રોકડની પ્રવાહિતા વધતાં ડાયમંડ બજારમાં ફરી ધમધમાટની શરૂઆત

અમદાવાદ: નોટબંધીને ત્રણ મહિના કરતાં પણ વધુનો સમય થઇ ગયો છે. અગાઉ રોકડની ક્રાઇસિસ હતી તેમાં મોટા અંશે રાહત થઇ છે અને બજારમાં રોકડની પ્રવાહિતા વધી છે. પાછલાં બે-ત્રણ સપ્તાહમાં વધતી જતી રોકડની પ્રવાહિતાના પગલે ડાયમન્ડ બજારમાં પણ તેની અસર જોવા મળી છે અને ડાયમંડ બજારમાં ફરી કારોબારની શરૂઆત થઇ છે.

મુંબઇ સુરત તથા સ્થાનિક બજારમાં પાછલાં બે સપ્તાહમાં રફ ડાયમંડની વધતી માગના પગલે ભાવમાં પણ બે ટકાનો વધારો થયો છે. દુનિયામાં ૮૦ ટકા ડાયમંડ પોલિશિંગનું કામકાજ ભારતમાં થાય છે. શહેર સહિત સુરતમાં રોકડની પ્રવાહિતા વધતાં રોકડમાં સોદા કરતા નાના એકમો ખૂલી રહ્યાં છે.

ડાયમંડ બજારના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે અમેરિકામાં આ વખતે ડાયમંડ જ્વેલરીની માગ વધવાની શક્યતા જોવાઇ રહી છે. એટલું જ નહીં રફ ડાયમંડની માઇનિંગ કંપનીઓ પણ ઊંચી માગને પહોંચી વળવા તૈયારીઓ કરી રહી છે. આ વખતે વૈશ્વિક ઉત્પાદન પાંચથી દશ ટકા વધે તેવી સંભાવના છે. તો બીજી બાજુ નોટબંધી બાદ જે ડાયમંડના કારખાનાં બંધ થઇ ગયાં હતાં તેમાં ફરી રોકડની પ્રવાહિતતા વધતાં ફરી ધમધમાટ શરૂ થયો છે. અમદાવાદ ડાયમંડ જ્વેલર્સ એસોસિયેશનના પ્રેસિડેન્ટ પરસોતમ સુતરિયાના જણાવ્યા પ્રમાણે નોટબંધી બાદ અન્ય કારોબારની સાથે ડાયમંડ બજારમાં પણ તેની અસર જોવાઇ હતી, પરંતુ રોકડની પ્રવાહિતા વધતાં ફરી કારોબાર વધ્યો છે.
http://sambhaavnews.com/

You might also like