ટ્રાન્સપોર્ટરે ઘર બહાર પાર્ક કરેલી બે પિકઅપ ગાડીની ચોરી

અમદાવાદ: સાબરમતી વિસ્તારમાં વાહનચોરોએ તરખાટ મચાવ્યો છે. બે દિવસમાં ત્રણ ગાડીઓની ચોરીના બનાવ બનવા પામ્યા છે. રામનગરના અચેર ચાર રસ્તા પાસે રોડ પર પાર્ક કરેલી બે પિકઅપ ડાલુ ગાડીને તસ્કરો ઉઠાવી ફરાર થઇ ગયા છે. પાવરહાઉસ પાસે આવેલા સીમંધર એલિગન્સ ફ્લેટના પાર્કિંગમાંથી પણ એક કારની ચોરી બે અજાણ્યા શખસે કરી છે. સાબરમતી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ રામનગરના અચેર ચાર રસ્તા પાસે આબુસ્ટ્રીટ સોસાયટીમાં ઈશ્વરસિંહ ચૌહાણ ભાડે રહે છે. આશાપુરા રોડવેઝ નામથી તેઓ ટ્રાન્સપોર્ટેશનનો વ્યવસાય કરે છે. તેઓ પાસે બે પિકઅપ ડાલુ ગાડી છે. શનિવારે મોડી રાતે તેઓએ તેમની બંને ગાડીઓ ઘરની બહાર પાર્ક કરી હતી.વહેલી સવારે ઈશ્વરસિંહ ઉઠ્યા અને બહાર જોયું ત્યારે બંને ગાડીઓ જણાઈ આવી ન હતી.

પાલનપુર ખાતે રહેતા સોરાબસિંહ રાજપૂત પોતાની વર્ના કાર લઈને પાવરહાઉસ પાસે આવેલા સીમંધર એલિગન્સ ફ્લેટ ખાતે તેમના સસરાના ઘરે આવ્યા હતા.તેઓએ કાર ફ્લેટના પાર્કિંગમાં પાર્ક કરી હતી. થોડા સમય બાદ તેઓ ઓફિસ જવા નીકળ્યા ત્યારે કાર ફ્લેટના પાર્કિંગમાંથી ગાયબ હતી. ફ્લેટ નીચે આવેલી ચાની દુકાનના સીસીટીવી કેમેરામાં જોતાં બે અજાણી વ્યક્તિ કાર લઇ ફરાર થઇ જતી નજરે પડી હતી.
http://sambhaavnews.com/

You might also like