્યારે સાયબર ક્રાઈમ વધવાની સંભાવના વધી જાય છે. ઈન્ટરનેટ બેંકિંગમાં બેઝિક વસ્તુ એ છે કે એચટીટીપીએસ સર્ચમાં આવે છે કે નહીં તે જોયા પછી ટ્રાન્ઝેક્શન કરવું જોઈએ, કારણ કે તે સંપૂર્ણ સુરક્ષિત છે. એસોચેમ જેવી સંસ્થાએ એક અહેવાલમાં ભારતમા ૬પ ટકા સાયબર ક્રાઈમ વધશે તેવી ચેતવણી આપી છે.”

તેઓ ઉમેરે છે કે, ” જેને ઈન્ટરનેટમાં હિસ્ટ્રી ડિલીટ કરતા બરાબર નથી આવડતું  તેવા લોકો ઈ-ટ્રાન્ઝેક્શન કરવા તરફ વળ્યા છે. આવા વ્યવહારો સમયની માગ મુજબ જરૂર કરવા જોઈએ પણ પૂરી સાવધાની રાખવી જરૂરી છે. જાણીને નવાઈ લાગશે કે કૅશલેસ વ્યવહારો માટેની એક પણ એપ. સંપૂર્ણ સુરક્ષિત નથી. ઈન્ટરનેટ પરથી ખાનગી કંપનીના એપ. ડાઉનલોડ કરવામાં આવે છે પણ આવી કંપનીઓ પાસે તમારો ડેટા સ્ટોર થતો હોય છે. કોઈ ખાનગી કંપની આવા ડેટાનો દુરુપયોગ ના કરે તેની શું ખાતરી ? થર્ડ પાર્ટી પાસે તમારો પિન ખૂબ આસાનીથી આવી શકે છે. સાયબર ક્રાઈમ અટકાવવા માટેના પૂરતા કાયદાઓનો અભાવ છે તો બીજી તરફ લોકોમાં પૂરી જાણકારી નથી તે સૌથી મોટો ચિંતાનો વિષય છે.

સાવચેતી રાખવી જરૂરી છે
ઓનલાઇન લેવડદેવડ વખતે ઘણી વાર લોકો જે સૂચનાઓ આવે છે તેને ધ્યાનથી વાંચતા નથી અને નેક્સ્ટ પર ક્લિક કરીને આગળ વધતા રહે છે. આવું કરનાર લોકોના પૈસા ફસાઇ જાય છે. પાછા મેળવવા માટે ઘણી વાર લાંબી પ્રોસેસ પણ કરવી પડે છે. છેલ્લાં પાંચ વર્ષથી ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરનાર હર્ષદ પરમાર કહે છે, “તેમને ક્યારેય કોઇ તકલીફ પડી નથી. સામાન્ય રીતે ઓનલાઇન પેમેન્ટ સેફ હોય છે અને ઝડપથી થઇ જાય છે પરંતુ આવું કરતી વખતે અપાતી સૂચનાઓને ખૂબ જ ધ્યાનથી વાંચવી જોઇએ. એક વાર રેલવેની ટિકિટ બુક કરાવતી વખતે પૈસા તો જમા થઇ ગયા પરંતુ ટિકિટ બુક થઇ નહીં.  હવે સમસ્યા એ થઇ કે એકાઉન્ટમાં પૈસા ખલાસ થઇ ગયા હતા. હવે ટિકિટ બૂક કરાવવાની સમસ્યા ઊભી થઇ ગઇ. જે પૈસા જમા થયા તે પાછા તો મળી જાય છે પરંતુ તે પરત આવતા અઠવાડિયું પણ નીકળી જાય. અમુક કંપનીઓ મહિના પછી પણ પૈસા પરત કરતી હોય છે એટલે થોડી સાવચેતી રાખીને જ ઓનલાઇન લેવડદેવડ કરવી જોઇએ.”

