વેપારી કારમાંથી ઉતરી વડાપાંઉ લેવા ગયા અને ૩૫૦૦ પાઉન્ડ સાથેની બેગ ચોરાઈ

અમદાવાદ: સિંધુ ભવન રોડ પર રહેતા વેપારીની ગાડીના ડ્રાઈવરની નજર ચૂકવી અજાણ્યો શખ્સ ૩૫૦૦ પાઉન્ડ, ચાવીઓ અને એર ટિકિટ ભરેલી બેગની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. પકવાન ચાર રસ્તા નજીક વેપારી વડાપાઉં લેવા ગયા હતા ત્યારે ગઠિયાએ ડ્રાઈવરને નીચે કંઈક ઢોળાયું છે કહી અને નજર ચૂકવી ચોરી કરી હતી. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શહેરના સિંધુ ભવન રોડ પર આવેલા અશ્વવિલા બંગ્લોઝમાં રહેતા અને લોખંડના વેપારી રાજેશભાઈ અગ્રવાલના પુત્રને લંડન ખાતે વધુ અભ્યાસ માટે જવાનું હોવાથી ગઈ કાલે સાંજે પાંચેક વાગ્યે તેઓએ ૩૫૦૦ પાઉન્ડ લઇ ઓફિસની બેગમાં મૂક્યા હતા. બેગમાં ઓફિસની ચાવીઓ, પરચૂરણ કાગળ અને લંડનની એર ટિકિટ હતી. બેગ લઇ ઓફિસથી ઘરે જવા નીકળ્યા ત્યારે તેમના પુત્રએ ફોન કરી વડાપાઉં લાવવાનું કહેતા રાજેશભાઈએ પકવાન ચાર રસ્તા પાસે કાર ઊભી રખાવી અને તેઓ વડાપાઉં લેવા ગયા હતા.કારમાં ડ્રાઈવર બેઠો હતો ત્યારે એક અજાણ્યો શખ્સ ત્યાં આવ્યો હતો અને ડ્રાઈવરને નીચે કંઈક ઢોળાયું છે કહી નજર ચૂકવી ૩૫૦૦ પાઉન્ડ ભરેલી બેગ ચોરી નાસી ગયો હતો. ડ્રાઈવરે કારની પાછળની સીટમાં જોતાં બેગ ગાયબ હતી. રાજેશભાઈ પરત આવ્યા ત્યારે તેઓને આ અંગે જાણ કરતા આસપાસમાં શોધખોળ કરી હતી પરંતુ તે શખ્સ ન મળી આવતા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

You might also like