કેટલાક કેસમાં પોલીસ ફરિયાદ નથી લેતી તો સાચા આંકડા ક્યાંથી આ‍વે

અમદાવાદ: શહેરમાં દિન-પ્રતિદિન હત્યા, હત્યાની કોશિશ, ચોરી અને બળાત્કારના ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યાં શહેર પોલીસ દ્વારા તેઓના ફેસબુક પેજ (Ahmedabad City Police)માં ૫૩ મેગા સિટીના ક્રાઈમ રેટમાં પોતે ક્યા ગુનામાં કેટલી રેન્ક પર છે તેની માહિતી પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં અમદાવાદીઓએ કોમેન્ટ લખી અને પોલીસના ક્રાઈમ રેટની રેન્ક પર સવાલો ઊભા કર્યા છે.

થોડા સમય પહેલાં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના ૨૦૧૫ના આંકડા બહાર પડ્યા હતા. જેમાં ગુજરાતમાં ગુનાખોરીમાં અમદાવાદ અગ્રેસર હોવાનું બહાર આવ્યું હતું. આ આંકડા બહાર પાડ્યા બાદ શહેર પોલીસે પોતાના ફેસબુક પેજ પર પોતાની રીતે એનસીઆરબીનું એનાલિસિસ કરી અમદાવાદમાં હત્યા, ચોરી, બળાત્કાર, ખંડણી-અપહરણ, હત્યાના પ્રયાસ, તોફાનો વગેરેમાં ૫૩ મેગા સિટીમાંથી પોતાની કેટલામી રેન્ક છે તે દર્શાવતી માહિતી પોસ્ટ કરી છે.

સામાન્ય રીતે પોલીસ ફેસબુક પેજ ઉપર ખાસ કાંઈ પોસ્ટ કરતી નથી. લોકો કોમેન્ટ પણ નથી કરતા, પરંતુ શહેરમાં ગુનાખોરીમાં પોલીસનો કેટલામી રેન્ક છે તેની પોસ્ટ મૂકતાં જ અમદાવાદીઓએ પોતાના પ્રતિભાવો આપી પોલીસ ફરિયાદ ન લેતી હોવાનું અને રેન્ક ઉપર પ્રશ્નો ઉઠાવ્યા હતા.

પોલીસના ફેસબુક પેજમાં અમદાવાદીઓએ રોષ ઠાલવતાં કોમેન્ટ કરી છે રિકી વાઘેલા નામના ફેસબુક યુઝરે કોમેન્ટ કરી કે સરખેજ પોલીસ સ્ટેશનનો ખૂબ જ ખરાબ અનુભવ ફરિયાદીમાંથી અપરાધી બનાવી દીધો. સુભાષ નેગી નામના ફેસબુક યુઝરે કોમેન્ટ કરતાં જણાવ્યું હતું કે તમે આ રેન્કને સારી ગણો છો ? ગૌરવ જોશી નામના ફેસબુક યુઝરે જણાવ્યું હતું કે આ તો અંગ્રેજીમાં ૧૦૦માંથી ૬૫ લાવવા બદલ પોતાની જાતે જ અભિનંદન આપવા જેવું છે. શહેર પોલીસ ફેસબુક પેજ પર કોઈ પણ પોસ્ટ કરે છે અને લોકો તેમાં કોમેન્ટ કરી સવાલો પૂછે છે તો પોલીસ દ્વારા તેનો કોઈ જ વળતો જવાબ આપવામાં આવતો નથી.

You might also like