ફોનમાં વાઇરસવાળી એપ. હોય તો ફ્રોડ શક્ય
જાણકારો કહે છે કે ડિજિટલ મની વિદેશોમાં ખૂબ જ સારી રીતે ઉપયોગમાં લેવાય છે અને ટેસ્ટેડ ટેક્નોલોજી છે એટલે આપણા દેશમાં પણ તેનો ઉપયોગ કરાય તો તેનાથી ડરવાની જરૂર નથી. જોકે, કેટલીક તકેદારી જરૂર રાખવી પડે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કમ્પ્યૂટર સાયન્સ વિભાગના વડા ડૉ. અપૂર્વ દેસાઇ કહે છે કે “સૌથી મોટો ખતરો વાઇરસ ધરાવતી કોઇ એપ.ને ડાઉનલોડ કરવાનો છે. જો કોઇ અજાણ્યા સોર્સથી એપ. ડાઉનલોડ કરી હોય અને તેમાં વાઇરસ હોય તો તમારો તમામ ડેટા ચોરાઇ શકે છે અને તેનો ખોટો ઉપયોગ થઇ શકે છે.”

સુરતસ્થિત સાયબર સિક્યોરિટીના જાણકાર મિતેશ લાડ કહે છે કે,”તમારો ફોન  તમારો નથી રહેતો પરંતુ દરેક એક્ટિવિટી પર હેકરની નજર રહે છે એટલે તમારા એકાઉન્ટમાંથી પૈસા પણ ગાયબ થઇ શકે. તમારી વાતચીત પણ તેઓ સાંભળી શકે.”

કૅશલેસના ગેરફાયદા
કૅશલેસ વ્યવહારમાં સૌથી મોટું જોખમ ઓળખ ચોરાઈ જવાનું રહે છે. શિક્ષિત લોકો પણ છેતરપિંડીના છટકામાં સપડાઈ જાય  છે. ત્યારે ડિજિટલ પ્લેટફોર્મને કારણે વધુ ને વધુ લોકો પર હેકિંગનું જોખમ તોળાઈ રહ્યું છે, કેમ કે સુરક્ષામાં અનેક છીંડાં છે. ડિજિટલ પ્લેટફોર્મમાં ત્રણ પેઢીને એક કૂદકે સાથે લઈ આવવાનુંં કામ કપરું છે. જૂના લોકોને વધારે તકલીફ પડી રહી છે. હજુ ભારતમાં વર્ષ ર૦૧૬ સુધીમાં ઈન્ટરનેટનો વ્યાપ ૩૪.૮ ટકા છે તો બીજું જોખમ એ પણ છે કે કાર્ડ હાથમાં હોય ત્યારે કમાણી કરતાં વધારે ખર્ચ થાય છે.

કૅશલેસના અનેક ખતરા છે પણ તે અંગે સજાગતા રાખવામાં આવે તો છેતરપિંડીથી બચી શકાય છે. કાર્ડ નંબર, પિન નંબર, પાસવર્ડ અને ઓટીપીની માહિતી ગુપ્ત રાખવી. કંઈ પણ શંકાસ્પદ લાગે તો તુરંત જ પાસવર્ડ બદલવા સહિતની સુરક્ષાનાં પગલાં લેવાં. ઈ-વૉલેટમાં વધુ પૈસા ન રાખવા જોઈએ.

ઓનલાઈન ફ્રોડમાં વળતરની જોગવાઈ
ઓનલાઈન નાણાકીય ઠગાઈના કિસ્સામાં પાંચ કરોડ સુધીનું વળતર ગ્રાહકને મળી શકે છે. અધિનિયમની કલમ ૪૩  મુજબ એડજડિકેટિંગ ઓફિસર સમક્ષ ભોગ બનનારી વ્યક્તિ રૂ.પાંચ કરોડ સુધીનું વળતર મેળવવા માટેની દાદ માગી શકે છે.કમ્પ્યૂટર સિસ્ટમને નુકસાન કરવા બદલ ભારે દંડ અને વળતરની જોગવાઈ છે. રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી સચિવને એડજડિકેટિંગ ઓફિસર તરીકે જાહેર કરાયા છે. જેઓને સિવિલ કોર્ટની સત્તા અપાઈ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં આવા ઓફિસર સમક્ષ ૧૩ અરજી આવી છે. જેમાંથી ૧૧ અરજીનો નિકાલ થઈ ગયો છે. જેમાંથી પાંચ અરજીઓમાં વળતર આપવાના હુકમો પણ કરાયા છે. અમદાવાદમાં જો કોઈ વ્યક્તિ સાયબર ક્રાઈમનો ભોગ બને તો પોલીસ ફરિયાદ કરવા ઉપરાંત એડજડિકેટિંગ ઓફિસર સચિવ, વિજ્ઞાન અને ઔદ્યોગિક વિભાગ બ્લોક નંબર-૭ના પાંચમા માળની કચેરી ખાતે વળતર મેળવવા માટે અરજી કરી શકાય  છે. આ વિભાગની સત્તાવાર વેબસાઈટ ઉપર પણ બનાવોના સંદર્ભની માહિતી-માર્ગદર્શન આપતી વિગતો મૂકાઈ છે.

