કાર્બાઈડથી બિનધાસ્ત કેરી પકવો, પકડાવ તો મામૂલી દંડ ભરો અને છૂટી જાવ!

અમદાવાદ: અમદાવાદીઓને એ વાત જાણીને ભારે આઘાત લાગશે કે નફાખોર વેપારીઓ આરોગ્ય માટે હાનિકારક પ્રતિબંધિત કેલ્શિયમ કાર્બાઇડનો ઉપયોગ કરીને કેરીઓને પકવે તો પણ કોર્પોરેશન તેમની વિરુદ્ધ ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કોઇ શિક્ષાત્મક કાર્યવાહી કરી શકતું નથી. પરિણામે નફાખોરો કેલ્શિયમ કાર્બાઇડથી કેરી પકવીને પ્રજાના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરે છે અને જ્યારે આ મામલે પકડાય છે તો મામૂલી દંડ ભરીને છૂટી જાય છે. દૂધ, ઘી, હળદર, મરી-મસાલા, મરચાંના પાઉડરમાં ભેળસેળ પકડાય તો જેલની સજાની જોગવાઇ છે, પરંતુ કાર્બાઇડના મામલે નફાખોરોને એક દિવસની પણ જેલની સજા થતી નથી.

ઉનાળાની સિઝનમાં ફળોના રાજા કેરીનો આસ્વાદ માણવા તલપાપડ અાબાલવૃદ્ધોને લેભાગુ વેપારીઓ ઓછા સમયમાં વધુ નફો કમાવી લેવા કેરીના બોક્સમાં કાર્બાઇડની દશ-દશ ગ્રામની પડીકી મૂકીને ઉતાવળે પકવે છે. કાર્બાઇડથી પકવેલી કેરી આરોગવાથી આંતરડાના કેન્સર સહિતના ઘાતક રોગ થતા હોય છે એટલે રાજ્ય સરકાર દ્વારા કાર્બાઇડ પર પ્રતિબંધ મુકાયો છે.

ચાલુ સિઝનમાં પહેલી વખત કોર્પોરેશને ગઇ કાલે કાલુપુર-નરોડા અને દાણાપીઠ ફ્રૂટ માર્કેટમાં ત્રાટકીને કુલ સાત કિલો કાર્બાઇડનો જથ્થો જપ્ત કર્યો છે, પરંતુ કાર્બાઇડનો જથ્થો રાખનાર વેપારી પાસેથી ફક્ત એક હજારથી આઠ હજારનો મામૂલી દંડ લેવાયો છે. આટલી દંડની રકમ તો ફ્રૂટ બજારના વેપારીના રોજબરોજના ચા-નાસ્તાની થતી હોય છે એટલે નફાખોર વેપારીના મન કે મગજમાં તંત્રનો કોઇ ફફડાટ જ રહેતો ન હોવાથી પ્રતિબંધિત કાર્બાઇડનો બેફામ ઉપયોગ થઇ રહ્યો છે. મણિનગર-ઉત્તમનગરના ચિરાગ કેરી ભંડારના વેપારી ગોપાલ મૂલચંદાણી અને ભગવતી કેરી ભંડારના વેપારી વાસુ નેહલાણી એમ બે વેપારીના કાચા મંડપમાંથી વાસી કેરીનો જથ્થો પકડી તેનો નાશ કરીને મ્યુનિ. હેલ્થ વિભાગે કર્તવ્યની ઇતિશ્રી કરી છે. શહેરમાં ઠેરઠેર કાચા મંડપની હાટડીઓ ખૂલી હોઇ આરોગ્યને નુકસાનકારક વાસી, સડેલી કેરીઓ ‘કેસર’ કેરીના નામે ભોળી જનતાને પધરાવતા લેભાગુઓ પ્રત્યે પણ તંત્ર નરમી દાખવી રહ્યું છે.

નફાખોરો સામે આકરાં પગલાં લેવા તંત્ર રાજ્ય સરકારને દરખાસ્ત કરશે
મ્યુનિ. હેલ્થ વિભાગના ઇન્ચાર્જ વડા ડો. ભાવિન સોલંકી કહે છે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળના નિયમો કાર્બાઇડથી કેરી પકવતા વેપારીઓ સામે આકરી દંડાત્મક કે શિક્ષાત્મક કાર્યવાહી સૂચવતા નથી એટલે આ અંગે તંત્ર દ્વારા રાજ્ય સરકારને દરખાસ્ત કરાશે.

You might also like