દેશનાં કેટલાંક રાજ્યના ATMમાં કેશ ક્રાઈસિસઃ RBIની બેન્કો સાથે બેઠક

મુંબઇ: દેશના કેટલાંય રાજ્યોમાં રોકડની ફરિયાદોના પગલે નાણાં વિભાગે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, વિવિધ બેન્કના ઉચ્ચ અધિકારી તથા રાજ્યના ઉચ્ચ અધિકારી સાથે એક બેઠક કરીને એટીએમમાં રોકડની ઉપલબ્ધતા બાબતે સમીક્ષા કરી હતી.
ઉલ્લેખનીય છે કે દેશમાં કેટલાક રાજ્યમાં રોકડની અછત પ્રવર્તી રહી છે તેવી કેટલાંક રાજ્યો તરફથી આરબીઆઇને ફરિયાદ મળી છે. ખાસ કરીને એટીએમમાં રોકડ ન મળતી હોવાની ફરિયાદો બહાર આવી છે.

મધ્યપ્રદેશના એટીએમમાં પણ રોકડની પ્રવાહિતાનો અભાવ જોવા મળ્યો છે. સાથેસાથે બિહાર, આંધ્રપ્રદેશ, તેલંગણાના એટીએમમાં પણ રોકડ નહીં હોવાની ફરિયાદો બહાર આવી છે. ગુજરાતમાં પણ કેટલાક પ્રદેશોમાં એટીએમમાં રોકડ નહીં હોવાની ફરિયાદો બહાર આવી છે.

એસબીઆઇના ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે જે રાજ્યોની કરન્સી ચેસ્ટમાં રોકડની કમી છે તેવા સમાચાર મળી રહ્યા છે તે પ્રદેશોમાં વધારાની રોકડ મોકલાઇ રહી છે, જેના કારણે ફરિયાદો ઉકેલી શકાય તથા એટીએમમાં રોકડ મૂકી શકાય.

ઉલ્લેખનીય છે કે હાલ દેશના અર્થતંત્રમાં ૧૮.૦૪ લાખ કરોડ રૂપિયાની ચલણી નોટો ફરી રહી છે તથા અર્થવ્યવસ્થા જે રીતે સુધરી રહી છે તેની સરખામણીમાં ચલણમાં નોટોની સંખ્યામાં વધારો નથી નોંધાયો એટલું જ નહીં દેશનાં કેટલાંક રાજ્યોમાં આવી રહેલી ચૂંટણીના કારણે પણ ચલણી નોટોની જમાખોરી થઇ હોવાની વિગતો બહાર આવી છે અને તેના કારણે તેની અસર દેશનાં અન્ય રાજ્યોમાં પણ જોવા મળી છે.

આ અંગે મહાગુજરાત એમ્પ્લોઇઝ બેન્ક એસોસિયેશનના અગ્રણીના જણાવ્યા પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પણ એટીએમમાં રોકડના અભાવની ફરિયાદો મળી રહી છે. આ અંગે અમે ઉચ્ચ અધિકારીઓને વાકેફ પણ કર્યા છે.

You might also like