હેલ્પલાઈન ‘ડાયલ ૧૪૪૪૪’થી હેલ્પ મેળવો
ડિજિટલ પેમેન્ટ વિશેની તમામ પૂછપરછ માટે હવે રાષ્ટ્રીય સ્તરે ૧૪૪૪૪ નંબર સાથેની હેલ્પલાઈન સરકાર દ્વારા ટૂંંક સમયમાં જ શરૂ કરાશે. ટેક્નોલોજી ક્ષેત્રની અગ્રણી સંસ્થા નેશનલ એસોસિયેશન ઓફ સોફટવેર એન્ડ સર્વિસીસ કંપની (નાસ્કોમ), દેશના ટેલિકોમ ઓપરેટરો તથા નેશનલ ઈન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા (નીતિ આયોગ) સાથે મળીને આ સર્વિસ શરૂ કરવાનું નક્કી કર્યું છે. સાથે સાથે ૧૦ લાખ પોઈન્ટ ઓફ સેલ મશીનની આયાત કરાશે. ડિજિટલ પેમેન્ટને વેગ આપવા માટે વપરાશકારોને સવલતો તથા સ્માર્ટફોન માટે સબસિડી આપવા વિશે સરકાર વિચારી રહી છે.

કાળું નાણું સાફ કરવાની કવાયતમાં કેન્દ્ર સરકાર એ ભૂલી ગઈ કે કૅશના અભાવે કૅશલેસ થવામાં કેટલાં જોખમનો સામનો કરવાનો છે. ગુનો ઉકેલવામાં આપણે તદ્દન અસમર્થ છીએ. ખાટલે મોટી ખોડ એ છે કે લોકલ પોલીસ પાસે આ પ્રકારના ગુના શોધવાની કોઈ સ્કિલ જ નથી. મોટાભાગના છેતરપિંડીના ગુનાઓ પ્રોક્સી સર્વર પરથી થતા હોય છે. ડિજિટલ ફ્રોડ અને વીઓઆઈપીના મોટાભાગના ગુના પકડવા પોલીસ માટે શક્ય નથી.  સાયબર ક્રાઈમ સેલના કુલ સ્ટાફની સરખામણીએ હેકર્સની સંખ્યા અનેકગણી વધુ હોઈ સાયબર ક્રાઈમ સેલ કારગત નથી નીવડતું. ભારતમાં સાયબર ક્રાઈમ સેલની સંખ્યા માત્ર ર૩ છે !

ડિજિટલાઈઝેશન અને ઈન્ટરનેટ હજુ પણ ભારતની મહદ્ જનસંખ્યા માટે નવીન હોવાથી લોકોને આ વિકલ્પની સમજ અને સાવચેતીનાં પગલાં વિશે સમજાવવાની જરૂર છે, જેથી કહેવાતા સારા નિર્ણયની અસરો અને પરિણામો પણ સારાં આવી શકે.
પૂરક માહિતીઃ દેવેન્દ્ર જાની- રાજકોટ

