વરસાદમાં પગને ખાસ સાચવજો

વરસાદમાં છત્રી કે રેઇનકોટ પહેરીને આપણે શરીરને પલળતું બચાવી શકીએ છીએ, પરંતુ પગને ગંદા પાણીથી બચાવી શકાતા નથી. પગ જો પાણીમાં સતત પલળતા રહે અથવા ભીના રહે તો તેમાં ફંગલ કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન થવાની શક્યતા ખૂબ વધી જાય છે. ચોમાસામાં પગની સૌથી વધુ કાળજી રાખવી પડે છે.

ફંગલ ઇન્ફેક્શન
જ્યારે પગ વધુ સમય સુધી પાણીમાં રહે ત્યારે ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતા છે. આખા પગ સફેદ થઇ જાય છે અથવા ચામડી ઢીલી થઇ ગઇ હોય એવું લાગે છે. એટલું જ નહીં, પગમાં ચીરા કે વાઢિયાની સમસ્યા હોય તો તે વકરે છે. શૂઝ અને મોજાં સતત ભીનાં રહેતાં હોવાના કારણે ભેજના લીધે થતી ફૂગ જન્મે છે. અંગૂઠા અને આંગળીની વચ્ચેની જગ્યામાં દાદર થઈ શકે છે. પગમાં ખૂબ ખંજવાળ આવી બળતરા થાય છે.

બેક્ટેરિયલ ઇન્ફેક્શન
ચોમાસામાં શૂઝ પહેરનારા લોકોને બેક્ટેરિયલ ઇન્ફેક્શન પણ થઇ શકે છે. જેવાં શૂઝ અને મોજાં ઉતારે કે તરત જ તીવ્ર વાસ આવે છે. આવી વાસ બેક્ટેરિયલ ઇન્ફેક્શનની નિશાની છે. જે જગ્યાએ ભેજ હોય અને તે જગ્યા પેક હોય તો ત્યાં ઝડપથી બેક્ટેરિયાનો ભરાવો થાય છે.

બને ત્યાં સુધી પગ ખુલ્લા રહે તેવાં તેમજ જલદી સુકાઈ જાય તેવાં પ્લાસ્ટિક કે રબરનાં ચંપલ પહેરવાં જોઇએ. ચોમાસામાં કપડાંનાં કે લેધરના શૂઝ પહેરવાનું ટાળો. પગમાં વાઢિયા કે ચીરા પડ્યા હોય તો ચોમાસા પહેલાં તેનો ઇલાજ કરાવવો ખૂબ જરૃરી છે. કોઇ પણ વસ્તુ પગમાં વાગી હોય અને ઘા પડ્યો હોય તો તે પણ ખતરનાક સાબિત થઈ શકે છે. ઈજા પામેલા પગમાં વરસાદનું પાણી ભરાય તો ઇન્ફેક્શન થવાના ચાન્સ અનેક ગણા વધી જાય છે

ડાયાબિટીસ હોય તો ખાસ સંભાળ રાખવી
અમદાવાદના જાણીતા ડાયાબિટોલૉજિસ્ટ ડો. વી.એન.શાહ કહે છે કે, “વિશ્વભરમાં અકસ્માત સિવાય જો પગ કપાવાનું કોઇ કારણ હોય તો તે ડાયાબિટીસ છે. જે વ્યક્તિને લાંબા સમયથી ડાયાબિટીસ રહેતો હોય તેને પગમાં નસોનો પ્રોબ્લેમ હોઇ કોઇ પણ સેન્સેશન આવતું નથી.

ડાયાબિટીસના દર્દીઓને પાણી ગરમ છે કે ઠંડું તેનો પણ ખ્યાલ આવતો નથી, તેમના પગમાંથી સેન્સિટિવિટી ચાલી ગઇ હોવાથી જો પગમાં કોઈ ઇજા થાય તો પણ ખ્યાલ આવતો નથી. તેમને દુખાવો અનુભવાતો નથી તેથી કોઇ દવા લેતા નથી. ઘા પાકીને ગેંગ્રીન થઇ જાય અને પગ કપાવવો પણ પડે તેવી શક્યતા છે. આને ડાયાબિટીક ફૂટની સમસ્યા કહે છે. ડાયાબિટીસના દર્દીઓએ ચોમાસામાં સૌથી પહેલાં તો બહારથી આવીને પગ સાબુ અને બાદમાં ચોખ્ખા પાણીથી સાફ કરવા.

આંગળીઓની વચ્ચેની જગ્યા પણ કોરી કરવી અને ત્યાં એન્ટિ સેપ્ટિક ક્રીમ કે એન્ટિ બેક્ટેરિયલ પાઉડર છાંટવો. આ લોકોએ ચોમાસામાં સ્લીપરના બદલે સ્પોર્ટ્સ શૂઝ કે પગ બંધ રહે એવાં જ ચંપલ પહેરવાં. ડાયાબિટીસના દર્દીઓને ઇન્ફેક્શન ખૂબ જલદી લાગે છે અને એક વાર ઇન્ફેક્શન થઇ જાય પછી તેને મટતા પણ ખાસ્સી વાર લાગે છે. કોઇ પણ પ્રકારના ઇન્ફેક્શનનું રિસ્ક ડાયાબિટીસના દર્દીઓમાં વધુ જોવા મળે છે.

ભૂમિકા ત્રિવેદી

You might also like