ઝાડ સાથે કાર અથડાતાં દંપતી સહિત ત્રણનાં મોતઃ ચાર વ્યક્તિ ગંભીર

અમદાવાદ: પાલનપુર-દિયોદર રોડ પર ગઈ કાલે સાંજે સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં વીસનગરના દંપતીનું ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે ચાર જણાને ગંભીર ઈજાઓ પહોંચતાં તમામને સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે.  પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે વીસનગર ખાતે રહેતા પ્રજાપતિ પરિવારના સભ્યો લોકાચાર માટે ઈન્ડિગો કારમાં લાખણી તાલુકાના લવાણા ગામે જવા નીકળ્યા હતા ત્યારે પાલનપુર-દિયોદર રોડ પર મુલકપર ગામના પાટિયા પાસે રોડ પર કૂતરું અાવી જતાં કૂતરાને બચાવવા જતાં ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર જોરદાર ધડાકા સાથે ઝાડ સાથે અથડાતાં અા અકસ્માત સર્જાયો હતો, જેમાં સવિતાબહેન અને ગિરધરભાઈ સહિત ત્રણનાં મોત થયા હતા જ્યારે ચારને ગંભીર ઈજા થઈ હતી.

ભરૂચ નજીક નેત્રંગ પાસે ફૂલવાડી ચોકડી નજીક મહારાષ્ટ્ર પરિવહનની બસ અને ટ્રક વચ્ચે જોરદાર ધડાકા સાથે અકસ્માત થતાં છ વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે ૨૦થી વધુ જણાને ગંભીર ઈજાઓ પહોંચતાં તમામને સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં અાવ્યા છે. પોરબંદર-હર્ષદ રોડ પર વિસાવાડા ગામ પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતાં ભીમારાજસિંહ કેસવાળા અને રૂપસિંહ રાઠવા નામની બે વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસે અા અંગે અકસ્માતે મોતના ગુના દાખલ કરી અાગળની તપાસ શરૂ કરી છે.

You might also like