કેવી રીતે થાય છે ઓનલાઈન પેમેન્ટ ?
કોઈ પણ ઈ-કોમર્સ વેબસાઈટ કે મોબાઈલ એપ્લિકેશન પર જ્યારે ચુકવણીની પ્રક્રિયા શરૂ થાય છે ત્યારે ઉપયોગકર્તાએ તેની ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડની વિગતો આપવાની રહે છે. આ ઈ-કોમર્સ વેબસાઈટ કે એપ્લિકેશનને મર્ચન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ તમામ વિગતો મર્ચન્ટ પેમેન્ટ ગેટવે નામની એક સુવિધાને ગુપ્ત સંદેશા સ્વરૂપે આપે છે. પેમેન્ટ ગેટવેનું કામ એટલું હોય છેે કે મર્ચન્ટ તરફથી મળતી વિગતો જે બેંકની હોય તે બેંકનો સંપર્ક કરી જે-તે વ્યક્તિના ખાતામાંથી પૈસા લઈ મર્ચન્ટના ખાતામાં પહોંચાડવા અને પૂરતી રકમ વ્યક્તિના ખાતામાં ન હોય તો ટ્રાન્ઝેક્શન રદ કરવું. પેમેન્ટ ગેટવે સંદેશાને એન્ક્રિપ્ટ કરીને જ વિવિધ વ્યવહારો કરે છે. વિઝા, માસ્ટરકાર્ડ, પેપલ, ડિજિકૅશ, બિટપે જેવી ઘણી કંપનીઓ પેમેન્ટ ગેટવેની સુવિધા આપે છે. આ પેમેન્ટ ગેટવેનું સંચાલન કરનારી કંપનીની સુરક્ષા જેટલી સઘન તેટલો સાયબર ક્રાઈમનો ભય ઓછો રહે છે. ગ્રાહકનું કમ્પ્યૂટર અથવા સ્માર્ટફોન, મર્ચન્ટ વેબસાઈટ અથવા એપ્લિકેશન, પેમેન્ટ ગેટ-વે અને બેંકનું સર્વર આટલી બધી કડી એક ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં જોડાઈને કામ કરતી હોવાથી જે કડી નબળી પુરવાર થાય ત્યાં ડિજિટલ ફ્રોડ થવાનો ભય રહેતો હોય છે.

જાણીતા ઈ-વૉલેટ અને તે કંપનીની વિગતો
પેટીએમ : હવે પેટીએમ વિશે કોઈ ઓળખ આપવાની જરૂર નથી. વિમુદ્રીકરણ બાદના સમયમાં સૌથી વધુ લોકોનું ધ્યાન પેટીએમ તરફ ખેંચાયું છે. મોબાઈલ રિચાર્જ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ તરીકે શરૂ થયેલી આ વેબસાઈટ હવે ઈ-કોમર્સ, ટ્રાવેલ બુકિંગથી લઈને ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં મધ્યસ્થી તરીકેની સેવા આપી રહી છે. વિજય શંકર શર્મા નામની વ્યક્તિએ આ કંપની શરૂ કરી હતી, હાલ રતન તાતા પણ આ કંપનીમાં વ્યક્તિગત રોકાણ ધરાવે છે.

પે-યુ-મની : હજુ થોડા મહિના પહેલા જ શરૂ થયેલી આ સેવા વિવિધ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે ઈ-વૉલેટની સુવિધા પૂરી પાડે છે. મોટાભાગની ઈ-કોમર્સ વેબસાઈટ પર આ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ ઉપરાંત આ સુવિધાના માધ્યમથી પેમેન્ટ કરવાનો વિકલ્પ આવે છે. અન્ય હરીફો સામે ટકી રહેવા માટે આકર્ષક ડિસ્કાઉન્ટ અને વૉલેટ ઓફર્સની સ્કીમ પણ આપવામાં આવે છે. આ કંપની ભારતની જ છે.

મોબિક્વિક : મોબાઈલ, ડીટીએચ અને વીજળી બિલની ચૂકવણીની મોબાઈલ એપ્લિકેશન તરીકે મોબિક્વિકની શરૂઆત કરવામાં આવી હતી. હાલ આ કંપની ઈ-વૉલેટ અને ઈ-કોમર્સને લગતી કેટલીક સુવિધાઓ પણ આપે છે. નોટબંધી બાદ આ કંપની દેશનાં કેટલાંક શહેરોમાં કૅશ કલેક્શન અને કૅશ ડિલિવરીની સુવિધા પણ આપે છે.

સાઈટ્રસ પે : સાઈટ્રસ-પે પેમેન્ટ ગેટ-વે તરીકે કામ કરતી એક કંપની હતી જે હાલ ઈ-વૉલેટ ક્ષેત્રે પણ સુવિધા આપી રહી છે. ઉપરાંત કેટલીક દુકાનો પણ હવે સાઇટ્રસના માધ્યમથી નાણાકીય વ્યવહારો કરે છે.

એસબીઆઈ-બડી  : એસબીઆઈ જૂથની આ ઓનલાઈન સેવા બિલ ચુકવણી, પૈસાની ટ્રાન્સફર, રિચાર્જ તેમજ ઈ-વૉલેટની સુવિધા આપે છે.

સિટી માસ્ટરપાસ : સિટી બેંક દ્વારા સંચાલિત આ સેવા પણ ઈ-વૉલેટ તેમજ તેને સંલગ્ન વિવિધ સેવાઓ આપે છે.
http://sambhaavnews.com/

You might also like