શારાપોવા પરના પ્રતિબંધનો ચુકાદો ઓક્ટોબરમાં અપાશે

લુસાનેઃ રમત પંચાટે ગઈ કાલે જણાવ્યું કે રશિયાની મહિલા ટેનિસ ખેલાડી મારિયા શારાપોવા પર મુકાયેલા બે વર્ષના પ્રતિબંધ અંગેનો ચુકાદો ઓક્ટોબરમાં આપશે. ૨૯ વર્ષીય રશિયન ખેલાડી પ્રતિબંધિત દવા મેલડોનિયમના સેવન બદલ દોષી ઠરી હતી, આથી તેની પ્રતિષ્ઠાને ઝટકો લાગ્યો હતો. ખેલ પંચાટે કહ્યું, ”પંચાટ ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં મારિયા શારાપોવા અને આંતરરાષ્ટ્રીય ટેનિસ સંઘ વચ્ચે મધ્યસ્થતા કરીને પોતાનો ચુકાદો આપશે.”

શારાપોવાએ એક પ્રેસ કોન્ફરન્સમાં બધાંની સામે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે તેને પોતાની તબિયતના કારણે આ દવાનો ઉપયોગ પાછલાં દસ વર્ષથી કરી રહી હતી. મેલડોનિયમને ૧ જાન્યુઆરી, ૨૦૧૬થી પ્રતિબંધિત કરી દેવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયન ઓપન ૨૦૧૬ દરમિયાન શારાપોવાને મેલડોનિયમના સેવન બદલ દોષી ઠેરવવામાં આવી હતી અને તેના પર બે વર્ષનો પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. આના કારણે કે રિયો ઓલિમ્પિકમાં ભાગ લઈ શકી નહોતી.

પાંચ વારની ગ્રાન્ડ સ્લેમ વિજેતા શારાપોવા પોતાની મોટા ભાગની જિંદગી અમેરિકામાં જ પસાર કરી રહી છે. ટેનિસની સ્ટાર ખેલાડી શારાપોવાએ ૨૦૦૪માં વિમ્બલ્ડન, ૨૦૦૬માં યુએસ ઓપન, ૨૦૦૮માં ઓસ્ટ્રેલિયન ઓપન અને ૨૦૧૨ તેમજ ૨૦૧૪માં ફ્રેંચ ઓપન ખિતાબ જીત્યા હતા. આ ઉપરાંત તે ૩૫ ડબલ્યુટીએ ટાઇટલ પણ જીતી ચૂકી છે.

You might also like