કાર્ડથી પેટ્રોલ-ડીઝલ પુરાવતાં ગ્રાહકો હજુ ડિસ્કાઉન્ટથી વંચિત 

અમદાવાદ: કેન્દ્ર સરકારે કેશલેસ પેમેન્ટને પ્રોત્સાહન આપવા પેટ્રોલ-ડીઝલની ક્રેડિટ-ડેબિટ કાર્ડ દ્વારા થતી ખરીદી પર ૦.૭પ ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી હતી. જોકે આજે ૧પ દિવસ પછી પણ કેટલાય ગ્રાહકોને કાર્ડ દ્વારા પેમેન્ટ કરવા છતાં ડિસ્કાઉન્ટ નહીં મળવાની અસંખ્ય ફરિયાદો ઊઠી છે.

૧૦મી ડિસેમ્બરથી કાર્ડથી પેટ્રોલ-ડીઝલ ભરાવતા ગ્રાહકોને ૦.૭પ ટકા ડિસ્કાઉન્ટ આપવાનું અમલી બનાવાયું હતું. જોકે તેનો અમલ અમદાવાદમાં તો ખાસ દેખાતો નથી. પેટ્રોલ પંપના માલિકો જુદી જુદી વાત કરી રહ્યા છે. કેટલાકને ડિસ્કાઉન્ટ કઇ રીતે આપવું તેની જાણ ન થઇ હોવાનું જણાવી રહ્યા છે. બેન્ક અધિકારીઓના જણાવ્યાનુસાર પેટ્રોલ પર ડિસ્કાઉન્ટ આપવાનું કામ જે તે પેટ્રોલ પંપ માલિકનું છે. જ્યારે અર્ધાથી વધુ પેટ્રોલ પંપ માલિકો ડિસ્કાઉન્ટ આપવા બાબતે સ્પષ્ટ નથી. સામાન્ય ગણાતાં ‌ડિસ્કાઉન્ટની સામે ત્રણ દિવસે જે તે ખાતા ધારકને એમાઉન્ટ ૦.૭પ ક્રેડિટ મળવાની વાત હતી. કેટલાય ખાતા ધારકોને અઠવાડિયા પછી પણ ડિસ્કાઉન્ટ મળ્યું નથી.

ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસો.ના પ્રમુખ અરવિંદભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે, ૦.૭પ ડિસ્કાઉન્ટ માટેની વ્યવસ્થામાં ટેકનિકલ કારણોસર ખામી રહી ગઇ હોય તેવી શક્યતા છે. ડિસ્કાઉન્ટ અંગેનો પરિપત્ર કેન્દ્ર સરકારની જાહેરાત બાદ તરત જ મળી ગયો હતો. કેટલાક પેટ્રોલ પંપ પરથી ડિસ્કાઉન્ટ આપી દેવાનું શરૂ કરી દેવાયું છે. પરંતુ જેમ ફરિયાદો આવતી જશે તેમ તેમ નિરાકરણ અંગે કાર્યવાહી કરાશે.
http://sambhaavnews.com/

You might also like