ફોરેન્સિક લેબોરેટરીમાં કેસોનો ભરાવો નોંધપાત્ર વધી રહ્યો છે

ગાંધીનગર: ગાંધીનગર ખાતેની ફોરેન્સિક સાયન્સ લેબમાં પેન્ડિંગ કેસોનો ભરાવો જોવા મળી રહ્યો છે. સ્ટાફના અભાવના કારણે પેન્ડિંગ રહેલા કેસોની સંખ્યામાં ઉલ્લેખનીયરીતે વધારો થયો છે. વર્ષ ૨૦૦૯-૧૦માં ૫૫૨ કેસો મળ્યા હતા જે પૈકી ૫૫૧ કેસોને ઉકેલવામાં આવ્યા હતા અને માત્ર એક જ પેન્ડિંગ કેસ રહ્યો હતો જેની સામે વર્ષ ૨૦૧૫માં મળેલા કેસોની સંખ્યા ૫૫૯ રહી છે જે પૈકી ૩૭૧ કેસોને ઉકેલવામાં આવ્યા છે જ્યારે ૧૮૮ કેસો હજુ પેન્ડિંગ રહેલા છે.

સત્તાવાળાઓ સ્ટાફ કટોકટીને આના માટે જવાબદાર ગણે છે. સત્તાવાળાઓનું કહેવું છે કે, છેલ્લા બે વર્ષથી સ્ટાફની કટોકટી પ્રવર્તી રહી છે. ગાંધીનગર ફોરેન્સિક લેબને દેશમાં સર્વશ્રેષ્ઠ પૈકીની એક લેબ તરીકે ગણવામાં આવે છે. છેલ્લા સાત વર્ષના ગાળામાં કેસોની સંખ્યામાં અવિરત વધારો થયો છે. વર્ષ ૨૦૦૮માં ૫૦૭ કેસો મળ્યા હતા અને તમામ કેસોને ઉકેલી લેવામાં આવ્યા હતા જ્યારે ૨૦૦૯માં આ લેબને ૫૫૨ કેસો મળ્યા હતા જે પૈકી એક કેસ પેન્ડિંગ છે.

સત્તાવાળાઓને ૨૦૧૦માં ૫૫૭ કેસ મળ્યા હતા જે પૈકી ચાર કેસ પેન્ડિંગ રહેલા છે. ૨૦૧૧માં ૬૪૮ કેસોને ઉકેલી લેવામાં આવ્યા હતા પરંતુ ૮૦ કેસો પેન્ડિંગ રહી ગયા હતા. ૨૦૧૨-૧૩માં મળેલા ૭૦૪ કેસ પૈકી ૧૬૨ કેસ પેન્ડિંગ રહી ગયા હતા. ૨૦૧૩-૧૪માં ૬૨૬ પૈકી ૧૮૫ કેસ પેન્ડિંગ રહી ગયા હતા. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં કેસના ઇતિહાસ પર નજર કરવામાં આવે તો હવે આ આંકડા ચિંતા ઉપજાવે તે પ્રકારના રહ્યા છે.

સ્ટાફની કટોકટી હોવાની વાત ટોપના અધિકારીઓ પણ કબૂલે છે. સ્ટાફ કટોકટીની વાત કરવામાં આવે તો સંખ્યા ૧૭થી ઘટાડીને માત્ર આઠ કરી દેવામાં આવી છે. દરેક દસ્તાવેજની ચકાસણી કરવા માટે એક વ્યક્તિ માટે એક સપ્તાહનો સમય લાગે છે. પ્રક્રિયા ખુબ લાંબી છે.

You might also like